Site icon Just Gujju Things Trending

છોકરા-છોકરીઓમાં સંસ્કાર ન હોય, તેઓ બગડે તો એમાં વાંક કોનો? વાંચો આ કડવું સત્ય!

એક દિવસ સંત તિરુવલ્લુવર પ્રવચન આપતા હતા. પ્રવચન પૂરું થયા બાદ એક ધનિક વેપારી તેમની પાસે આવે બે હાથ જોડી ઉદાસ થઈને બોલ્યો ગુરુદેવ મેં મહેનત કરી મારા એક માત્ર પુત્ર માટે પુષ્કળ સંપત્તિ ભેગી કરી છે. મારો પુત્ર એ પૈસાથી વેપાર કરવાને બદલે તેને વ્યસનમાં વેડફી રહ્યો છે. તેનું જીવન મને બરબાદ થતું દેખાય છે.

સંતે હસીને કહ્યું, “તમારા પિતાએ તમારા માટે કેટલી સંપત્તિ એકઠી કરી તેમને વારસામાં આપી હતી?”

વેપારીએ કહ્યું મારા પિતા તો ખૂબ ગરીબ તેઓ મારા માટે કશું જ નથી મૂકી ગયા.

સંતે કહ્યું તમારા પિતાએ તો તમને કાંઈ નહોતું આપ્યું પણ તમે આટલા સુખી-સંપન્ન છો, આટલી સંપત્તિ તમે તમારા પુત્રને આપી રહ્યા છો છતાં તમને એમ કેમ લાગે છે કે તમારા પુત્રને ખરાબ દિવસો જોવા પડશે?

વેપારી, “ મને તો કોઈ વ્યસન નહોતો પણ મારા પુત્રને તો એવા વ્યસન છે કે જેથી આર્થિક અને શારીરિક બંને નુકસાન થાય છે. મને એ નથી સમજાતું કે મારી ભૂલ થઈ છે?”

ત્યારે સંતે કહ્યું ભાઈ તમારી ભૂલ એ છે કે તમે તમારી આટલી જિંદગી માત્ર ને માત્ર સંપત્તિ એકઠી કરવામાં જ કાઢી. એક પિતા તરીકે તમારે તેના ભણતર ગણતર અને સંસ્કાર ઘડતર પર વધુ ધ્યાન આપવાની જરૂર હતી.

જે વ્યક્તિ પોતાના સંતાનને માત્ર સંપત્તિનો જ વારસો આપે છે, અને સંસ્કારનો વારસો નથી આપતા તે સંતાન માટે ઘાતક સાબિત થાય છે. મહેનત વિના મળેલી સંપત્તિ, પરિશ્રમ કર્યા વિના પ્રાપ્ત કરેલો પરિગ્રહ સંતાનોના જીવનને બગાડી નાખે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આપણા શાસ્ત્રોમાં ધન ની ચાર ગતી બતાવવામાં આવી છે. દાન, ભોગ, સંગ્રહ અને વિનાશ. જે વ્યક્તિ સુપાત્રને દાન આપે, ગરીબને ભોજન આપે, ગૌશાળા પાંજરાપોળ વગેરેમાં દાન કરે તે ધનનો સદ્ઉપયોગ થયો કહેવાય, પોતાના માટે જે ધન વાપરે, મોજશોખમાં ઉડાવે તે ભોગ, તિજોરીમાં ભરી રાખે અને વ્યસનમાં વેડફાઈ તે નાશ.

કહેવાનું તાત્પર્ય એ છે કે બાળપણથી બાળકોને સારા ખોરાકની સાથે સારું ચારિત્ર આપવું એ પણ એટલું જ જરૂરી છે. ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે પાણી માગે ત્યાં દૂધ હાજર થતું હોય એવા પરિવાર ના છોકરા ચોરી કરતા ઝડપાય છે.

શ્રીમંત પરિવારના નબીરાઓ કેટલાય ગુનાઓ આચરે છે. આની પાછળ ખોટા લાડકોડ તથા યોગ્ય સંસ્કાર સિંચન નો અભાવ છે. આ માટે બાળકોને યોગ્ય સમય આપો, તેની સંગતિ પર નજર રાખો, જ્યાં તેની ભૂલ જણાય ત્યાં તેને રોકો, જરૂર પડે તો તેના પ્રત્યે કડક વલણ દાખવો. સંતાનોને વારસામાં થઇ શકો તો કાંઈ નહીં પરંતુ એવા સંસ્કાર તો અવશ્ય દેજો કે જેની જીંદગી હકીકતમાં યાદગાર જિંદગી બની જાય.

~ પારુલબેન બી. ગાંધી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version