૨૪ વર્ષની ઉંમરનો યુવક નામ એનું હાર્દિક. હાર્દિકે પોતાના જીવનમાં ઘણી મહેનત કરી હતી. ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી બધી અનુકૂળ ન હોવાથી કોલેજ પછી પણ આગળ ભણવા માંગતો હાર્દિક પરિસ્થિતિને અનુરૂપ થઈ કોલેજ પછી નું ભણતર ન કર્યુ અને પરિવારને થોડી મદદ કરવાના હેતુથી નોકરી કરવા લાગ્યો.
હાર્દિક ને પણ એના મનમાં ઘણા શોખ હતા પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિ સામે આવે એટલે બધા શોખ તેના છુપાઈ જતા. નોકરીમાં પણ હાર્દિક અત્યંત મહેનત કરતો, અચાનક જ તેને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો.
પરિવારનું ગુજરાન ચાલતું તેમાં હાર્દિકની મદદ કામ લાગતી, જ્યારથી હાર્દિક ઘરમાં મદદ કરતો ત્યારથી ઘરની આર્થિક પરિસ્થિતીને થોડી વધારે વિશેષ સમજી શક્યો હતો. એવા સમયમાં એની નોકરી મુકાઈ જાય એ કોઈપણ રીતે પોસાય તેમ નહોતું.
એના મનમાં અનેક વિચારો આવી રહ્યા હતા, પરંતુ હાર્દિક ને એક ટેવ હતી જ્યારે પણ તે અનેક વિચારોથી ઘેરાઈ જાય ત્યારે તે એના શહેરમાં આવેલા એક બગીચા પાસે વહેલી સવારે જઈ અને બેસતો. એ બગીચાની આજુબાજુનું ખુશનુમાં વાતાવરણ જોઇ તે મનથી થોડો હળવો થતો અને તેનો સ્ટ્રેસ પણ ગાયબ થઈ જતો.
નોકરી છૂટી ગઈ હોવાથી તે સવારે તે બગીચા પાસે જઈને બેઠો બેઠો અનેક વિચારો કરવા લાગ્યો, સવારના લગભગ સાત વાગ્યા હશે એવામાં એક ખૂબ જ મોંઘી દાટ ગાડી આવી અને તે બેઠો હતો તેનાથી થોડે દૂર આવીને ઊભી રહી.
એ ગાડીમાંથી એક માણસ નીચે ઉતર્યા તે માણસની ઉંમર લગભગ ૬૦થી ૭૦ વર્ષની હશે. તે માણસે પહેરેલા કપડા અને તે માણસનું વૈભવશાળી વ્યક્તિત્વ બંને તે ધનવાન છે તેની સાબિતી આપી રહ્યા હતા.
તે વૃદ્ધ ગાડીમાંથી નીચે ઉતર્યા ત્યારે તેના હાથમાં એક બેગ હતી, ચાલી અને થોડે દૂર એક ચબુતરા પાસે ગયા. એ ચબુતરા પાસે જઈને એ બેગ ઊંધી વાળી દીધી, બેગમાં ગોળ હતો. હવે તે વૃદ્ધ માણસે આવો આવો કરીને આજુબાજુ રહેલી ગાયો ને બોલાવી, બધી ગાય થોડા જ સમયમાં એવી રીતે ત્યાં આવી ગઈ જાણે ઘણા સમય પછી પિતા ને જોઈને બાળકો તેને ઘેરી લે, ઘણી ગાયો પોતાની રીતે ખાઈ રહી હતી તો ઘણી ગાયને તે માણસ પ્રેમથી માથે હાથ ફેરવીને ખવડાવી રહ્યા હતા.
આ બધું હાર્દિક ત્યાં બેઠો બેઠો નિહાળી રહ્યો હતો. થોડા જ સમયમાં મોટાભાગનો ગોળ સમાપ્ત થઈ ગયો બધી ગાયો ત્યાંથી જતી રહી. પરંતુ બીજી ક્ષણે જે થયું તે હાર્દિક પોતાના જીવનમાં ક્યારેય ન ભૂલી શકે એવું થયું.
ત્યાં ગાય દ્વારા ખાવા માં આવેલો ગોળ મોટા ભાગનો ખલાસ થઈ ગયો હતો પરંતુ અમુક ગોળ જે બચી ગયો હતો તે ગોળ ના ટુકડા ને ઉઠાવી ઉઠાવીને તે વૃદ્ધ માણસ ખાવા લાગ્યા. દેખાવે આટલો અમીર માણસ મોંઘીદાટ ગાડી માં આવે ગાયને ગોળ ખવડાવવો અને પછી વધેલો ગોળ પોતે ખાઈ અને ફરી પાછા પોતાની ગાડીમાં બેસીને નીકળવા લાગે આ વાત જરા હાર્દિકને હજમ ન થઈ.
