મમ્મી, તું એક અદ્ભુત માતા છો. તે અમને બંનેને, મને અને અમરને, ખૂબ પ્રેમ અને સંસ્કાર આપ્યા છે. અને મને પૂરો વિશ્વાસ છે કે એક સારી માતાની સાથે સાથે તું એક શ્રેષ્ઠ સાસુ પણ બની રહીશ. તારા દિલમાં ક્યારેય કોઈ માટે ભેદભાવ નથી, એ હું જાણું છું. તેમ છતાં, મમ્મી, કેટલીક એવી વાતો છે જે મને તને કહેવાનું મન થાય છે. આ વાતો એવી છે કે લગ્નની તૈયારીઓની ભાગદોડમાં હું તારી સાથે એકાંતમાં બેસીને ચર્ચા કરી શકું તેમ નહોતી. એટલે જ આ પત્ર લખીને તને આપી રહી છું.
મમ્મી, હું તારી એકમાત્ર દીકરી છું, એટલે તું મને કેટલો પ્રેમ કરે છે, તે હું જાણું છું. તે હંમેશા મને લાડ પ્યાર આપ્યા છે. ઘરની કોઈપણ ખરીદી હોય, અત્યાર સુધી તે હંમેશા મારી પસંદગીને જ મહત્વ આપ્યું છે. નવા પડદા લેવાના હોય કે બેડશીટ, ઘરનો કલર કરાવવાનો હોય કે મારા માટે સાડી કે દાગીના લેવાના હોય – દરેક જગ્યાએ તે મારી પસંદગી પૂછી છે અને મને જે ગમ્યું છે, તે જ ખરીદ્યું છે. મારા લગ્ન થયા પછી પણ, જ્યારે પણ ઘરમાં કોઈ મોટી ખરીદી હોય કે કોઈ ફેરફાર કરવાનો હોય, ત્યારે મારી રાહ જોવાતી હતી અને હું આવું પછી જ આગળ વધતું. આ બધું તારો મારા પ્રત્યેનો પ્રેમ અને મારા વિચારો પ્રત્યેનું માન દર્શાવે છે, અને તેના માટે હું તારી હંમેશા આભારી રહીશ.
પરંતુ મમ્મી, હવે સમય બદલાયો છે. ઘરમાં હવે એક નવી સભ્ય આવી છે, પ્રિયા. મારી તને ખાસ અને નમ્ર વિનંતી છે કે હવે પછી ઘરની કોઈપણ ખરીદી હોય – પડદા, ચાદર, વાસણ, કે પછી પ્રિયા માટે કંઈ પણ – ત્યારે તું ભાભી, પ્રિયાની પસંદગીને જ સૌથી વધુ મહત્વ આપજે. આ ઘર હવે તેનું પણ છે, અને આ ઘરમાં તેની પસંદગી, તેના વિચારો અને તેની ભાવનાઓનું પૂરેપૂરું માન જળવાવું જોઈએ. હું ક્યારેક તારી સાથે ખરીદી કરવા આવીશ, તેની ના નથી! મને પણ ગમશે આવવું, પણ બધી પસંદગી, આખરી નિર્ણય તો ભાભીનો જ રહેવો જોઈએ.
હું હંમેશા ભાભીની બાજુમાં જ રહીશ, ક્યારેય તેમની સામે નહીં રહું. કારણ કે હવે આ ઘર જેટલું અમરનું, તારું કે મારું છે, તેટલું જ પ્રિયાનું પણ છે. તે પોતાનું ઘર, પોતાનો પરિવાર, માતા-પિતા અને ભાઈ-બહેનોને છોડીને આપણા પરિવારને અપનાવ્યો છે. આટલો મોટો ત્યાગ કરીને જે દીકરી આપણા ઘરે આવી છે, તેના માન-સન્માન, સુખ અને સંતોષનું ધ્યાન રાખવું તે આપણી સૌથી પહેલી અને મોટી જવાબદારી છે.
