એક વખત એક નગરના રાજા ને ત્યાં પુત્ર નો જન્મ થયો. આ ખુશીમાં રાજાએ આખા નગરમાં ઘોષણા કરી દીધી કે કાલે આખી જનતા માટે રાજદરબાર ખુલ્લો રાખવામાં આવશે. જે વ્યક્તિ સવારે આવીને સૌથી પહેલા જે વસ્તુ ને હાથ લગાવશે તે વસ્તુ તેની થઈ જશે.
આખા રાજ્યમાં ખુશીનો માહોલ છવાઈ ગયો, બધા લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા. અને દરેક લોકો વિચારી રહ્યા હતાં કે હું સોનાને લઈ લઈશ, કોઈ મનોમન કહી રહ્યા હતા કે હું તો હીરા જવેરાત ના કળશ ઉપર હાથ લગાવીશ, તો ઘણા લોકોને ઘોડા નો શોખ હતો તો તેઓ કહી રહ્યા હતા કે હું તો ઘોડા ઉપર જ હાથ લગાવીશ. અને આ ને આ વિચારમાં લોકો આખી રાત વિચારતા રહ્યા કે સવારે તે કઈ ચીજવસ્તુને સૌથી પહેલા હાથ લગાવશે.
સવારે જેવો રાજાનો દરબાર ખુલ્યો કે બધા લોકોનો રાજાએ દરબારમાં સ્વાગત કર્યું. અંદર આવવાનું આમંત્રણ આપેલા બધા લોકો રાજમહેલમાં રહેલી કીમતી વસ્તુઓ પર જાણે કે તૂટી પડ્યા, અને સ્વાભાવિક વાત છે કે દરેકના મનમાં ડર હતો કે તેની પહેલા કોઈ બીજો આવીને તેની પસંદની વસ્તુને હાથ ન લગાવી દે. નહીં તો તે વસ્તુ તેના હાથમાં નહીં આવે.
થોડા સમય પછી દરબાર નો માહોલ વિચિત્ર થઇ ગયો, બધા લોકો આમતેમ દોડી રહ્યા હતા રાજા પોતાના સિંહાસન પર બેઠા બેઠા આ બધું જોઈ રહ્યા હતા અને આ જોઈને રાજાને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. એવામાં અચાનક એક નાનકડો છોકરો ભીડમાંથી નીકળતો નીકળતો આવ્યો અને રાજા તરફ આવવા લાગ્યો.
રાજા તેને જોઈને પહેલા તો કંઈ સમજી શક્યા નહીં પરંતુ એટલામાં જ તે રાજાની ખૂબ જ નજીક આવી ગયો અને તેને રાજાને પોતાનો હાથ લગાડી દીધો. હવે રાજા તેનો થઈ ગયો હતો તો એ રીતે રાજા ની દરેક વસ્તુ પણ તેની થઈ ગઈ.
આ કદાચ વાર્તા હશે પરંતુ જેવી રીતના આ વાર્તામાં રાજાએ પ્રજાજનોને મોકો આપ્યો એવી જ રીતના આપણો ભગવાન પણ આપણને રોજ મોકા આપે છે કંઈક ને કંઈક પામવાના, પરંતુ આપણે એટલા ભોળા અને પણ સમજુ છીએ કે ઇશ્વરની બનાવેલી વસ્તુઓને પામવા માટે આપણી પૂરી શક્તિ લગાવી દઈએ છીએ.
અહીં કોઈને ગાડી જોઈએ છે તો કોઈને બંગલા જોઈએ છે. ઘણા લોકોને પૈસા જોઈએ છે તો ઘણા લોકોને શાન. દરરોજ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ત્યારે કંઈ ને કંઈ ચીજ વસ્તુ જ માંગીએ છીએ.
જે લોકો સત્યને જાણી લે છે કે એ ભગવાન ની ચીજ વસ્તુઓ ને નહીં પરંતુ ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. અને જો ભગવાનને પામી લઈએ તો એ માલિક ની દરેક ચીજ તમારી થઈ જશે. તો પછીઆપણે મુરખા ની જેમ આખો દિવસ અને રાત તેની બનાવેલી વસ્તુઓ પાછળ આપણો કીમતી સમય શું કામ બગાડીએ છીએ?
ભગવાનને પ્રાર્થના કરો, સ્તુતિ કરો, ભગવાનને પામવાની કોશિશ કરો. પછી તેની દરેક વસ્તુઓ તમારી થઈ જશે.
જો આ વાર્તા તમને પસંદ પડી હોય તો નીચે રહેલું શેર બટન દબાવી દેજો.