ગુજરાત હાઈકોર્ટે રાજકોટ ગેમ ઝોનની આગને માનવસર્જિત આપત્તિ ગણાવી, આ સિવાય અન્ય વાતોના કર્યા ખુલાસા, જાણો…
રાજકોટમાં ગઈકાલે સાંજે બનેલી દુર્ઘટનાના પગલે ગુજરાત હાઇકોર્ટે આજે ઘટનાની જાતે નોંધ લેતા ઘણા બધા ખુલાસાઓ કર્યા હતા.
ગુજરાત હાઈકોર્ટે રવિવારે રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનાને જાતે નોંધ લેતા કહ્યું હતું કે આ એક માનવસર્જિત આપત્તિ છે. જસ્ટિસ બિરેન્દ્ર વૈષ્ણવ અને દેવન દેસાઈની બેન્ચે અવલોકન કર્યું હતું કે સક્ષમ સત્તાવાળાઓની જરૂરી પરવાનગી વિના ગેમ ઝોન અને મનોરંજન સુવિધાઓની સ્થાપના કરવામાં આવી છે.
બેન્ચે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટની મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ્સને સોમવારે સુનાવણીમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. તેઓને માહિતી આપવા માટે કહેવામાં આવ્યું હતું કે આ એકમો કઈ કાયદાકીય જોગવાઈઓ હેઠળ સ્થાપિત કરવામાં આવ્યા હતા અથવા તેમના અધિકારક્ષેત્રમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
પ્લે એરિયામાં લાગેલી આગમાં બાળકો સહિત 35 લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે સવારે નાના-મવા રોડ પર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલની મુલાકાત પણ લીધી જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા હતા.
કોર્ટે અવલોકન કર્યું અને કહ્યું કે અમે અખબારોના અહેવાલો વાંચીને ચોંકી ગયા, જે સૂચવે છે કે રાજકોટના ગેમ ઝોને ગુજરાત કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR) માં છટકબારીનો લાભ લીધો છે. આ મનોરંજન ઝોન સક્ષમ સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી વિના જ ચાલતા હતા જેવું કે અખબારોના અહેવાલમાં સામે આવ્યું છે.