Site icon Just Gujju Things Trending

પતિએ પત્નીને કહ્યું માતાને વૃદ્ધાશ્રમ મૂકીને આપણે અમદાવાદ જતા રહીએ, ત્યારે પત્નીએ એવો જવાબ આપ્યો કે તે સાંભળીને…

કંચનબેન ના પતિ નું અવસાન વર્ષો પહેલા થઈ ચૂક્યું હતું, તેઓને બંનેને સંતાનમાં એક દીકરો હતો દીકરો નાનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થઈ ગયું હોવાથી દીકરાને મોટો કરવા માટે કંચન બેને દિવસ રાત એક કરીને ઘણી મહેનત કરી હતી.

દીકરો ભણી ગણીને મોટો થઈ ગયો. અને ત્યાં. શહેરમાં જ નોકરીએ પણ લાગી ગયો હતો. નોકરીનો પગાર એટલો બધો વધારે ન હતો કે જેનાથી ખૂબ જ સારી જિંદગી જીવી શકાય પરંતુ તેઓ પોતાનું ગુજરાન ચલાવીને શાંતિથી જીવી શકતા હતા.

કંચનબેન પણ જ્યારે કામ કરતા ત્યારે તેમાંથી જેટલું બચે તેટલું થોડું થોડું બચત કરતા જેથી કરીને ભવિષ્યમાં દીકરાના લગ્ન આવે કે બીજો કોઈ મોટો ખર્ચો આવે ત્યારે પૈસા કામ લાગે થોડા સમય પછી દીકરાનું પણ નક્કી કરવામાં આવ્યું અને દીકરાના લગ્ન કરવામાં આવ્યા.

દીકરાના લગ્ન થયા પછી ધીમે ધીમે ઘરના ખર્ચા પણ વધવા લાગ્યા અને સાથે સાથે દીકરાનો પગાર પણ થોડો વધ્યો હતો. પરંતુ આ બધું હોવા છતાં ઘર ખર્ચ ચલાવવામાં થોડી તકલીફ પડતી હતી. કંચનબેન પણ હવે ઘરડા થઈ ગયા હોવાથી તેનાથી હવે કામ ન થતું.

આથી દીકરો પણ પૈસા કઈ રીતે વધુ કમાવા તેને લઈને કાયમ ચિંતામાં રહેવા લાગ્યો. તે કાયમ વિચારતો રહેતો કે કઈ રીતે શું કરવું તો તે પૈસા વધુ કમાઈ શકે. ઘણા બધા વિચારો કર્યા પછી તેને એક નિર્ણય લઈ લીધો. પરંતુ પહેલાની જેમ આ નિર્ણય હવે તે લઈ લે અને બધું પૂરું થઈ જાય તેવું નહોતું.

નિર્ણય લીધા પછી આ નિર્ણય પત્નીને પણ કહેવું પડે અને માતાને પણ કહેવું પડે, જો બંનેની સહમતી હોય તો જ આ નિર્ણય તે કરવા માંગતો હતો.. નિર્ણય થોડો અઘરો પણ હતો. તે દિવસે તેને નક્કી કરી નાખ્યું કે આજે તો નોકરી પરથી ઘરે જઈને હું ઘરે આ વાત કરી લઈશ.

તે ઘરે થોડો મોડો આવ્યો હતો અને આવ્યો ત્યારે તેના માતા સુઈ ગયા હતા અને પત્ની રૂમમાં હતી, એટલે તેને વિચાર્યું કે પહેલા તે પત્નીને વાત કરી લેશે અને ત્યાર પછી તેના માતાને પણ જણાવશે. એટલે તે બંને રૂમમાં વાતો કરવા લાગ્યા.

આ બાજુ તેની માતા કંચનબેન ની ઊંઘમાં ખલેલ પડી જ્યારે તેને ઝીણો ઝીણો કોઈની વાતો કરવાનો અવાજ આવી રહ્યો હતો. આમ તો તેને ઊંઘ ખૂબ જ મોડી આવતી પરંતુ આજે થોડા વહેલા સુઈ ગયા હતા. એવામાં અચાનક આ અવાજ વાતો કરવાનો આવ્યો એટલે તેની નીંદર ઉડી ગઈ.

પોતાના દીકરા વહુના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો. દીકરો તેની પત્નીને કહી રહ્યો હતો કે હવે મારાથી આનાથી વિશેષ કશું થઈ શકે તેમ નથી, મારો પગાર ઓછો પડી રહ્યો છે અને આપણે પૈસાની અછત થઈ છે એટલા માટે હું ઘણા સમયથી સોલ્યુશન વિચારી રહ્યો હતો.

