દરરોજની જેમ આજે પણ મમતાબેન વહેલા જાગીને યોગ કરીને તૈયાર થઈ રહ્યા હતા. તૈયાર થઈને ચા નાસ્તો કરી અને બહાર આવેલા હીંચકા પર બેઠા હતા. એવામાં અચાનક દરવાજો ખુલ્યો, મમતા બેને નજર કરી કે કોણ આવ્યું છે તો તેની દીકરી આવી હતી.
મમતાબેન ની દીકરી શીતલના લગ્ન થયા અને ત્રણ વર્ષ થઈ ગયા હતા, શીતલ મોટી દીકરી હતી અને નાનો દીકરો હર્ષ બહારગામ કોલેજ કરી રહ્યો હતો. શીતલ ના મમ્મી ઘરમાં એકલા જ રહેતા હોવાથી શીતલ આવી રીતે જ્યારે ટાઈમ મળે ત્યારે મમ્મી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે ઘરે આવી જતી.
પરંતુ આ વખતે તેને માતાને કહ્યા વગર જ ઘરે આવી હતી એટલે મમતાબેન પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે તું મને જાણ કર્યા વગર કેમ અહીં આવી છે? કંઈ પ્રોબ્લેમ તો નથી ને ત્યારે તેની દીકરીએ જવાબ આપતા કહ્યું ના કશો પ્રોબ્લેમ નથી.
ઘરમાં બધા શું કરે છે મજામાં? ત્યારે દીકરીએ જવાબ આપતા કહ્યું હા મમ્મી બધા મજામાં. તને કેમ છે ત્યારે મમતા બેને પણ જવાબ આપતા કહ્યું બસ જો આ રહ્યા, અહીં બેઠા છીએ અને ટાઈમ વિતાવતા રહીએ છીએ.
દીકરી ઘણા સમય પછી પિયરમાં આવી હતી, એટલે માતાએ તેને બેસવા માટે કહ્યું દીકરી આવીને ત્યાં બેસી હતી. બધી વાતો કરતા હતા એવામાં જોત જોતામાં સમય વીતવા લાગ્યો નાસ્તો કર્યો ત્યાર પછી જમવાનો સમય થઈ ગયો.
દીકરી મદદ કરવા માટે રસોડામાં જાય છે અને પૂછે છે શું રસોઈમાં બનાવવું છે? ત્યારે માતાએ ચોખ્ખું કહી દીધું કે અરે બેટા મારે લગભગ રસોઈ ની તૈયારી થઈ ગઈ છે, થોડી જ વારમાં હું રોટલી ઉતારીને બહાર આવું છું તો ત્યાં ડાઇનિંગ ટેબલ પર બેસી જા.
થોડી જ વારમાં માતા પણ બધી રસોઈ તૈયાર કરીને ત્યાં આવી જાય છે, અને બંને લોકો જમવા બેસે છે. દીકરી એ જોયું કે માતાએ જમવા બેસતા પહેલા આખી થાળીમાં બધું જમવાનું કાઢી અને પછી પોતાનો ફોન કાઢીને તેમાં ફોટો પાડ્યો.
પછી કોઈને મોકલ્યો હોય તેવું લાગ્યું, દીકરી આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે માતાને ફોન પણ એટલો બધો ગમતો ન હતો પરંતુ આજે તો તે ફોનમાં ફોટા પાડીને કોઈને મોકલી રહ્યા હતા એટલે એને તરત જ માતાને પૂછ્યું કે શું વાત છે મમ્મી? તમે આ ફોટા પાડીને સ્ટેટસમાં મુકવાનો શોખ કયા દિવસથી શરૂ કર્યો?
ત્યારે તેની માતાએ જવાબ આપતા કહ્યું અરે તને તો ખબર છે મને કોઈ શોખ નથી પરંતુ તારો ભાઈ જોને ક્યાં મારું માને છે. એને મને કહ્યું હતું કે હું તમારાથી આટલો દૂર રહું છું અને અહીં હોટલનું જમવાનું જમી રહ્યો છું, પરંતુ મને જમવાનું ભાવતું નથી. એટલે તમે મને રોજ લંચ અને ડિનરમાં જે પણ કંઈ બનાવ્યું હોય તેનો ફોટો મોકલજો. જેથી હું તે જોઈને રાજી થઈ જઈશ અને અહીંનું હોટલનું જમવાનું પણ મને ભાવશે.
દીકરીને આ સાંભળીને ઘણી નવાઈ લાગી એટલે તરત જ તેને તેના ભાઈ વિશે ફરિયાદ કરતા કહ્યું ખરેખર હો મમ્મી તમે આ નાના ને ખૂબ જ પ્રેમ કરીને બગાડી નાખ્યો છે, આટલો મોટો થયા પછી આમ નાના છોકરાઓની જેમ જીદ કરે તે કેવી રીતે ચાલે. ભગવાન જાણે તે ક્યારે મોટો થશે હવે તો કોલેજમાં પણ આવી ગયો છે.
