ગામડેથી બાપુજી આવ્યા છે, નક્કી પૈસા માંગવા આવ્યા હશે. પરંતુ બાપુજીએ જે કહ્યું તેનાથી દીકરા…
એક કપલ હતું, તેઓના લગ્ન અને ત્રણ વર્ષ જેવું થવા આવ્યું હતું. કપલ પોતાના માતા-પિતા સાથે નહીં પરંતુ એકલા શહેરમાં રહેતા હતા. માતા-પિતા ગામડે જ રહેતા હતા માતા-પિતા સાથે ફોન કરીને તેઓ લોકો વાતચીત કરી લેતા અને પ્રસંગોપાત ગામડે જવાનું પણ થતું.
લગ્ન કરતાની સાથે જ દીકરો શહેરમાં વસવાટ કરવા માટે આવી ગયો હતો. શહેરમાં તેનો ધંધો પણ સેટ થઈ ગયો હતો. પરંતુ અચાનક જ ધંધામાં મંદીને કારણે ધંધો બંધ કરવો પડ્યો હતો બે વર્ષમાં જ ધંધો બંધ કરવો પડયો એટલે ફરી પાછું શહેરમાં પોતાનું ગુજરાન ચલાવવા માટે બીજો ધંધો ચાલુ કરવો એના કરતાં તેને વિચાર કર્યો કે નોકરી સારી રહેશે આથી તે પોતે હવે નોકરી એ લાગી ગયો હતો. અને નોકરીમાં પણ પગાર ઓછો હોવાથી માંડ માંડ કરીને તે ઘરનું ગુજરાન ચાલતું હતું.
એવામાં એક વખત સાંજે તે નોકરીએથી છૂટીને ઘરે જતો હતો, ઘરે પહોંચીને ઘરનો દરવાજો ખોલ્યો તો સામે જ ઉભેલી પત્નીએ તેને કહ્યું કે ગામડેથી તમારા બાપુજી આવ્યા છે અને ચહેરા પરથી તે કાંઈક તકલીફમાં હોય એવું લાગી રહ્યું છે. આવું કહેતી વખતે પત્નીએ પણ પોતાનું મોઢું બગાડી નાખ્યું હતું.
આટલું સાંભળ્યું ત્યાં જ દીકરાના પણ ચહેરા પરના હાવભાવ ફરી ગયા અને માંડ માંડ ઘરનું ગુજરાત ચાલતું હોય એવામાં જો ગામડેથી બાપુજી આવ્યા હશે તો એ ચોક્કસ કંઈક મદદ માગવા માટે આવ્યા હશે આ સમયે હું કઈ રીતે બાપુજીની મદદ કરીશ? આ વિચાર માત્રથી તે અંદરથી ધ્રુજવા માંડ્યો.
ઘરમાં પ્રવેશતાની સાથે મુરઝાયેલા ચહેરા સાથે જ પોતાના બાપુજી ને પ્રણામ કર્યા અને ગામડાના હાલચાલ પૂછ્યા.
રાત પડી ગઈ હતી અને જમવાનો પણ સમય થઈ ગયો હતો એટલે દીકરાએ પિતાને કહ્યું ચાલો બાપુજી આપણે સાથે જમી લઈએ, હજુ પણ તે બાપુજી સાથે આગ્રહ કરીને વાત તો કરી રહ્યો હતો પરંતુ તેના ચહેરા ઉપરથી હસી બહાર નીકળી રહી હતી નહીં. કારણકે અંદરો અંદર તેને એવું જ લાગી રહ્યું હતું કે પિતાજી કોઈ મદદ માટે જ આવ્યા હશે.
રાત્રિનું ભોજન પતાવીને બાપુજીએ તેના દીકરાને કહ્યું કે બેટા તારી સાથે થોડી વાત કરવી છે.
બાપુજી આવું કહ્યું તે સાંભળતાં જ તેના દીકરાના હૃદયમાં ફાળ પડી કે હવે નક્કી બાપુજી પૈસાની માંગણી જ કરશે. શું બાપુજી ને જરા પણ વિચાર નહીં આવતો હોય કે મારી પરિસ્થિતિ કેવી છે? કોઈપણ જાતનો ફોન કર્યા વગર સીધા જ અહીંયા પહોંચી ગયા જો તેને અહીંયા આવતા પહેલા મને ફોન કર્યો હોત તો હું ફોન પર પણ તેને મારી મુશ્કેલી સમજાવી શક્યો હોત.
આવું વિચારીને દીકરો ત્યાં ને ત્યાં જ બેસી રહ્યો, બાજુમાં આવીને બાપુજીએ દીકરા ના ખભા પર હાથ મૂક્યો ત્યારે દીકરાને ખબર પડી કે બાપુજી તેની બાજુમાં આવી ચૂક્યા છે. બાપુજીએ તેના દીકરાને કહ્યું કે તો મહિને એકાદ બે વખત અથવા તો અઠવાડિયે અઠવાડિયે અમને ગામડે ફોન કરી લેતો હતો દીકરા પરંતુ છેલ્લા ચાર મહિનાથી તારો એક પણ ફોન આવ્યો નથી. એટલે તું કોઇ તકલીફમાં હોય એવું મને અને તારી મમ્મીને લાગ્યું હતું.