એવામાં મને અમદાવાદમાં સારી નોકરી મળી ગઈ છે પરંતુ આપણે ત્યાં ત્રણ જણા નહીં રહી શકીએ કારણ કે ત્યાં ભાડે રાખેલો રૂમ ખૂબ જ નાનો છે. અને સાથે સાથે એવું પણ ન થાય કે ત્યાં મોટું ઘર ભાડે લઈએ કારણ કે ભાડું ખૂબ વધારે છે.

અને જો તમે અહીંયા પણ ભાડે રહો અને હું ત્યાં પણ ભાડું આપું તો એ પણ પોસાય તેમ નથી. એટલે હું એવું વિચારી રહ્યો છું કે માતાને આપણે નજીકના વૃદ્ધાશ્રમમાં રાખીશું અને આપણે ત્યાં રૂમમાં રહીશું.

કંચનબેન આ બધું સાંભળી રહ્યા હતા તેની આંખો ભીની થઈ ગઈ, ભાવુક થઈને પોતે વિચારવા લાગ્યા કે હજુ તો દીકરાના લગ્નને છ મહિના પણ નથી થયા ને વહુએ એના ઉપર કેવો પોતાનો રંગ ચડાવી દીધો છે.

મારો દીકરો કેવું કેવું વિચારવા લાગ્યો છે? આ વાત સાંભળીને વહુ ને તો મજા પડી જશે કારણ કે તેના મનમાં તો આ જ ઈચ્છા હશે. અરે ભગવાન, મારે હવે… એ હજુ કંઈ મનમાં બોલે તે પહેલા પાછો રૂમમાંથી અવાજ સંભળાયો.

દીકરાની પત્નીનો અવાજ આવી રહ્યો હતો તેને કહ્યું કે તમારી વાત સાચી છે કે આપણે પૈસાની અછત છે અને વધુ પૈસા કમાવવા માટે તમે ત્યાં જઈ રહ્યા છો પરંતુ તમને એક વાત કહેવા માંગુ છું કે હું અને મમ્મી બંને અહીં જ રહીશું, હું ભણેલી છું તો બાળકોને ટ્યુશન આપીને થોડું ઘણું તો કમાઈ લઈશ.

ભલે વધારે મદદ ન કરી શકું પરંતુ એટલું તો કરીશ કે જેમાં મારો અને માતા નો ખર્ચો નીકળી જાય. અને આપણે ઘણી વખત વાતો થતી હોય ત્યારે તમે મને કહ્યું છે કે પિતાના ગયા પછી માતાએ પારકા ઘરોમાં કામ કરીને તમને ભણાવ્યા છે. અને પેટે પાટા બાંધીને દિવસ રાત એક કરીને મહેનત કરીને તમને મોટા કર્યા છે.

હવે ખાલી એટલું વિચારો કે જો માતા પણ તમને કોઈ અનાથ આશ્રમમાં છોડીને પોતાનું જીવન શરૂ કરી દીધું હોત તો પછી તમે આજે ક્યાં હોત? અને હા થોડા સમયની જ વાત છે. તમે ત્યાં સેટલ થઈ જાઓ અને પ્રમોશન મળી જાય પછી તો આપણે મોટું મકાન ભાડે રાખી શકીએ છીએ.

આવું થઈ જાય એટલે તમે મને અને માતાને ત્યાં બોલાવી લેજો અમે બંને ત્યાં રહેવા માટે આવી જશું. આમ પણ કહેવાય છે ને કે માતા એ વૃક્ષ સમાન હોય છે. જે માત્ર છાંયો જ નથી આપતું પરંતુ ફળ પણ આપે છે.

આ બધું સાંભળીને કંચનબેન ની આંખો ફરી ભીની થઈ ગઈ પરંતુ આ વખતે દર્દના કારણે નહીં પરંતુ હરખના આંસુ આવ્યા હતા. છ મહિનામાં તો તે વહુ ને સાચી ઓળખી પણ નહોતા શક્યા અને વહુના મોઢેથી આવી વાત સાંભળીને તેને થઈ ગયું કે તેને વહુના સ્વરૂપમાં એક ખૂબ જ સારી દીકરી મળી ગઈ છે.

જો મિત્રો આવો જ ભાવ દરેક સાસુ વહુમાં થવા લાગે તો ખરેખર પરિવારમાં કોઈ દિવસ વિવાદ થાય જ નહીં.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમ જ આ સ્ટોરીને 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version