Site icon Just Gujju Things Trending

રસોઈયાએ આવીને કહ્યું પુલાવમાં કાંકરો છે, પછી બધા લોકો નું વર્તન જોઈને તમે પણ…

એક વખત ની આ વાત છે, ઘરમાં એક નાનકડો પ્રસંગ હોવાથી દરેક લોકો પ્રસંગ ને માણી રહ્યા હતા. ખાસ મહેમાન હાજર નહોતા પરંતુ લગભગ ૫૦ જેટલા લોકો ભેગા થયા હતા, ભોજનમાં ખુબ જ સુંદર વાનગી બનાવવામાં આવી હતી. જોકે ભોજન હજુ બની રહ્યું હતું, પરંતુ લોકો જમવા ને લઈને ખુબ જ ઉત્સાહિત હતા કારણકે ભોજન બનાવવા માટે સ્પેશિયલ રસોઈયા આવ્યા હતા.

જમવાનો ટાઈમ થયો હોવાથી બધાને ભૂખ પણ લાગી હતી, શાક રોટલી ની સાથે સાથે પુલાવ પણ બનાવવામાં આવ્યા હતા. બાસમતી ચોખા માંથી બનાવવામાં આવેલ પુલાવ તે રસોઈયાની સ્પેશિયાલિટી હોવાથી દરેક લોકો તેના માટે ઉત્સાહિત હતા. પરંતુ જમવાનું બધા ચાલુ કરે તે પહેલા રસોઇયાએ આવી અને કહ્યું પુલાવ જરા સંભાળીને લેજો કારણ કે કદાચ તે પુલાવમાં એકાદ કાંકરો રહી ગયો છે, જે કોઈપણ મોઢામાં આવી શકે છે. તો જે પણ કોઈ પુલાવ લે તે ધ્યાનથી જમજો.

આ સાંભળીને બધા લોકો નિરાશ થઈ ગયા બધા લોકોને એવું લાગ્યું કે ખૂબ જ સંભાળીને ખાવું પડશે કારણકે બધા લોકો એવું જ વિચારી રહ્યા હતા જાણે તેઓના જમવામાં કાંકરો આવવાનો હોય. જે બધા લોકોને પુલાવ ખાવા નો ઉત્સાહ હતો તે ઉત્સાહિત લોકો બધા નિરાશ થઈ ગયા. બધા લોકોનો આનંદ ઉદાસીનતા માં ફરી ગયો. અમુક લોકોએ તો જમવામાં પુલાવ લીધો જ નહીં.

બધા લોકો કંઈ પણ બોલ્યા વગર અને એકબીજા સાથે હસી મજાક કર્યા વગર માત્ર પોતાના ભોજનમાં જ ધ્યાન આપી રહ્યા હતા. બધા લોકો એક પછી એક જમવા લાગ્યા અમુક લોકોએ જમવામાં પુલાવ લીધા હતા તો અમુક લોકોએ લીધો નહોતો.

જ્યારે બધાએ જમી લીધું ત્યારે રસોઈયાને ફરી પાછો બોલાવવામાં આવ્યો અને પૂછ્યું કે તમે પુલાવ વિશે આવું કેમ કહ્યું હતું? અને હકીકતમાં તો પુલાવ માંથી એક પણ કાંકરો કોઈના પણ મોઢામાં આવ્યો જ નથી.

ત્યારે રસોઇયાએ સહજતાથી કહ્યું કે મેં સારી રીતે જ પુલાવ બનાવ્યા હતા પરંતુ ચોખામાં કાંકરાઓ વધારે હતા એટલે મને એવું લાગ્યું હતું કે કદાચ એકાદ કાંકરો રહી ગયો હોય તો પુલાવમાં કોઈને પણ આવી શકે છે.

રસોઇયાએ આવું કહ્યું એ સાંભળીને બધા લોકો એકબીજા તરફ જોવા લાગ્યા, જમ્યા પછી પણ લોકોને સારું નહોતું લાગી રહ્યું અને બધા લોકો નિરાશ થઇ ગયા હતા કારણ કે બધા લોકોનું ધ્યાન જમવાના સ્વાદમાં નહીં પરંતુ કાકરા માં જ હતું. અને એટલા માટે જ કોઈપણ લોકો ભરપેટ જમી પણ ન શક્યા અને જમવાનો આનંદ પણ ન ઉઠાવી શક્યા તેમજ કોઈને જમવાનો સ્વાદ પણ આવ્યો નહીં.

ભલે આ કદાચ એક સ્ટોરી હશે પરંતુ આપણા બધાની આજની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે, એક વાયરસ ના કારણે આપણી જિંદગી પહેલા જેવી નથી રહી, ઘણા લોકોની જિંદગી પહેલાં કરતાં ઘણા અંશે બદલાઈ ચૂકી છે.

આપણે નિશ્ચિતપણે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે અને ખૂબ જ તકેદારી પણ રાખવાની જરૂર છે પરંતુ સાથે સાથે જિંદગીને માણવી પણ જરૂરી છે. આપણે દરેક વસ્તુ વ્યક્તિ ઉપર શંકા કરીએ તે વ્યાજબી નથી.

શારીરિક રીતે પણ આપણે થાક મહેસૂસ કરી રહ્યા છીએ આ બધું આપણા વિચારો પર પણ થોડા અંશે નિર્ભર છે. એટલે આપણે વાયરસને નહીં પરંતુ આપણી જાતને મજબૂત કરીએ. આપણા વિચારોને હંમેશા હકારાત્મક રાખીએ, ભગવાનની કૃપાથી બધું જલદી સારું થઈ જાય એવી પ્રાર્થના કરીએ.

જમતી વખતે જમવા નો પુરો આનંદ ઉઠાવી એ અને બહાર જતી વખતે સંપૂર્ણપણે તકેદારી રાખીએ તેમજ માસ્ક પહેરીએ અને સામાજિક અંતર પણ અપનાવીએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version