ઘરની બહાર અજાણ્યા માણસે આવીને કહ્યું હું ભગવાન છું, તારા માટે આવ્યો છું. માત્ર તું જ મને સાંભળી શકશે!
થોડા સમય સુધી તો આમતેમ હલન ચલન કર્યું પછી નાહવા માટે બાથરૂમની બાજુ ગયો તો બાથરૂમમાં પણ સાથે આવી રહ્યા હતા એટલે રાહુલે કહ્યું ભગવાન મને અહીં તો બક્ષી દો.
સ્નાનાદિ ક્રિયા પતાવી તૈયાર થઈને મંદિર પાસે ગયો દર્શન કર્યા, દરરોજ ના નિયમ પ્રમાણે મંદિરમાં દર્શન કરીને ફટાફટ ઓફીસ જવાનું હતું. પરંતુ આજે ખબર નહી પહેલાની જેમ નહીં પરંતુ એકદમ નિષ્ઠાથી ભગવાનના દર્શન કર્યા, પહેલી વખત આટલી ઇમાનદારીથી દર્શન કર્યા હોય એવું તેને મનમાં લાગ્યું.
પછી પોતાની ઓફિસે જવા માટે ગાડી કાઢી અને જવા નીકળ્યો તો જોયું પાછળની સીટમાં જ પહેલાથી ભગવાન બેઠેલા હતા. અડધા રસ્તે પહોંચ્યો હશે કે રાહુલને તરત જ ઓફિસેથી કોઈનો ફોન આવ્યો ચાલુ ગાડીએ ફોન ઉઠાવવાનો હતો એમાં યાદ આવ્યું કે ભગવાન સાથે છે ફરી પાછો પોતાના મનમાં બોલ્યો કે આજે તો તું રાહુલ નજરમાં છો, ધ્યાન રાખજે. એટલે ગાડીને સાઈડમાં રાખી ફોન પર વાત કરી અને વાતો વાતોમાં કહેવાનો જ હતો કે એ કામ માટે સામાન્ય ફી ઉપર બીજા એક્સ્ટ્રા ચાર્જ લાગશે પરંતુ ભ્રષ્ટાચાર તો ખોટો હોય, એટલે ભગવાન ના સામે કઈ રીતે ભ્રષ્ટાચારની વાતો કરી શકે એટલે કહ્યું કે તમે આવી જાઓ તમારું કામ આજે હું કરી આપીશ.
ઓફિસે પહોંચ્યો કે તરત જ દરરોજની ટેવની જેમ જ કોઈ પણ માણસ જો ભૂલ કરતો હોય તો તરત જ તેના પર રાહુલ ગુસ્સે થઇ જતો, એની જગ્યાએ આજે એક પણ ઓફિસના સ્ટાફ ઉપર ગુસ્સે નથી થયો અને કોઈપણ સહકર્મચારીઓ સાથે પણ માથાકૂટ ન કરી. નહીંતર સામાન્ય દિવસમાં દરરોજ દિવસમાં ૫૦ થી ૧૦૦ વખત તો અપશબ્દો નીકળી જતા એની જગ્યાએ આજે એકદમ શાંતિથી બધા સાથે વાત કરી.
લગભગ રાહુલનો આજે પહેલો એવો દિવસ હશે જ્યારે તેના દિવસમાં ગુસ્સો, ઘમંડ, ખોટું કરવું, અપ શબ્દ, બેઈમાની, અને લાલચ આ બધા એના દિવસમાં દેખાયા જ નહીં.
જોતજોતામાં સાંજ પડી ગઈ, સાંજ પડી ગઈ એટલે ઓફિસેથી નીકળી ને ગાડીમાં બેઠો કે તરત જ બાજુની સીટમાં ભગવાનને જોયા, પ્રભુ તમે ધરતી પર આવ્યા છો તો અહીં ધરતીના પણ થોડા નિયમો લાગુ પડે છે, તમે સીટબેલ્ટ લગાવી લો.
પ્રભુએ ચહેરા ઉપર થોડી હસી સાથે સીટબેલ્ટ લગાવ્યો. ઘરમાં જ્યારે પહોંચ્યો ત્યારે ફ્રેશ થઈને આવ્યો કે જમવાનું તૈયાર હતું, કોઈ દિવસ એ શબ્દ એના મોઢામાંથી ન નીકળતો પરંતુ આજે રાહુલ અચાનક બોલ્યો પ્રભુ પહેલા તમે જમો.
અને પ્રભુએ પણ ચહેરા પર મુસ્કાન સાથે એક બટકું મોઢામાં રાખ્યું.
જમ્યા પછી જમવાના વખાણ કર્યા એટલે તેની માતા બોલી કે આજે સૂરજ પશ્ચિમ દિશામાંથી ઉગ્યો છે કે શું, આજે પહેલી વખત તે જમવામાં કે સવારની ચા માં કંઈ વાંધો નથી કાઢ્યો.
ત્યારે રાહુલે કહ્યું મમ્મી આજે મારા મનમાં સૂર્યોદય થયો છે. રોજ તો હું માત્ર જમવાનું જ ગ્રહણ કરતો હતો આજે મેં પ્રસાદ લીધો છે. અને પ્રસાદમાં થોડી કોઈ ભૂલ હોય. જમ્યા પછી રાહુલને દરરોજ થોડું ઘરમાં ને ઘરમાં ચાલવાની ટેવ હતી નિત્યક્રમ પ્રમાણે થોડું ચાલી અને પોતાના રૂમ માં ગયો અને પોતાનું માથું જેવું ઓશીકા પર રાખ્યું કે ભગવાન તેની પાસે આવ્યા અને કહ્યું આજે તારે નીંદર માટે કોઈ નો સહારો લેવો નહીં પડે. નહીં તને સંગીત સાંભળવું પડે કે ન કોઈ પુસ્તક નો સહારો લેવો પડે.
ધીમે ધીમે પ્રભુ તેના માથા પર હાથ ફેરવી રહ્યા હતા એવામાં જ અચાનક એક અવાજ સંભળાયો, અવાજ જાણીતો હતો અરે આ તો એના માતા નો જ અવાજ હતો, માતા કહી રહી હતી ક્યાં સુધી સૂઈ રહીશ હવે? હવે તો જાગી જા.
અચાનક જ આંખ ખુલી તો જોયું કે આ બધું તેની સાથે હમણાં થયું તે માત્ર એક સપનું હતું, પરંતુ સાથે સાથે ભગવાનનો એક ઈશારો સમજીને જાગીને તરત જ પોતાને કહ્યું રાહુલ હવેથી તું કાયમ નજરમાં છો.
અને આજે રાહુલને એ ખૂબ જ મોટો ઉપદેશ સમજાઈ ગયો હતો કે આપણા પાસે રહેલું મગજ એક ખૂબ જ શક્તિશાળી વસ્તુ છે, જો આપણે તેને સકારાત્મક વિચારોથી ભરી દઈએ તો આપણું જીવન બદલવા માટે કોઈ બીજા ની જરૂર નથી પડતી, આપણે પોતે જ આપણું જીવન બદલી શકીએ છીએ.
તમને આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો અને આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ આપવાનું પણ ચૂકતા નહીં.