એક વખત એક ઘરડા માજી મૃત્યુ પામ્યા, તેથી યમરાજ તેને લેવા આવ્યા.
માજીએ યમરાજને પૂછ્યું કે તમે મને સ્વર્ગ લઈ જશો કે નરકમાં?
યમરાજે જવાબ આપ્યો કે બેમાંથી ક્યાંય પણ નહીં તમે તમારા જીવનકાળમાં ખૂબ જ સારાં કર્મ કર્યા હોવાથી હું તમને સીધો પ્રભુના ધામમાં લઈ જાવ છું.
ત્યારે માજી યમરાજ સામે એક વિનંતી કરી કે મેં અહીં ધરતી ઉપર ઘણી સ્વર્ગ તેમજ નરક ની વાતો સાંભળી છે તો મારી ઈચ્છા છે કે હું એ બંને જગ્યા ને એક વખત જોઈ શકું.
યમરાજે કીધુ કે તમારા કર્મ સારા હોવાથી તમારી આ ઈચ્છા પણ હું પૂરી કરીશ, માટે હવે આપણે સ્વર્ગ તેમ જ નરક ના રસ્તા પર થઈને પ્રભુના ધામમાં જસુ.
એમ કહી બંને ચાલી નીકળ્યા અને સૌથી પહેલા નરક આવ્યું, નરકમાં ઘરડા માજી ને જોરજોરથી લોકો નો રોવાનો અવાજ આવવા લાગ્યો. આથી ઘરડા માજી નરકમાં રહેલા એક માણસને પૂછ્યું કે તમારા લોકોની હાલત આવી શુ કામ છે ત્યારે પેલા માણસે જવાબ આપ્યો કે અમે અહીં આવ્યા પછી એક દિવસ પણ કંઈ જમ્યા નથી, આથી અમારા બધાની હાલત આવી છે. ભૂખના કારણે અમારી આત્મા તડપી રહી છે.
એટલામાં માજી ની નજર એક જબરા વિશાળ વાસણ પર પડી જે લગભગ 200 ફૂટ જેટલું ઊંચું હશે, એ વાસણ ઉપર 1 મોટી ચમચી લટકાયેલી હતી. એ વાસણમાંથી ખૂબ સારી સુગંધ આવી રહી હતી એટલે માજી એ પેલા માણસને પૂછ્યું કે આ વાસણમાં શું છે.? માણસે માયુસ થઈને જવાબ આપ્યો કે આ વાસણમાં કાયમ સ્વાદિષ્ટ ખીર હોય છે. તેથી માજીએ પૂછ્યું કે તો તમે લોકો ખાતા કેમ નથી? ત્યારે માણસે જવાબ આપ્યો કે કઈ રીતે ખાઈએ? આ વાસણ 200 ફૂટ ઊંચું છે અને અમારામાંથી કોઈ એ વાસણ સુધી પહોંચી શકતો નથી.
આ વાત સાંભળીને માજીએ અંદરોઅંદર વિચાર્યું કે ખીર નું આખું વાસણ ભરેલું હોવા છતાં આ લોકો ભૂખથી બેહાલ છે. કદાચ ભગવાને તેને આ જ સજા આપી હશે.
એટલામાં યમરાજે આવીને કહ્યું કે માજી ચાલો આપણે હવે મોડું થાય છે માટે માજી અને યમરાજ બંને સ્વર્ગ પર જવા રવાના થઇ ગયા. અને જેવા સ્વર્ગ પહોંચ્યા કે માજી ને બધાનો હસતો બોલતો અવાજ સંભળાવા લાગ્યો. અંદર જઈને જોયું તો બધા લોકો ખુશ દેખાઈ રહ્યા હતા અને આ બધું જોઈને માજી પણ ખુશ થઇ ગયા. અને એટલામાં જ માજીની નજર એક વાસણ પર પડી જે અસલ નરકની જેમ જ 200 ફૂટ ઊંચું હતું અને તેમાં પણ ચમચી લટકેલી હતી.
માજી ને આશ્ચર્ય થતાં ત્યાંના લોકોને પૂછ્યું કે આ વાસણમાં શું છે? લોકોએ જવાબ આપ્યો કે આમાં ખૂબ જ સ્વાદિષ્ટ ખીર છે. માજી જવાબ સાંભળીને ચોંકી ગયા. અને લોકોને કહ્યું કે આ વાસણ તો 200 ફૂટ ઊંચું છે તો તમારામાંથી કોઈ પણ આ વાસણ સુધી પહોંચી ન શકે, તો તમને ખાવાનું કઈ રીતે મળતું હશે? અને જો ખાવાનું ન મળે તો તમે આટલા ખુશ કઈ રીતે રહી શકો?
ત્યારે લોકોએ જવાબ આપ્યો કે અમે બધા આ વાસણમાંથી જ પેટ ભરીને ખીર ખાઈએ છીએ. માજી એ પૂછ્યું અરે પણ આ વાસણ તો આટલું ઊંચું છે તો કઈ રીતે? ત્યારે લોકોએ કહ્યું કે અહીં કેટલા બધા વૃક્ષો છે, ભગવાને આ વૃક્ષો નદી ઝરણાં ઝાડપાન બધું મનુષ્યને ઉપયોગ માટે તો બનાવ્યું છે. અમે આ વૃક્ષમાંથી લાકડું લઈને તેને કાપ્યું તેમ જ કાપેલા ટૂકડાઓને જોડીને એક વિશાળ સીડી બનાવી. અને હવે અમે બધા મળીને ખીર નો આનંદ લઇ શકીએ છીએ.
આટલું સાંભળતા જ માજી યમરાજ જવાબની માંગણી કરતા હોય એમ સામે જોવા લાગ્યા.
યમરાજ હસીને બોલ્યા કે ભગવાને સ્વર્ગ અને નરક મનુષ્યના હાથમાં જ સોંપ્યું છે, ચાહો તો પોતાના માટે નરક બનાવી લો અને ચાહો તો સ્વર્ગ બનાવી લો. બધા ની હાલત સરખી જ છે.
નરકમાં પણ વૃક્ષો ઝાડપાન વગેરે હતું, પરંતુ તેઓ આળસુ હતા. તેઓને ખીર માત્ર હાથમાં જોઇતી હતી તેમાંનું કોઈ મહેનત કરવા માંગતું નહોતું. અને કર્મ ન કરવાના કારણે એ લોકો ભૂખથી બેહાલ હતા.
આ જ ઈશ્વરનો નિયમ છે. આથી સારા કર્મ કરતા રહો, મહેનત કરશે એને જ ફળ મળશે. બાકી મહેનત કર્યા વગર કંઈ જ મળતું નથી.
Writer: Unknown