અશોકભાઈ રવિવાર હોવાથી બપોરે જમી ને પોતાના રૂમ માં આરામ કરી રહ્યા હતા. બપોર ના ત્રણ વાગ્યા હતા ને અચાનક જ અશોકભાઈ ને છાતી માં દુખાવો શરૂ થયો પહેલા તો તેના ધર્મ પત્ની ને અવાજ કરી ને કહ્યું કે મને પાણી નો ગ્લાસ ભરી આપો, પરંતુ તે પણ જમી ને બેઠકરૂમ માં આરામ કરતા કરતા મોબાઈલમાં ટાઈમ પાસ કરતા હતા. જેને જવાબ આપ્યો કે બાજુ માં ટેબલ ઉપર જ પડ્યું છે લઇ લો.
અશોકભાઈ એ પાણી પીધું અને બહાર આવ્યા ને જોયું તો તેના બંને દીકરા ને પત્ની ત્રણેય મોબાઈલ માં મશગુલ હતા. તેને પત્ની ને કહ્યું કે મને છાતી માં દુખે છે, જેથી હું ડૉક્ટર પાસે જાઉં છું. ત્યારે પત્ની એ કહ્યું કે જઈ આવો કંઈ કામ હોય તો ફોન કરજો.
અશોકભાઈ બહાર નીકળી ને સ્કૂટર ચાલુ કરવા કિક મારવા લાગ્યા, પરંતુ સ્કૂટર ચાલુ ન થયું અને તેઓને અત્યંત પરસેવો નીકળવા લાગ્યો, ત્યાં જ અશોકભાઈ ના ઘરે કામ કરતો નોકર કે જેનું નામ મદન હતું તે ત્યાં આવ્યો અને કહ્યું કે તમને આટલો બધો પરસેવો કેમ થાય છે? તો શેઠે કહ્યું કે મને છાતી માં દુખે છે. અને મારે દવાખાને જવું છે વાત સાંભળી ને મદન પરિસ્થિતિ જાણી ગયો અને કહ્યું કે તમે હવે દૂર હટી જાઓ, મદન એ સ્કૂટર ચાલુ કર્યું અને કહ્યું કે શેઠજી તમે બેસી જાવ હું સ્કૂટર ચલાવી લઉ છું. આવી સ્થિતિમાં તમે સ્કૂટર ન ચલાવો તે સારું છે.
તરત જ મદન શેઠને હોસ્પિટલે લઈ ગયો, સ્કૂટરમાંથી શેઠને ઉતારીને ઝાડના છાંયે બેસાડી દીધા, અને દોડતા દોડતા વ્હીલ ચેર લઇ આવ્યો. અને શેઠ ને સીધો ડૉક્ટર પાસે લઇ ગયો. ડોક્ટરે તપાસી ને કહ્યું કે તમારે અત્યારે હાર્ટએટેક આવ્યો છે. અને તમે ભાગ્યશાળી છો કે આ હોશિયાર છોકરો તમને એક પણ પગલું ચલાવ્યા વિના અહીં સુધી પહોંચાડી દીધા, હવે અમારે અત્યારે ને અત્યારે જ તમારી હાર્ટ સર્જરી કરવી પડશે.
વધુ સમય કાઢવો તે તમારા માટે જોખમી સાબિત થઇ શકે તેમ છે. તાત્કાલિક અશોકભાઈ ના બધા રિપોર્ટ કરાવવામાં આવ્યા અને એક ફોર્મ આપી અને કહ્યું કે આમાં તમારા સ્વજનની સહિ કરાવવી પડશે તાત્કાલિક કોઈ ને બોલાવીને આ સહી કરાવી આપો.
અશોકભાઈ એ તરત જ જવાબમાં કહ્યું કે મદન આ લે તો આમાં સહી કરી આપ. મદન ગભરાઈ ગયો અને કહ્યું પણ શેઠ ડોક્ટરે આમાં તમારા સ્વજનની એટલે કે ઘરના વ્યક્તિની સહી લેવા માટે કહ્યું છે તો હું કઈ રીતે સહી કરી શકું.
શેઠે મદન ને જવાબ આપતા કહ્યું કે મારો જીવ બચાવવાવાળો જ મારા ઘર નો વ્યક્તિ છે. અને તું આ ફોર્મમાં ઝડપ થી સહી કરી. ભલે મારો અને તારો લોહીનો સંબંધ ન હોય પરંતુ જેની સાથે મારે લોહીનો સંબંધ છે એમાંથી કોઈ અહીં હાજર નથી અને કોઈ મારી સાથે અહીં આવ્યું પણ નથી. જ્યારે કે તું આવ્યો છો એટલા માટે જ હું તને મારા ઘરની વ્યક્તિ જ સમજુ છું.