હજુ પેલા વૃદ્ધ માણસ ડ્રાઈવરને ઈશારો કરીને જવા માટે સૂચના આપી રહ્યા હતા અને ડ્રાઇવર ગાડી આગળ ચલાવે તે પહેલા હાર્દિક ના મનમાં શું વિચાર આવ્યો કે હાર્દિક તરત જ ઊભો થઈ અને ગાડી પાસે પહોંચી ગયો તરત જ વૃદ્ધ માણસને પૂછ્યું અંકલ હું તમને એક વાત પૂછી શકું?
પેલા માણસે ઈશારો કરીને હા પાડી.
હાર્દિક એ સવાલ પૂછ્યો કે હમણાં જે થયું તે જોઈને મારો મગજ ચકરાવો ખાઈ ગયો. મને એ જ પ્રશ્ન છે કે તમે આટલા ધનવાન થઈને પણ ગાયનો એઠો ગોળ કેમ ખાઈ રહ્યા હતા?
આ પ્રશ્ન સાંભળીને તે વૃદ્ધના ચહેરા ઉપર એક અજીબ સ્માઈલ પથરાઈ ગઈ. ગાડી માંથી બહાર આવીને હાર્દિક ના ખભા પર હાથ મૂકી હાર્દિકને ચબુતરા પાસે લઈને અહીંયા બેઠા અને કહ્યું બેટા તને જે ગોળના એઠા ટુકડા દેખાય છે ને મને આખા જીવનમાં એનાથી સ્વાદિષ્ટ આજ સુધી કંઈ જ નથી લાગ્યું. જ્યારે પણ મને સમય મળે ત્યારે હું કાયમ આ જગ્યાએ આવીને મારી આત્માને અહીં પડેલા ગોળની મીઠાશમાં ભેળવી દઉં છું.
હાર્દિક ને જવાબ સાંભળીને આશ્ચર્ય થયું ફરી પાછો એક સવાલ પૂછ્યો અંકલ હું હજી પણ સમજ્યો નહીં, માફ કરજો પરંતુ એવું શું ખાસ છે આ ગોળમાં?
સામેથી જવાબ મળ્યો વાત વર્ષો પહેલાની છે દસ-પંદર નહીં પરંતુ 40 વર્ષ પહેલાંની વાત છે જ્યારે હું બાવીસ વર્ષનો હતો. મારે મારા ઘરમાં મારા પિતા સાથે ઝઘડો થયો અને આવેશમાં અને આવેશમાં હું મારા ઘરેથી ભાગી ગયો, ઘરેથી ભાગ્યો ત્યારે મેં પૈસા અને થોડા કપડા સાથે લીધા હતા.
પરંતુ બદનસીબે ટ્રેનમાં મારો બધો સામાન તેમજ પૈસા કોઈ ચોરી ગયું. આ શહેરમાં હું કોઈને નહોતો ઓળખતો. આ અજાણ્યા શહેરમાં મારું કહેવા વાળું એક વ્યક્તિ પણ નહોતું, એ સમયે ઉનાળો ચાલી રહ્યો હતો ભીષણ ગરમીમાં હું આમતેમ ભટકતો રહ્યો, અને બે દિવસ સુધી જમ્યો પણ નહોતો.
મને હવે એવું જ લાગી રહ્યું હતું કે ભૂખ ના હિસાબે હું બચી નહીં શકું એવામાં આવી જ એક ગાયને કોઈ એક માણસ ગોળ નાખવા માટે આવ્યા, અહીં એક પીપળો હતો એ સમયે અહીંયા ચબૂતરો નહોતો. એ પીપળા પાસે હું કંઈપણ જમ્યા વગર બેઠો હતો, એવામાં મેં જોયું કે ગાયો એ ગોળને સ્પર્શ પણ નહોતો કર્યો અને ત્યાંથી ઉભી થઈને બધી ગાય ચાલી ગઈ. હું થોડા સમય સુધી વિચાર જ કરતો રહ્યો અને પછી ઉભો થઈને ત્યાં પડેલો બધો ગોળ હું ખાઈ ગયો.
બે દિવસથી અન્નનો દાણો પણ મારા મોઢામાં નહોતો ગયો અને તે ગોળ મારા પેટમાં જવાથી જાણે મારા પ્રાણ માં પ્રાણ આવ્યા. એ જ પીપળા નીચે હું આખી રાત સુતો રહ્યો. સવારે જ્યારે મારી આંખો ખુલ્લી તો સવાર થઈ ચૂકી હતી, અને હું ફરી પાછો નીકળી પડ્યો કંઈ કામ શોધવા માટે, પરંતુ મારા બદનસીબે તે દિવસે પણ મને એક પણ જગ્યાએ કામ ન મળ્યું. અને તે દિવસે પણ હું ભૂખ્યો જ પાછો ફર્યો.