આટલું બોલી અને દીકરી અને માતા બંને જમવા બેસી ગયા બંને જમી લીધું પછી બંને લોકો આરામ કરવા માટે રૂમમાં ગયા. થોડા સમયમાં માતા ને તો ઊંઘ આવી ગઈ પરંતુ દીકરીને બપોરે આરામની ટેવ ના હોવાથી તે મોબાઇલમાં કશું જોઈ રહી હતી.
થોડા સમય પછી માતાને ઊંઘ આવી ગઈ એટલે દીકરી એ તેના ભાઈને ફોન કર્યો. ફોન કરીને તરત જ કહ્યું કે આપણા મમ્મી એ મમ્મી છે કે તારા નોકર છે? આ તે મમ્મી પાસે વળી શું નવી ડ્યુટી ચાલુ કરાવી છે? આટલો દૂર છે છતાં પણ મમ્મીને તકલીફ આપવામાં કંઈ બાકી નથી રાખતો.. કેમ?
ભાઈ તો હજુ કંઈ જવાબ આપે તે પહેલા એક શ્વાસે બહેન આ બધું બોલી ગઈ એટલે ભાઈએ સામેથી જવાબ આપ્યો અને કહ્યું અરે એવું કંઈ નથી તમે આવું કેમ કરી રહ્યા છો હું શું કામ મમ્મીને હેરાન કરું?
તો બહેને કહ્યું કે અરે તો આ હેરાનગતિ જ કહેવાય ને તું મમ્મી પાસેથી દરરોજ લંચ અને ડિનર ના ફોટા શું કામ મંગાવ્યા કરે છે, એ બિચારી મમ્મીને ફોન પણ માંડ આવડે છે એમાં વળી પાછા તને ફોટા પાડીને મોકલવાના.
આ સાંભળીને ભાઈ થોડો હસવા લાગ્યો. દીદી એ કહ્યું હું તને ખીજાઈ રહી છું અને તું ફરી પાછો હસી રહ્યો છે? ખૂબ બગડી ગયો છે હા તું.
પછી ભાઈ થોડો સિરિયસ થઈ ગયો અને ગળું ચોખ્ખું કરીને તેને દીદી ને કહ્યું દીદી તમને તો ખબર છે કે પપ્પાનું અવસાન થયા પછી તમારા લગ્ન થયા અને હમણાં સુધી તો હું પણ મમ્મીની સાથે રહેતો હતો પરંતુ હવે હું પણ ભણવા માટે થઈને અહીંયા બહારગામ રહેવા આવી ગયો છું તો હવે મમ્મી ઘરે એકલા જ રહે છે.
થોડા જ દિવસો પહેલા ની વાત છે મને ત્રણ દિવસની રજા મળી હોવાથી હું ઘરે આવ્યો હતો. મમ્મી એક દિવસ બહાર હતા ત્યારે કામવાળી ઘરે બધું કામ કરવા માટે આવી હતી ઘરનું બધું કામ કરીને પછી તે મારી પાસે આવી હતી અને મને કહ્યું કે તમે તમારા મમ્મી ઉપર થોડું ધ્યાન રાખજો કારણ કે મમ્મી જમવામાં ઘણા દિવસે કશું બનાવતા જ હોતા નથી.
તેનું મન ન હોય તો એકદમ સાધુ બનાવીને ખાઈ લે છે, કોઈ વખત દાળ ભાત માત્ર માં ચલાવી લે છે તો કોઈ વખત માત્ર ખીચડી ખાઈને આખો દિવસ કાઢી નાખે છે. આ રીતે તેને મને વાત કરી એટલે હું પણ વિચારમાં પડી ગયો કે હું હાજર ન હોય ત્યારે મમ્મીનું ધ્યાન કોણ રાખે.
એટલે મને એક આઈડિયા આવ્યો એટલે મેં કહ્યું કે મમ્મી તમારે મને બધું જ બનાવીને આખી થાળી નો ફોટો પાડીને મોકલજો, અને સાથે તે દિવસથી તે બધું જ જમવાનું પણ બનાવે છે અને કોઈ કોઈ દિવસ તો નવીન વસ્તુઓ પણ બનાવે છે.
પિતાના ગયાનું દુઃખ આપણને જેટલું છે તેનાથી અનેક ગણું માતાને હોઈ શકે છે, એટલે મેં વિચાર્યું કે હું ભલે અહીંયા હાજર ન હોય પરંતુ કંઈક એવું કરું જેથી માતાનું દુઃખ પણ ઓછું થઈ શકે અને તે સમયસર અને રેગ્યુલર ભોજન પણ ખાવા માંડે.
દીકરી થોડા જ સમય પહેલા મમ્મીને કહી રહી હતી કે ખબર નહીં ભાઈ ક્યારે મોટો થશે? પરંતુ ભાઈના મોઢેથી આવા શબ્દો સાંભળીને દીકરી મનોમન બોલી ઉઠી કે નાના ભાઈ આજે ખરેખર તું મારાથી પણ મોટો થઈ ગયો.
દીકરી ભાવુક થઈ ગઈ અને ફોનમાં રડવા લાગી.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો આ સ્ટોરી અને દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.