Site icon Just Gujju Things Trending

બેંકમાં પેન્શન ના પૈસા લેવા માટે ગયા તો મેનેજર તેના પગે પડી ગયો, પગે પડવાનું કારણ પૂછ્યું તો મેનેજરે એવું કહ્યું કે…

વર્ષો થી શિક્ષક તરીકે નોકરી કરી રહેલા વ્યાસ સાહેબને નિવૃત થયાને ઘણા વર્ષો થઈ ચુક્યા હતા. સંતાનમાં તેઓને બે દીકરા અને એક દીકરી હતી, ત્રણેય સંતાન ના લગ્ન થઈ ચૂક્યા હતા. બંને દીકરાઓ પણ સારી જગ્યાએ નોકરી કરી રહ્યા હતા અને દીકરીનું ઘર પણ અત્યંત સુખી હતું.

ઘણી વખત તેના દીકરાઓ તેને કહેતા કે તમે ઘર ચલાવવા માટે અમારી પાસેથી પૈસા લઈ લો પરંતુ વ્યાસ સાહેબ પોતાની પાસે દર મહિને આવતા પેન્શનમાંથી જ ઘર ચલાવતા. આજે ચોથી તારીખ અને સોમવાર હતો એટલે પોતાના ખાતામાં પેન્શન જમા થઈ ગયું હશે એમ વિચારી ને ઝડપથી તૈયાર થઇ ગયા.

બેંક નું બધું સાહિત્ય અંદર મૂકી આખી થેલી સાથે લઈને વ્યાસ સાહેબ આજે વહેલા ઘરે થી નીકળી ગયા, જતાં જતાં હોલમાં બેસેલા ધર્મપત્નીને પણ કહેતા ગયા કે હું આજે બેંકમાં જાઉં છું. આવતા કદાચ વહેલું મોડું થઈ જશે. પત્નીએ કૅલેન્ડર તરફ નજર કરી તરત જ ચાર તારીખ દેખાય એટલે પત્ની પણ સમજી ગયા કે પેન્શન માટે જાય છે અને કાયમ તેઓને આવતા મોડું થઈ જતું.

જતા જતા રસ્તા માં વિચારતા હતા કે બેન્ક માં કોઈ સારા ઓફિસર હોય તો સારું. નહીંતર દર વખતની જેમ આજે પણ મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને જાણે કોઈ મફતમાં આપતું હોય એ રીતે પૈસા આપશે.

વ્યાસ સાહેબ નો ગુસ્સો તેના મનમાંથી છલકાતો હતો, આ અત્યાર ના જુવાનિયાઓ ને સરકારી નોકરી મળી જાય એટલે બસ પછી તેને જેમ કામ કરવું હોય તેમ કરે! પછી મારા જેવા વૃદ્ધ માણસ હેરાન થાય તેનાથી તેઓને કોઈ જ ફરક નથી પડતો કે દયા પણ આવતી નથી. મનમાં ગુસ્સો આવી રહ્યો હતો અને સાથે સાથે રિક્ષામાં બેસીને બેંક આવે તેનું ધ્યાન પણ રાખી રહ્યા હતા.

બેન્ક આવી એટલે સાહેબ ત્યાં ઉતરી ગયા અને બરાબર દસ વાગ્યે બેન્ક માં અંદર જતા રહ્યા, એક ફોર્મ ભરીને એક ખાલી જગ્યા મળી ત્યાં જઈને ખુરશી ઉપર બેસી ગયા. સોમવારનો દિવસ હતો એટલે બેંકમાં ભીડ ઘણી હતી, થોડી ભીડ ઓછી થાય તેની રાહ જોઈને વ્યાસ સાહેબ ખુરશી પર બેસી ગયા હતા.

વ્યાસ સાહેબ ની નજર વારંવાર ઘડિયાળના કાંટા ઉપર જતી હતી, ભીડ ઓછી થાય તો પોતે જાય. એવામાં અચાનક એક માણસ તેની પાસે આવે છે તેનો પહેરવેશ જોઈને વ્યાસ સાહેબ સમજી ગયા કે એ બેંકમાં કામ કરી રહેલ પટાવાળા ભાઈ હશે. તેની પાસે આવીને એ પટાવાળા ભાઈએ વ્યાસ સાહેબ ને નમ્રતાથી કહ્યું કે દાદા તમે અંદર મેનેજર ની કેબીન માં આવો અમારા મેનેજર સાહેબ તમને બોલાવે છે.

