ઉનાળાનો સમય હતો, આખા શહેરમાં ખૂબ જ ગરમી પડી રહી હતી. અને આવા સમયે વાહન લઇને બજારમાં નીકળવું તે પણ ખૂબ જ અઘરું પડતું હતું, અને સામેથી રીતસરની એટલી બધી લૂ લાગતી કે જાણે આગ વરસી રહી હોય તેવું લાગતું.
આવી ગરમીમાં પણ ઘણા મજબૂર લોકોને જોઈને એવો વિચાર મનમાં ઘણી વખત આવી જતો કે આવા લોકો માટે કશું કરીએ તો વ્યાજબી ગણાય. આથી ત્રણ ચાર મિત્રોએ ભેગા મળીને એક નિર્ણય લીધો જેમાં શહેરના જેટલા લોકો રસ્તા ઉપર બેઘર ફરી રહ્યા છે અને તેઓ પાસે નીચે પહેરવા ના ચંપલ પણ નથી. તેઓ માટે કંઈક યોજના બનાવીએ અને તેને ચંપલ આપીએ.
પછી મિત્રો વચ્ચે ચંપલ ની જગ્યા પર નવા બુટ આપવાનું નક્કી થયું, અને બુટ ની ખરીદી પણ થઈ ગઈ. હવે બધા મિત્રો થોડા થોડા બુટ લઈને જુદા જુદા વિસ્તારોમાં નીકળી પડ્યા.
અને જરૂરિયાત મંદ લોકો ને બુટ આપવા માંડ્યા, જેથી આવા આકરા તાપમાં પણ જે લોકોના પગમાં ચંપલ ના હોય તે લોકો ને ચંપલ મળી જાય અને તેને તાપ ન લાગે.
ધીમે ધીમે દરેક લોકો ને શોધી શોધીને બુટ આપી રહ્યા હતા, એવામાં એક નાનો એવો બાળક રસ્તા ઉપર આકરા તાપમાં ખુલ્લા પગે ફુલ વેચી રહ્યો હતો.
તેને જોઈને બુટ આપવા આવેલા માણસ એ તેની સામે જોઈને તરત જ તેની પાસે ગયા અને જે લોકો ત્યાં ઉભા ઉભા ફુલ ખરીદી રહ્યા હતા તેને નિહાળવા લાગ્યા.
ખરીદી રહેલા લોકો ત્યાં ઉભા ઉભા તે બાળક પાસે ફૂલના પૈસામાં પણ ઓછા ભાવ કરાવી રહ્યા હતા. આ જોઈને પહેલા બુટ આપવા આવેલા માણસને ઘણું દુઃખ થયું.
તેને તરત જ પેલા બાળક પાસે જઈને એક બૂટ ની જોડ કાઢીને જેના હાથમાં આપી અને કહ્યું કે બેટા આ બૂટ પહેરી લે.
પેલા બાળકે તરત જ બુટ પહેરી લીધા. અને તેના મોઢા ઉપર એક અલગ જ ચમક જોવા મળી. જાણે તે ખૂબ જ ખુશ થયો હોય એવી રીતે તેનો ચહેરો મહેકી ઊઠ્યો.
તેને બુટ બરાબર થઈ ગયા એટલે પેલા બુટ આપવા આવેલા માણસ અંદરો અંદર રાજી થઈને હજુ પાછા ફરીને જઈ રહ્યા હતા એવામાં તે બાળકે તેને બોલાવ્યા.
આથી પાછા ફરીને તે માણસ એ બાળકને પૂછ્યું કે હા બેટા બોલ, કેમ મને બોલાવ્યો. કંઈ કામ છે?
પેલા બાળકનો સ્વભાવ થોડો બદલાઈ ગયો પછી તેને ધીમેથી પૂછ્યું કે શું તમે ભગવાન છો?
પેલા માણસને તરત જ જવાબ આપ્યો કે ના બેટા, હું ભગવાન નથી. પણ તું મને આવું કેમ પૂછી રહ્યો છે?
આથી પેલો બાળક થોડું હસ્યો અને ફરી પાછું પૂછ્યું કે તો તમે ભગવાનના મિત્ર તો જરૂર હશો?
પેલા માણસે ફરી પાછો જવાબ આપ્યો કે ના બેટા, પણ તું આવું કેમ કહી રહ્યો છે.?
પેલા બાળકે જવાબ આપતા આપતા કહ્યું કે મેં ગઈકાલે ભગવાનને કહ્યું હતું કે એ ભગવાન મને નવા બુટ અપાવી દો. અને આજે જ મને નવા બુટ મળી ગયા આથી હું તમને આ બધું પૂછી રહ્યો છું.
પેલા માણસ ને આખી વાતનો અંદાજ આવી ગયો, અને તે બાળકની માસુમિયતને પણ અંદાજ આવી ગયો. તરત જ તેના માથા ઉપર વહાલથી હાથ ફેરવીને તે માણસ ત્યાંથી નીકળ્યા.
અને આખા રસ્તે તેઓ વિચાર જ કરતા હતા કે જો એક બાળકને પણ ભગવાન ઉપર આટલો ભરોસો છે. તો આપણને કેમ ભરોસો નથી રહેતો? ઘણી વખત સમય અને સંજોગો અનુસાર માણસ ભગવાનને પ્રાર્થના તો કરે છે પરંતુ ભગવાન ઉપર તેનો ભરોસો કેવો છે, તે માણસે પોતાને જ નક્કી કરવાનું છે.
એક નાનકડો બાળક પણ તે માણસને આજે એક નાની વાતમાં થી પણ એટલી મોટી સમજ આપી ગયો હતો કે ભગવાનના મિત્ર થવું તે એટલું અઘરું પણ નથી. અને ભગવાન ઉપર ભરોસો રાખો તો કોઈ પણ કાર્ય પાર પડી જ જાય છે.
એટલે જ કદાચ કોઈકે કહ્યું હશે કે ખુશીઓ આપવાથી જ પ્રાપ્ત પણ થાય છે. તમને આ સ્ટોરી કેવી લાગે તે કમેન્ટમાં જણાવજો અને જો સ્ટોરી સારી લાગી હોય તો આને શેર જરૂર કરજો, જેથી દરેક લોકો આ સ્ટોરી વાંચી, સમજી અને પોતાના જીવનમાં ઉતારી શકે.