તમે ઘણી વખત સાંભળ્યું હશે કે આપણને અથવા બીજા કોઈને સતત નકારાત્મક વિચારો આવતા રહે છે. તો આનાથી કઇ રીતે બચવું, અથવા એમ કહીએ કે સકારાત્મક વિચારો કઈ રીતે લાવવા તેના વિશે ખૂબ મોટી ચર્ચા થઇ શકે છે.
પહેલી તો વાત એ કે આપણા મગજમાં સતત વિચારો આવતા રહે છે, આથી કોઈપણ વિચારને ટાળવાનું શક્ય નથી. એટલે કે દરેક વિચાર ઉપર આ પોઝીટીવ છે કે નેગેટિવ એ વિચારીને તમે એ વિચાર પર અમલ કરો એ શક્ય નથી.
પરંતુ નકારાત્મક વિચારોને કારણે જિંદગીમાં ઘણું ગુમાવીએ છીએ. અને જો વિચારોને નકારાત્મક માથી સકારાત્મક બદલવા હોય તો શું કરવું, આ નાનકડો પ્રસંગ વાંચીને જીવનમાં ઉતારી લો. જણાવી દઈએ કે આ સ્વામી વિવેકાનંદ સાથે બનેલો સત્યઘટના નો પ્રસંગ છે.
એક વખતની વાત છે જ્યારે સ્વામી વિવેકાનંદ કોઈ સ્થળ પર જઈ રહ્યા હતા. રસ્તામાં એક પુલ આવ્યો. એટલે તેઓ પુલ પાર કરવા લાગ્યા પરંતુ જેવા તેઓ પુલ પાર કરવા લાગ્યા કે વાંદરાઓએ તેને ચારે તરફથી ઘેરી લીધા. અને આવી રીતના અચાનક વાંદરાઓને જોઈને સ્વામી ડરી ગયા અને તેનાથી બચવાની કોશિશ કરવા લાગ્યા.
સ્વામીજીને ડરેલા જોઈને વાંદરાઓ mતેના ઉપર હાવી થવા લાગ્યા. એટલામાં જ બાજુમાંથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા તેને સ્વામીજીને કહ્યું કે તમે આ વાંદરાઓ થી ન ડરો, તમે જેટલા ડરશો એટલા જ આ વાંદરાઓ તમને વધુ ડરાવશે.
અને જો તમે આનો સામનો કરશો તો આ વાંદરાઓ તમારાથી ડરીને ભાગી જશે. માટે તમે આનો સામનો કરો. આથી આટલું સાંભળીને સ્વામીજીએ ડર્યા વગર વાંદરાઓ નો સામનો કર્યો. અને થોડી જ વારમાં બધા વાંદરાઓ ત્યાંથી ભાગી ગયા.
વાત તો અહીં પૂરી થઇ ગઇ પરંતુ આમાંથી શીખવા શું મળ્યું, તે કોઈ કહી શકે. હવે ધારો કે આ વાંદરા ની જગ્યાએ તમે નકારાત્મક વિચારો રાખી દો.
નકારાત્મક વિચારો એ વાંદરાની જેમ જ છે, જે આપણને સતત ડરાવતા રહે છે. અને આપણે ડરીએ તો આ વિચારો આપણી ઉપર હાવી થઈ જાય છે.
આને બદલે જો આ વિચારો નો મજબૂત મન રાખીને સામનો કરીએ તો નકારાત્મક વિચારો આપોઆપ આવતા બંધ થઈ જાય છે. માત્ર એટલું જ કરવાની જરૂર છે કે તમે તમારા અંદર રહેલા નકારાત્મક વિચારોનો સામનો કરો.
આખી દુનિયામાં કોઈ પણ એવો માણસ નહીં હોય જેને નકારાત્મક વિચારો ન આવતા હોય, પરંતુ જે લોકો સફળ થાય છે તેને ખબર હોય છે કે નકારાત્મક વિચારો સાથે કઈ રીતે સામનો કરવો. જો તમે પણ તમારા વિચારો સાથે સામનો કરશો તો જીવનમાં પરિણામ તો સારા મળશે, પરંતુ સાથે સાથે તમે ખુશ પણ રહેશો અને તમને સફળ થતાં કોઇ રોકી નહીં શકે.