તરત જ મદને સહી કરી આપી. અચાનક તેને વિચાર આવ્યો કે શેઠ ના ઘરે જાણ તો કરવી પડે એટલે તરત જ શેઠાણી ના ફોનમાં ફોન કરવા જાય છે તે પહેલાં જ શેઠાણી નો ફોન તેના ફોનમાં આવે છે અને કહે છે કે તું હજુ સુધી વાસણ સાફ કરવા કેમ નથી આવ્યો ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું છે. તું ફટાફટ અહીં આવી જા જો આજે રજા રાખીશ તો હું તારો પગાર કાપી નાખીશ અને તને નોકરીમાંથી પણ છૂટો કરી નાખીશ.
મદને ફોન માં જવાબ આપતા કહ્યું કે તમારે જે કરવું હોય તે કરજો. પરંતુ અત્યારે તમે બધા લોકો ઝડપથી હોસ્પિટલ આવો કારણકે શેઠ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તાત્કાલિક તેઓ નું ઓપરેશન કરવાનું છે. સાથે હોસ્પિટલમાં પૈસા પણ જમા કરાવવાના છે એટલે બે લાખ રૂપિયા લેતા આવજો. ફોનમાં અશોકભાઈ ના પત્ની ગભરાઈ ગયા અને તરત જ હોસ્પિટલે આવી પહોંચ્યા.
આ ફોન પૂરો થયો ત્યાં જ મદન ના ઘરે થી એટલે કે રાજસ્થાનથી ફોન આવ્યો તેના પિતાજી ની તબિયત પણ ખરાબ થઇ હતી અને હોસ્પિટલે દાખલ કર્યા છે. એવા સમાચાર આપવા માટે ફોન આવ્યો હતો.
સાંજે અશોકભાઈ નું ઓપરેશન સફળતા થી પતી ગયું એટલે તેઓને એક રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા અને અશોકભાઈ એ જ્યારે આંખો ખોલી ત્યારે જોયું કે તેની સામે તેનો પરિવાર રાખો ઉભો હતો. આ જોઇને પોતે ભાવુક થઈ ગયા અને તેના આંખમાંથી આંસુ નીકળી ગયા તેને પૂછ્યું કે મદન ક્યાં છે?
ત્યારે અશોકભાઈ ની પત્ની એ કહ્યું કે તેના પિતાજી ની તબિયત બહુ ખરાબ છે. અશોકભાઈ ને સાંજે ડોક્ટર હોસ્પિટલના રૂમમાં જોવા આવ્યા ત્યારે કહ્યું તબિયત સુધારા પર છે, હજુ ત્રણ-ચાર દિવસ હોસ્પિટલમાં રોકાયા પછી તેઓ ને રજા આપી દેવામાં આવશે.
બીજા દિવસે અશોકભાઈ સવારે જાગ્યા ત્યારે સમાચાર મળ્યા કે મદન ના પિતાજી ને હૃદય રોગનો હુમલો આવતા હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ ડોક્ટર તેને બચાવી ન શક્યા અને તેઓનું અવસાન થઈ ગયું. મદન હવે 15 દિવસ પછી પાછો આવશે.
અશોકભાઈ વિચારમાં પડી ગયા કે એક દીકરો જેમ પિતા ની સેવા કરે એ રીતે મદને તેની સેવા કરી પરંતુ તે પોતાના પિતા માટે કઈ ન કરી શક્યો. પરિવાર ના બધા સભ્યો હાજર હતા, એટલે અશોકભાઈ એ કહ્યું કે એક મોબાઈલ નું વ્યસન આપણને આપણા પરિવાર અને સંતાનો થી કેટલુ દુર કરી શકે છે. એ જો મદન ના હોત તો તમને આજે સમજાઈ ગયું હોત.
કારણ કે મદને મને અહીંયા બચાવ્યો છે તે કામ તમારું બધા નું હતું. પણ કોઈ પોતાનો મોબાઈલ મૂકી ને મારી સામે આવવાનું તો ઠીક મારી સામે જોવા માં પણ તકલીફ પડતી હતી. આ એ જ મોબાઇલ છે જે પરિવાર ના સભ્યો ને એક થઇ ને રહેવા નથી દેતો એટલે હવે ના જીવન માં મોબાઇલ નો ઉપયોગ બહુ જ મર્યાદિત કરવો જોઈએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.
First Published on justgujjuthings.com