વ્યાસ સાહેબ ને થોડું અજુગતું લાગ્યું અને મનમાં કુતૂહલ પણ થયું. મનમાં કુતૂહલ સાથે તેઓ મેનેજરની કેબીનમાં પહોંચી ગયા, કેબિનમાં ગયા એટલે મેનેજરે બેસવા માટે ઈશારો કર્યો, સાહેબ બેઠા એટલે મેનેજર તેની જગ્યાએથી ઉભો થઈ સાહેબ ના પગે પડી ગયો અને કહ્યું સાહેબ, તમે બેંકમાં શું કામથી આવ્યા છો? અને મારી ઓળખાણ પડી?

સાહેબ હજુ આશ્ચર્યમાં જ હતા અને તેને જવાબમાં કહ્યું કે હું બેંકમાં મારા પેન્શન ના જમા થયેલ રૂપિયા ઉપાડવા માટે આવ્યો છું. પરંતુ માફ કરો તમારી ઓળખાણ ન પડી, તમે કોણ?

મેનેજર સાહેબ પાસેથી સહી કરાવી ને તરત જ પટાવાળાને કાગળ આપીને કહ્યું કે સાહેબ નું કામ ઝડપથી પહેલા પતાવી આપો અને મારા તેમજ સાહેબ માટે ચા લઇ આવો. પટાવાળા બહાર ગયા એટલે મેનેજર એ સાહેબને કહ્યું કે સાહેબ હું સ્કૂલમાં ભણતો ત્યારે તમે મારા શિક્ષક હતા.

ગણિત માં મને ઓછી સમજણ પડતી અને મને ગણિત સમજાતું જ નહીં પરંતુ એ સમયે તમે મને મફતમાં ટ્યુશન કરાવ્યું હતું, અને જેના લીધે હું ગણિતમાં ધીમે ધીમે હોશિયાર થવા લાગ્યો અને આજે તમારો એ જ વિદ્યાર્થી બેંકમાં મેનેજર થઈ ગયો છે. એક અઠવાડિયા પહેલાં જ મારી અહીં બદલી થઈ છે. ગમે ત્યારે બેંકનું કોઈ પણ કામ હોય તો મને તુરંત જણાવજો.

એક વિદ્યાર્થી અને શિક્ષક આજે ભેગા મળીને વર્ષો જૂની વાતોને વાગોળીને એક પછી એક જૂની વાતો કરી રહ્યા હતા એવામાં પટાવાળા ભાઈ પણ સાહેબ ના પૈસા અને ચા લઈને આવી ગયા. ચા પીધા પછી ફરી પાછી થોડી વાર વાતો કરી અને પછી વ્યાસ સાહેબ બેંકમાં થી નીકળીને ફરી પાછા ઘરે જવા માટે નીકળી ગયા.

ઘરે જતાં જતાં વ્યાસ સાહેબ ના મનમાં વિચાર આવતા હતા કે હું આ નવી પેઢી ના છોકરાઓ માટે જેવું વિચારતો હતો, તેનાથી બિલકુલ વિરુદ્ધ અનુભવ મને આજે થયો. સાથે જ મનમાં બીજો પણ વિચાર આવ્યો કે ભલે પૈસા માટે આખી જિંદગી નોકરી કરી અને પૈસા કમાયા પણ ખરા પણ પૈસા કમાવવા માટે જે કર્મ કર્યું તે સમાજ ના બાળકો ને સાચે રસ્તે ચાલવા માટે ની પ્રેરણા અને બધા બાળકો હોશિયાર બને તેના માટે કાર્ય કર્યું છે. આજે હું મારા વિદ્યાર્થી ને ઓળખી ના શક્યો પરંતુ આટલા બધા વર્ષો પછી પણ તે મને તરત જ ઓળખી ગયો.

આજે જમાનો ગમે તેટલો બદલી જાય પણ એક શિક્ષક ની ઓળખાણ કોઈ બદલી નહિ શકે એ વાત નો વ્યાસ સાહેબ ને ખુબ જ આનંદ હતો.

post was first appeared on justgujjuthings.com

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version