ભગવાન પાસેથી તમે શું માંગો છો? આ વાંચીને તમારા વિચાર બદલી જશે
એક વખત એક નગરના રાજા ને ત્યાં પુત્ર નો જન્મ થયો. આ ખુશીમાં રાજાએ આખા નગરમાં ઘોષણા કરી દીધી કે કાલે આખી જનતા માટે રાજદરબાર ખુલ્લો રાખવામાં આવશે. જે વ્યક્તિ સવારે આવીને સૌથી પહેલા જે વસ્તુ ને હાથ લગાવશે તે વસ્તુ તેની થઈ જશે.
આખા રાજ્યમાં ખુશીનો માહોલ છવાઈ ગયો, બધા લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા. અને દરેક લોકો વિચારી રહ્યા હતાં કે હું સોનાને લઈ લઈશ, કોઈ મનોમન કહી રહ્યા હતા કે હું તો હીરા જવેરાત ના કળશ ઉપર હાથ લગાવીશ, તો ઘણા લોકોને ઘોડા નો શોખ હતો તો તેઓ કહી રહ્યા હતા કે હું તો ઘોડા ઉપર જ હાથ લગાવીશ. અને આ ને આ વિચારમાં લોકો આખી રાત વિચારતા રહ્યા કે સવારે તે કઈ ચીજવસ્તુને સૌથી પહેલા હાથ લગાવશે.
સવારે જેવો રાજાનો દરબાર ખુલ્યો કે બધા લોકોનો રાજાએ દરબારમાં સ્વાગત કર્યું. અંદર આવવાનું આમંત્રણ આપેલા બધા લોકો રાજમહેલમાં રહેલી કીમતી વસ્તુઓ પર જાણે કે તૂટી પડ્યા, અને સ્વાભાવિક વાત છે કે દરેકના મનમાં ડર હતો કે તેની પહેલા કોઈ બીજો આવીને તેની પસંદની વસ્તુને હાથ ન લગાવી દે. નહીં તો તે વસ્તુ તેના હાથમાં નહીં આવે.
થોડા સમય પછી દરબાર નો માહોલ વિચિત્ર થઇ ગયો, બધા લોકો આમતેમ દોડી રહ્યા હતા રાજા પોતાના સિંહાસન પર બેઠા બેઠા આ બધું જોઈ રહ્યા હતા અને આ જોઈને રાજાને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. એવામાં અચાનક એક નાનકડો છોકરો ભીડમાંથી નીકળતો નીકળતો આવ્યો અને રાજા તરફ આવવા લાગ્યો.
રાજા તેને જોઈને પહેલા તો કંઈ સમજી શક્યા નહીં પરંતુ એટલામાં જ તે રાજાની ખૂબ જ નજીક આવી ગયો અને તેને રાજાને પોતાનો હાથ લગાડી દીધો. હવે રાજા તેનો થઈ ગયો હતો તો એ રીતે રાજા ની દરેક વસ્તુ પણ તેની થઈ ગઈ.