એક નકામા દીકરાની સ્ટોરી, વાંચીને તમે પણ…

ધૂળિયા કમરતોડ રસ્તા પરથી પસાર થતી એ જૂનીપુરાણી બસના ઝટકાં અરવિંદભાઈના થાકેલા શરીરને હચમચાવી રહ્યા હતા. બાજુમાં બેઠેલાં જયાબેનનો હાથ એમણે મક્કમતાથી પકડી રાખ્યો હતો, પણ મનમાં ક્યાંક એક અનિશ્ચિતતાનો ધ્રુજારો હતો. નિવૃત્તિનું સુખદ જીવન માણી રહેલાં આ પતિ-પત્ની માટે જિંદગીની ગાડી હવે જાણે પાટા પરથી ઊતરવાની તૈયારીમાં હતી. એમની જિંદગીની આખી કમાણી, એક-એક પૈસો, ત્રણ દીકરા અને એક દીકરી પાછળ હોમાઈ ગયો હતો. મોટા બે દીકરા, કૌશિક અને મિતેશ, ભણીગણીને મોટા સાહેબ બની ગયા હતા. કૌશિક એન્જિનિયર બનીને શહેરમાં સ્થિર થયો, અને મિતેશ ડૉક્ટર બનીને નામના કમાયો. બંનેના લગ્ન પણ સમૃદ્ધ ઘરની દીકરીઓ સાથે થયા હતા. આ દીકરાઓની સફળતા જોઈને અરવિંદભાઈનું હૃદય ગજગજ ફૂલતું.

પણ વાત જ્યારે ત્રીજા દીકરા, ધૈર્યની આવતી, ત્યારે અરવિંદભાઈના હોઠ સીવાઈ જતા. ભણવામાં પાછળ, કોઈ નોકરી કરવાની ઈચ્છા નહીં, અને હંમેશા પોતાની મરજીનો માલિક. અરવિંદભાઈ તેને હંમેશા ‘નકામો’ કહીને સંબોધતા, જાણે એ નામ જ એની ઓળખ બની ગઈ હતી. કૌશિક અને મિતેશને તો એમણે જમીનના ટુકડા વેચીને શહેરમાં ફ્લેટ લેવડાવી આપ્યા, પણ ધૈર્યના ભાગે તો ગામડાનું ખેતર આવ્યું. અરવિંદભાઈએ તેને સીધો રસ્તો બતાવ્યો કે ‘જે નસીબમાં આવ્યું છે, એમાં જ મહેનત કર.’

અને પછી એ કમનસીબ દિવસ આવ્યો. બસનો ભયાનક અકસ્માત… બસ ઉંધી વળીને ખાડામાં ધડામ દઈને પડી. આજુબાજુ ચીસાચીસ અને બૂમાબૂમનો અવાજ. અરવિંદભાઈને સામાન્ય ઉઝરડા જ થયા હતા, પણ જયાબેનને માથામાં ગંભીર ઈજા થઈ હતી. લોહીલુહાણ હાલતમાં તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું, “સારવાર તો શરૂ કરી દીધી છે, પણ સાજા થતાં એકાદ મહિનો લાગશે અને અંદાજે આઠ લાખ રૂપિયાનો ખર્ચ થશે.” અરવિંદભાઈના માથા પર જાણે આભ તૂટી પડ્યું. જીવનની બધી બચત તો બાળકોના લગ્નમાં અને ઘરના ખર્ચમાં વપરાઈ ગઈ હતી.

એમણે તરત જ મોટા દીકરા કૌશિકને ફોન જોડ્યો. અવાજ ફાટી રહ્યો હતો, પણ હિંમત ભેગી કરીને બધી વાત કરી. કૌશિકનો જવાબ સાંભળીને અરવિંદભાઈના હૃદયમાં એક શૂળ ભોંકાઈ ગયું. “પપ્પા, હું અત્યારે બહુ વ્યસ્ત છું. કંપની મને વિદેશ મોકલવાનું વિચારી રહી છે અને એની તૈયારીમાં જ છું. રૂપિયાની થોડી ખેંચ છે, તમે અત્યારે વ્યવસ્થા કરી લો, હું પછી આપી દઈશ.”

પછી એમણે મિતેશને ફોન કર્યો. ડૉક્ટર દીકરા પાસેથી સહાનુભૂતિ અને મદદની આશા હતી, પણ ત્યાં પણ નિરાશા જ હાથ લાગી. મિતેશે કહ્યું, “પપ્પા, મારા સાસરે એક મોટો પ્રસંગ છે. હું અત્યારે આવી શકું તેમ નથી. પણ તમે ચિંતા ન કરો, હું પૈસા મોકલી દઈશ.” પણ એ ‘મોકલી દઈશ’ એ માત્ર વાયદો જ બની રહ્યો, રૂપિયા આવ્યા જ નહીં.

બે દીકરાઓ પરની આશાનો મહેલ તૂટી પડ્યો. “જે બે દીકરાને ભણાવી-ગણાવીને આટલા મોટા કર્યા, એમણે જ હાથ અધ્ધર કરી દીધા,” એવો વિચાર કરીને, ધૈર્યને ફોન કરવાની એમની હિંમત જ ન થઈ. જે દીકરાને આખી જિંદગી ‘નકામો’ કહ્યો, તે શું મદદ કરવાનો હતો? નિરાશ થઈને તેઓ હોસ્પિટલની લોબીમાંથી જયાબેનના રૂમમાં પાછા ફર્યા. ખુરશી પર બેસીને ભૂતકાળના વમળમાં ખોવાઈ ગયા. એ જ વખતે તેમને અચાનક ઊંઘ આવી ગઈ.

“પપ્પા… પપ્પા…” ના અવાજે એમની આંખ ખુલી. સામે નજર કરી તો ગુસ્સાથી એમનું મન ભરાઈ આવ્યું. નકામો ધૈર્ય સામે ઊભો હતો. અરવિંદભાઈએ મોઢું ફેરવી લીધું. પણ ધૈર્યનો અવાજ રુંધાતો હતો, “તમે મને જાણ પણ ના કરી? મને તો ગામના એક ભાઈએ સમાચાર આપ્યા ત્યારે હું સીધો અહીં દોડ્યો આવ્યો.” ધૈર્યે તરત જ એક મોટી ગાડી મંગાવી અને માતા-પિતાને બીજી એક મોટી હોસ્પિટલમાં લઈ ગયો. અરવિંદભાઈએ આશ્ચર્ય સાથે પૂછ્યું, “આટલી મોટી હોસ્પિટલમાં ક્યાંથી?”