મમ્મી, હું જાણું છું કે હવે હું જે તને કહેવા જઈ રહી છું તે સાંભળીને કદાચ તને આશ્ચર્ય થશે, કારણ કે આ વાત મેં તને ક્યારેય કહી નથી. પણ છેલ્લા એક વર્ષથી હું આ બધું અનુભવી રહી છું. મારી સાસરીમાં મારી વાતો, મારી ભાવનાઓ કે મારી પસંદગીનું કોઈ મહત્વ જ નથી. ઘરના મોટા ભાગના નિર્ણયો કે ખરીદીમાં ફક્ત મારી બે નણંદોનું જ ચાલે છે. હું જે ઘરમાં મોટી થઈ, તે એવું ઘર હતું જ્યાં મારા દરેક વિચારને, મારી દરેક પસંદગીને ૧૦૦% માન અને સન્માન મળતું. અને અહીં, સાસરીમાં, એવું બિલકુલ નથી. જોકે, મેં ક્યારેય કોઈ વાતમાં દખલગીરી કરી નથી, જેને જેમ કરવું હોય તેમ કરે. પણ મમ્મી, મારા મનમાં મેં પહેલેથી જ એક વાત નક્કી કરી લીધી હતી કે જ્યારે મારા ભાઈના લગ્ન થશે અને મારી ભાભી, પ્રિયા, આપણા ઘરે આવશે, ત્યારે તેની સાથે આવું કંઈ પણ નહીં થવા દઉં.
મમ્મી, હું જિંદગીમાં ક્યારેય એવી નણંદ બનવા નથી માંગતી જે પોતાની ભાભીને હેરાન કરે કે તેના હક છીનવી લે. હવે તો આ ઘર પ્રિયાનું પણ છે, અને ઘરને લગતા દરેક નાના-મોટા નિર્ણયો લેવાનો હક ભાભીનો પણ છે. મમ્મી, મને મારી સાસરીમાં જે માન-સન્માન, જે મહત્વ નથી મળ્યું, તે બધું જ મારી ભાભીને, તારી વહુને, તારા આ ઘરમાં મળવું જ જોઈએ. તેનું મન ક્યારેય ઉદાસ ન થાય તેની જવાબદારી આપણી છે.
બસ મમ્મી, મને તને આટલું જ કહેવું હતું. આશા છે કે તું મારી વાત સમજીશ અને તેનો અમલ કરીશ.
તારી લાડલી દીકરી,
નેહા
પત્ર વાંચતા વાંચતા મંજુલાબેનની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. આ આંસુ દુઃખના નહોતા, ગર્વ અને પ્રેમ મિશ્રિત લાગણીઓના હતા. તેઓ મનોમન બોલી રહ્યા હતા, ‘હે ભગવાન! હું તો હજુ તને મારી નાનકડી ઢીંગલી જ સમજતી હતી, પણ મને અત્યારે ખબર પડી કે મારી ઢીંગલી તો એટલી મોટી અને સમજદાર થઈ ગઈ છે કે તે પોતાની માતાને પણ આટલી સારી અને મૂલ્યવાન શિખામણ આપી શકે છે!’ તેમને નેહા પર ખૂબ જ ગર્વ થયો. તેમની આંખો સામે નેહાના સાસરીના સંઘર્ષનું ચિત્ર ખડું થયું, અને સાથે જ તેમની વહુ પ્રિયાના ભવિષ્યની ચિંતા પણ આવી.
તેમણે દ્રઢ નિશ્ચય કર્યો કે નેહાએ પત્રમાં જે લખ્યું છે, તેનો તેઓ અક્ષરશઃ પાલન કરશે. તેમની વહુ પ્રિયાને ક્યારેય આ ઘરમાં ઓછું નહીં આવે, તેનું માન-સન્માન હંમેશા જળવાઈ રહેશે અને તેની પસંદગીને પૂરેપૂરું મહત્વ મળશે. મંજુલાબેને આંખો બંધ કરીને પોતાની દીકરી નેહા અને વહુ પ્રિયા બંનેને મન ભરીને આશીર્વાદ આપ્યા. તેમના મન પરથી જાણે એક બોજ ઉતરી ગયો હતો, અને એક નવા, વધુ સારા ભવિષ્યની આશા સાથે તેઓ સોફા પર જ હળવાશ અનુભવીને સુઈ ગયા. તેમનો પત્ર હાથમાં જ હતો, જે હવે માત્ર કાગળનો ટુકડો નહીં, પણ માતૃત્વના એક નવા અહેસાસ અને જવાબદારીનું પ્રતીક બની ગયો હતો.