શીતલ અને પવન ના લગ્ન થયા ને લગભગ 10 વર્ષ થઈ ચૂક્યા હતા. પવનનો મિડલ ક્લાસ પરિવાર હળી મળીને શાંતિથી રહેતો હતો, ઘરમાં પવન, શીતલ તેઓની દિકરી મીરા તેમજ પવનના બા-બાપુજી મળી કુલ પાંચ સભ્યો રહેતા હતા.
પવને પોતાના અંગત બચાવેલા પૈસામાંથી અને થોડી બાપુજી ની મદદથી બે બેડરૂમ નો ફ્લેટ ખરીદ્યો હતો અને આખો પરિવાર તેમાં જ રહેતો હતો. પવન પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો. તેના પગારમાંથી ઘરનું ગુજરાન ચાલી જતું.
બધા લોકો ખુશીથી પોતાની જીંદગી જીવી રહ્યા હતા. એવામાં અચાનક જ પવન ના પિતાજી ની તબિયત ખરાબ થઈ ગઈ. તેઓને દવાખાને દાખલ કર્યા પરંતુ થોડા જ દિવસો ની ટૂંકી બીમારી પછી પવન ના બાપુજી દુનિયા છોડીને ચાલી ગયા.
આખો પરિવાર શોકમા હતો. સમય વીતતો ગયો એમ પવન પણ ફરી પાછો નોકરીએ જવા લાગ્યો. બધુ નોર્મલ થઈ ગયું પરંતુ હજુ પણ પવનની માતા દરરોજ તેના પતિને યાદ કરી ને રડ્યા કરતા. પરંતુ આ વાતની જાણ પવનને નહોતી. કારણ કે પવન ની હાજરીમાં તેઓ ની માતા ક્યારેય ન રડતી.
થોડા દિવસો પછી એક દિવસ પવન નોકરીએથી ઘરે આવ્યો અને પોતાના રૂમ માં ગયો તો જોયું કે શીતલ તેઓના રૂમમાં એક એકસ્ટ્રા પથારી કરી રહી હતી.
પવને કહ્યું આ શું કરી રહી છે શીતલ?
શીતલ એ કહ્યું આજથી મમ્મી આપણી પાસે જ સૂઈ જશે. તેઓ માટે પથારી કરી રહી છું.
પવન થોડો ગુસ્સે થઈ ગયો અને કહ્યું તું પાગલ થઈ ગઈ છે કે શું? અહીં આપણા રૂમમાં… અને આપણી પ્રાઈવસી નું શું? અને જ્યારે અલગ રૂમની વ્યવસ્થા છે તો પછી આની શું જરૂર છે?
શીતલ એ કહ્યું પવન આની ખૂબ જ જરૂર છે. જ્યારથી પપ્પા નું અવસાન થયું છે ત્યારથી મમ્મીની તબિયત બરાબર નથી રહેતી. તે આપણને કશું જણાવતા નથી પરંતુ અંદરથી તેઓ તૂટી ચૂક્યા છે.
પવન તમને તો ખબર જ હશે પહેલા પપ્પા અને મમ્મી એકબીજાનો સહારો હતા પરંતુ હવે… પપ્પા ના ગયા પછી મમ્મી ખૂબ જ એકલા પડી ગયા છે. દિવસે તો હું મીરા અને તમે હોય એટલે તેઓ ની સાર સંભાળ કરવાની પૂરી કોશિશ કરીએ છીએ જેથી તેનું મન આનંદિત રહે અને તેઓ એકલું મહેસૂસ ન કરે. પરંતુ ગઈકાલે રાત્રે જ્યારે હું પાણી પીવા માટે જાગી હતી ત્યારે મારું ધ્યાન ગયું કે મમ્મી પોતાના રૂમમાં રડી રહ્યા હતા. હવે તે ત્યાં નહીં સુવે.
શીતલ ની વાત સાંભળીને પવને કહ્યું પરંતુ આ રીતે બધું અચાનક… હું તારી વાતને સમજી નથી રહ્યો…
શીતલ એ કહ્યું દરેક બાળકનું ધ્યાન તેના માતા-પિતા બાળપણમાં રાખે છે. અને બધા લોકો શું કહે છે? કે આ તો તેઓની ફરજ છે. તો પછી એવી જ રીતે ઘડપણમાં બાળકોની પણ એ જ ફરજ હોવી જોઈએ ને… અને આ વાતને મારાથી વધારે કોણ સમજી શકે? મારા દાદી સાથે મને ખૂબ જ લગાવ હતો અને દાદી ને પણ મમ્મી પપ્પા એ અલગથી રૂમ આપ્યો હતો. અને એ રાતે દાદી સુવા ગયા પરંતુ સવારે જાગ્યા જ નહીં.
ડોક્ટરે કહ્યું હતું કે મધરાત્રીએ તેઓને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ન જાણે કેટલી બધી ગભરાહટ અને પરેશાની થઈ હશે અને જો કદાચ અમારામાંથી કોઈ પણ ત્યાં તે રૂમમાં હાજર હોત તો કદાચ દાદી અમારી સાથે હજુ થોડો સમય સુધી… આનાથી આગળ શીતલ કશું ના બોલી શકી.
ફરી પાછું શીતલ એ ગળુ ચોખ્ખું કરીને કહ્યું પવન જે મારી દાદી સાથે થયું છે એ હું મમ્મી સાથે થતું જોવા નથી માંગતી. અને આપણા બાળકો પણ જે જુએ એ જ શીખે. હું એવું જરા પણ ઈચ્છતી નથી કે મીરા ના લગ્ન થઈ જાય પછી તે પોતાના સાસુ-સસરાને એકલા છોડી તેની સેવા ન કરે. આખરે આ જ તો સંસ્કારના બીજ છે જે આવનારા સમયમાં ખૂબ જ છાયો આપનાર વૃક્ષ બનશે.
પવન આખી વાતને સમજી ગયો, તરત જ શીતલ ને કહ્યું તારી વાત એકદમ સાચી છે શીતલ, પોતાના સ્વાર્થમાં હું મમ્મીને જ ભૂલી ગયો અને દીકરાની ફરજ અદા કરવાનું ભૂલી ગયો. બંને માં પાસે ગયા અને આદરપૂર્વક તેઓને પોતાના રૂમમાં લઈ આવ્યા.
માતા પણ દીકરા વહુ નું આવું પગલું જોઈને અંતરથી ખુશ થઈ ગઈ. અને પવન પણ મનમાં ને મનમાં શીતલની સારી સમજણનો આભાર માની રહ્યો હતો.
આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વીડીયો અચુક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો…