એક નાનકડો છોકરો હતો. આશરે 10 થી 12 વર્ષ જેવી ઉંમર હતી, તેને સ્કૂલમાં વેકેશન પડ્યું હોવાથી તેને તેના માતા-પિતા પાસે ગામડે જવાની ઈચ્છા વ્યક્ત કરી કે જ્યાં તેના દાદા રહેતા હતા.
માતા-પિતાએ કહ્યું કે આપણે ગામડે જઈ આવીએ પરંતુ બે દિવસમાં પાછા આવી જશુ, અને તે લોકો ગામડે જવા નીકળી ગયા ગામડે પહોંચીને દાદા ને બધા મળ્યા. અને સાથે ભોજન કર્યું ને ખૂબ મજા કરી. એટલામાં ટીવી પર મોટા માણસો વિશે જણાવવામાં આવતું હતું, અને કરોડપતિઓ વિશે ચર્ચાઓ થતી હતી. એટલે છોકરાએ પૂછ્યું કે દાદા આ બધા લોકો જે કરોડપતિઓ થાય છે તે એવું શું કરે છે કે જે આટલા બધા સફળ થઈ શકે છે? દાદાએ કહ્યું તું મારી સાથે ચાલ. દાદા તેને બજારમાં લઈ ગયા બજારમાં જઈને બે એક સરખા નાના નાના છોડ ખરીદ્યા. પછી ઘરે આવીને એક છોડને ઘરની બહાર રાખ્યો અને બીજા છોડને ઘરની અંદર કુંડામાં રાખી દીધો.
દાદા એના છોકરાને પૂછ્યું કે તને શું લાગે છે? આ બેમાંથી કયો છોડ સૌથી પહેલા ઊગી જશે? દીકરાએ થોડીવાર વિચારીને કહ્યું કે ઘરની અંદર જે છોડ છે તે વધુ પહેલા આવશે, કારણ કે તે દરેક ખતરાથી સુરક્ષિત છે. જ્યારે બહાર જે છોડ છે તેને ખૂબ તડકો, તોફાન, પાણી અને જાનવરોથી ખતરો છે. દાદાજીએ કહ્યું કે એ આપણે હવે ભવિષ્યમાં જોઈશું.
થોડા દિવસોમાં વેકેશન પૂરું થયું એટલે છોકરો માતા પિતા સાથે પાછો ચાલ્યો ગયો. ધીમે ધીમે સમય વીતતો ગયો અને જોતજોતામાં પાછુ તેને વેકેશન પડ્યું.
આ વખતે વેકેશનમાં તે પાછો ગામડે આવ્યો અને ગામડે આવીને પહેલો સવાલ દાદાજીને એ પૂછ્યો કે દાદાજી પહેલા આપણે બે છોડ વાવ્યા હતા તે ક્યાં છે? દાદા એ છોકરાને એ જગ્યા પર લઈ ગયા જ્યાં તેને કુંડુ રાખ્યું હતું. કુંડામાં રાખેલો એ છોડ હવે મોટો થઈ ગયો હતો. છોકરો એ છોડને જોઈને તરત બોલ્યો કે મેં તમને પહેલાં જ કહ્યું હતું કે આ છોડ વધુ જલ્દી ઉગશે અને સફળ થશે
આ સાંભળીને દાદાએ કહ્યું કે તું આટલી જલ્દી નિર્ણય ન લે, હજી આપણે બહાર નો છોડ જોવાનો બાકી છે. એમ કહીને તે બંને બહાર નો છોડ જોવા ગયા, અને જોયું તે ભેગું છોકરાને આશ્ચર્ય થયું કારણ કે તે છોડ હવે વૃક્ષ બની ગયું હતું. તેની આજુબાજુમાં ડાળીઓ હતી અને પાન પણ ઘણા બધા હતા.
પછી આશ્ચર્ય સાથે તેના દાદાજીને તેને પૂછ્યું કે આ કઈ રીતના શક્ય છે? બહાર રાખેલા છોડને તો ન જાણે કેટલા ખતરાનો સામનો કરવો પડ્યો હશે છતાં પણ તે આટલો સફળ કઈ રીતે થઈ શક્યો?
દાદાએ કહ્યું કે બહાર રાખેલા છોડ પાસે આઝાદી હતી. એ જેટલું ઇચ્છે એટલી એના મૂળ ને ફેલાવી શકતો હતો. એ જેટલું ઇચ્છે એટલી એની શાખાઓ લાંબી કરી શકતો હતો. અને અંદર રાખેલ આ છોડ પાસે સહીસલામત એક જ વિકલ્પ હતો. જેના કારણે તે આટલો સફળ થઇ શકયો નહીં, અને પોતાની ક્ષમતાઓ નો ઉપયોગ કરી શક્યો નહીં.
આપણા દરેક માણસમાં ક્ષમતાઓ સરખી જ આપેલી છે. પરંતુ અમુક લોકો તેના કમ્ફર્ટ ઝોન એટલેકે સુરક્ષિત કવચ માંથી બહાર જ નથી નીકળતા અને તેઓ કાંઈ નવું દુનિયામાં કરતા જ નથી જેથી ઘણી વખત તેઓ સફળ થતા નથી. અને જે લોકો હાલમાં સફળ છે તે લોકોએ પણ અસફળતા ભરપૂર પ્રમાણમાં મેળવી છે પરંતુ તેની અંદર ની ક્ષમતા ઓળખીને અસફળતાને ગણકારી જ નહીં. અને સતત મહેનત કરતા હોય છે, માટે જ તેઓ સફળ થાય છે.
દુનિયામાં લગભગ 1% એવા માણસો હશે જે પેલા બહાર ના છોડ જેવા છે અને તે સફળ થાય છે!