ઘરની બહાર અજાણ્યા માણસે આવીને કહ્યું હું ભગવાન છું, તારા માટે આવ્યો છું. માત્ર તું જ મને સાંભળી શકશે!
આજની આ સ્ટોરી ખરેખર દરેક લોકોએ વાંચીને જીવનમાં ઉતારવા જેવી છે,
અંદાજે ૨૫ વર્ષની ઉંમરનો નવયુવાન, નામ એનું રાહુલ. દિવસની શરૂઆતમાં ઘરની બેલ વાગી એટલે તરત જ દરવાજો ખોલી ને બહાર જોયું તો સામે એક વ્યક્તિ ઉભા હતા. સામાન્ય પેન્ટ શર્ટ પહેરીને એ વ્યક્તિ દરવાજો ખોલ્યો એટલે સ્માઈલ આપી ને ત્યાં ઉભા હતા.
રાહુલે કહ્યું બોલોને શું કામ છે?
સામે ઉભેલી વ્યક્તિ એ ચહેરા પર સ્માઇલ સાથે જવાબ આપ્યો રોજ તો તમે જ મને બોલાવો છો. અને કહો છો કે ભગવાન મારુ સાંભળો. ભગવાન મને સાંભળો. અને હું આવ્યો છું આજે કહો છો બોલો શું કામ છે? વાહ મનુષ્ય.
રાહુલ હજુ ઊંઘમાંથી જાગ્યો જ હતો, તેને પોતાની આંખ સાફ કરીને કહ્યું માફ કરો સાહેબ મને પરંતુ હું તમને ઓળખી ના શક્યો. તમે કોણ?
પહેલા વ્યક્તિ એ જવાબ આપ્યો મને સાહેબ નહીં કહો હું તો એ છું જેને તને સાહેબ બનાવ્યો છે. અરે હું ભગવાન છું. ભગવાન. હંમેશા તું મને બોલાવતો અને કહેતો કે અરે ભગવાન તમે ક્યાં છો, તમે નજરમાં તો છો પરંતુ નજરે કેમ નથી આવતા, આવું દરરોજ પૂછ્યા કરતો એટલે જો હું તારી નજર સમક્ષ આવી ગયો. આજે તો આખો દિવસ તારી સાથે જ રહેવાનો છું.
રાહુલને હવે આ થોડી વધારે પડતી મજાક કોઈ કરી રહ્યું હોય તેવું લાગ્યું એટલે તે થોડો ગુસ્સે થયો અને કહ્યું અરે આ શું મજાક છે ભાઈ? કહો ને મને તમે કોણ છો? તમે કેમ મારા ઘરે આવ્યા છો?
હજુ રાહુલ કંઈ આગળ બોલે તે પહેલાં સામેવાળી વ્યક્તિએ કહ્યું અરે રાહુલ આ મજાક નથી. આ પરમ સત્ય છે. હું ભગવાન છું અને હા હું માત્ર તને જ દેખાય શકીશ.
એ જ સમયની વચ્ચે ત્યાંથી તેની માતા આવી અને રાહુલ ને કહ્યું અરે શું જાગીને સવાર સવારમાં દરવાજા પાસે ઉભો રહી ગયો છે, ચા તૈયાર છે. ચલ બારણું બંધ કરીને અંદર આવી જા.
રાહુલને ઊંઘ હવે બરાબર ની ઉડી ગઈ હતી કારણ કે સામે ઉભેલ વ્યક્તિ તેની માતાને જ નજરે ન આવ્યો. પછી તે વ્યક્તિ ઉપર રાહુલને પણ આશ્ચર્ય થયું કે આ વ્યક્તિ એ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ ખરેખર ભગવાન જ છે.
રાહુલ મનોમન હવે તે વ્યક્તિને ભગવાન તો માનવા લાગ્યો હતો પરંતુ સાથે સાથે તેના મનમાં એક ડર પણ પ્રવેશ કરી ચુક્યો હતો.
આમ તેમ થોડું ચાલે હાથમાં છાપું લઈને સોફા પર બેઠો અને ભગવાન તેમની બાજુમાં આવીને જ બેસી ગયા. ચા આવી એટલે પહેલો ઘુંટડો કર્યો કે તરત જ ગુસ્સાથી રાડો પાડવા લાગ્યો અરે યાર તમને કેટલી વખત કહ્યું છે કે ચા માં થોડીક ખાંડ ઓછી નાખો. શું એક વસ્તુ પણ તમારાથી બરાબર નથી થઈ શકતી?
હજુ તો તે એની માતાને આ શબ્દો કહેવા જઈ રહ્યો હતો તે પહેલા જ અચાનક તેને યાદ આવ્યું કે જો આ સાચે જ એક ભગવાન હશે તો તેને પોતે માતા ઉપર ગુસ્સો કરશે એ જરા પણ પસંદ નહીં આવે. એટલે એ મનોમન પોતાના મનને સમજાવીને શાંત કર્યું અને અંદર ને અંદર પોતાના મનમાં તે પોતાને જ કહી રહ્યો હતો કે ભાઈ ધ્યાન રાખજે આજે તું નજરમાં છો.
હજુ તો આ પહેલો જ બનાવ બન્યો હતો, એક પછી એક તે કોઈપણ જગ્યાએ જાય ત્યાં ભગવાન તેની પાછળ પાછળ આખા ઘરમાં ફરતા હતા.