સાંજ પડી રહી હતી, ગઈ કાલે અને આજ માં કશો વધારે ફેરફાર નહોતો, એ જ ગાયો એ જ એ પીપળો અને હું પણ ભૂખ્યો. થોડા સમય પછી ગઈકાલે જે માણસ આવ્યા હતા એ જ સજ્જન આજે ફરી પાછા આવ્યા અને થેલીમાંથી ગાયો માટે ગોળ કાઢીને ત્યાં રાખી અને ચાલતા થયા. થોડા સમય પછી બધી ગાયો પણ ગોળને સ્પર્શ કર્યા વગર જ જતી રહી, મને ખૂબ જ અજુગતું લાગ્યું. પરંતુ સાથે સાથે ભૂખ પણ એવી લાગી હતી.
એટલે મેં એ ગોળ ખાઈ લીધો અને સુઈ ગયો. ફરી પાછો બીજા દિવસે સવારે કામ શોધવા નીકળી પડ્યો, સદનસીબે એ દિવસે મને કામ મળી ગયું. એક નાની એવી હોટલમાં મને વાસણ સાફ કરવાની નોકરી મળી ગઈ. થોડા દિવસો પછી મને જ્યારે તે માલિકે પહેલો પગાર આપ્યો તો એ પહેલા પગારમાંથી તરત જ જઈને એક કિલો ગોળ ખરીદ્યો અને તરત જ ત્યાંથી ઘણા દૂર હોવા છતાં ચાલીને પીપળા પાસે આવ્યો અને ગોળ આપ્યો તો ત્યાં રહેલી ગાયો દોડીને ત્યાં આવી અને ગોળ ખાવા લાગી. જોતજોતામાં ગાયો બધો ગોળ પૂરો કરી ગઈ. મને ખૂબ જ આશ્ચર્ય થયું કે એ ગાયો ગોળ નહોતી ખાતી અને આ વખતે બધો જ ગોળ ખાઈ ગઈ તરત જ હું મનમાં સમજી ગયો કે એ બે દિવસે જાણીજોઈને કદાચ મારા માટે ગોળ છોડી દીધો હતો.
આ ઘટના પછી હું એકદમ ભાવુક થઈ ગયો અને મનમાં ને મનમાં વિચાર કરતો કરતો હોટલ પાસે પહોંચ્યો અને ખૂબ જ વિચાર કરતો રહ્યો. ધીમે ધીમે હું તેને નોકરીમાંથી આગળ વધતો ગયો વેઈટર ની નોકરી મળી ત્યાર પછી સમય જતો ગયો તેમ હું મેનેજર પણ થઈ ગયો. અને એક પછી એક જાણે જીવન ના નવા શિખરોને ઓળંગતો ગયો.
આ સમયગાળા દરમિયાન મારા લગ્ન પણ થયા અને મારા સંતાનો પણ થયા. આજે હું પોતે એક હોટલનો માલિક છું. જીવને મને ઘણું બતાવ્યું છે પરંતુ જીવનના એક પણ તબક્કામાં હું એ ગાય માતાને નથી ભૂલી શકયો. એટલા માટે જ વારંવાર અહીં આવું છું અને આ ગાયો ને ગોળ ખવડાવું છું તેમજ તેમાંથી તેઓ એના ખાધેલો તેઓનો એઠો ગોળ હું ખાવ છું. હું આજે ઘણું દાન પણ કરું છું તેમજ બીજા પણ સમાજના ઘણા કાર્યો કરું છું પરંતુ મારી મૃગ તૃષ્ણા અહીં આવીને જ સંતોષાય છે બેટા.
હાર્દિક બેઠો બેઠો આ બધી વાતો સાંભળી રહ્યો હતો, તેને જવાબ આપીને એ વડીલ ત્યાંથી ઊભા થઈ ભાવુક થઈને જતા જતા હાર્દિક ને પૂછ્યું સમજી ગયો ને બેટા? હાર્દિકે માત્ર હા કહીને પોતાનું માથું ધુણાવ્યું. પછી વડીલ ગાડીમાં બેસીને નીકળી ગયા. હાર્દિકે એ ગોળનો ટુકડો કે જે ગાય એ નહોતો ખાધો તે લઈને પોતાના મોઢામાં મૂક્યો, અને બસ આંખના પલકારામાં જ એ સમજી ગયો કે આ કોઈ સાધારણ ગોળનો ટુકડો નહોતો, એમાં એક પ્રકારની દિવ્ય મીઠાશ હતી જે હાર્દિકની અંતરાત્માને મીઠી કરી ગઈ.
પેલા વડીલની વાત સાંભળીને હાર્દિક તેના જીવનની બધી નિરાશા ભૂલી ગયો, અને જાણે જીવન જીવવાનો અત્યંત જોશ તેના શરીરમાં ઉમટી પડ્યો. તરત જ ત્યાંથી ઉભો થઈને ઘરે જતો રહ્યો અને નોકરી છુટી ગયાની નિરાશા એક બાજુ મૂકી ફરી પાછો નીકળી પડ્યો નવી નોકરી શોધવા માટે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.