લગ્ન પછીનો વિદાયનો સમય હતો, શીતલ પોતાની માતાને મળીને પોતાના પિતા સાથે ભેંટીને રડી રહી હતી. ત્યાં હાજર બધા લોકો ભાવુક થઇ ગયા હતા અને લગભગ દરેક વિદાય પ્રસંગે ત્યાં હાજર દરેક લોકો ભાવુક થઇ જતા હોય છે. વિદાયનો સમય પસાર થાય છે પછી શીતલ પોતાની નાની બહેન સાથે સજાવેલી ગાડી તરફ આગળ વધી રહી હતી. વરરાજા અભિષેક પોતાના મિત્રો સાથે ઊભો રહીને વાતો કરી રહ્યો હતો. એમાં તેના મિત્રો કહી રહ્યા હતા કે પહેલા ઘરે પહોંચીને આપણે હોટલમાં જઇને સરસ મજાનું ખાવું છે. તારા સાસરે ખાવામાં જોઈએ તેટલી મજા આવી નથી. એવામાં બીજા મિત્રો પણ બોલી ઉઠ્યા કે હા યાર પહેલા આપણે ઘરે જઇને હોટેલમાં જઈશું, સાથે સાથે અભિષેક નો નાનો ભાઇ પણ મિત્રોની હા માં હા ભણી રહ્યો હતો. બધાની વાત સાંભળીને અભિષેક પણ બોલી ઉઠ્યો કે હા ઠીક છે તો આપણે ઘરે જઈને પહેલા હોટેલમાં જઈશું કારણકે મને પણ રોટલી ગરમ ન મળી હતી. વગેરે વગેરે કહેવા લાગ્યો.
આ બધી વાત ચાલુ હતી તે શીતલ ના કાને પહોંચે અને તે હજી તો ગાડીનો દરવાજો ખોલીને બેસવા જઈ રહી હતી કે આ બધી વાતો સાંભળીને તરત જ ગાડીનો દરવાજો પછાડીને તરત જ તે પોતાના પિતા પાસે જતી રહી.
પોતાના પિતાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું કે પપ્પા મારે લગ્ન નથી કરવા, મને આ લગ્ન મંજુર નથી. અને આ વાત તેને એટલા જોરથી કહી હતી કે ત્યાં હાજર રહેલા દરેક લોકો લગભગ આને સાંભળી શક્યા અને દરેક લોકો આશ્ચર્યચકિત થઈને નજીક આવી ગયા. શીતલના સાસરે પણ જાણે મુસીબતનો પહાડ તૂટી પડ્યો હોય એવી રીતે બધા તેની સામું જોઈ રહ્યા હતા પરંતુ કોઈને સમજણ આવી રહી ન હતી કે આખરે મામલો શું છે.
એટલામાં જ શીતલ ના સસરા એ આગળ આવ્યા અને શીતલ ને પૂછ્યું કે પરંતુ વાત શું છે વહુ? લગ્ન પણ થઇ ગયા છે અને વિદાયનો સમય છે ત્યારે અચાનક તને શું થયું તો તું લગ્નને નામંજૂર કરી રહી છે? અભિષેક ને પણ આ વાતની ખબર પડતાં તે તો જાણે આશ્ચર્ય ચકિત થઈને એક શબ્દ પણ બોલી રહ્યો ન હતો, એ પણ શીતલ પાસે આવીને ઊભો રહી ગયો સાથે સાથે તેના મિત્રો અને તેનો નાનો ભાઈ પણ ત્યાં આવી ગયા.
બધા લોકો જાણવા માંગતા હતા કે આખરે શું થયું કે તરત જ એટલે આટલો મોટો નિર્ણય કરી લીધો? હજુ પણ શીતલ એ પોતાના પિતાનો હાથ પકડી રાખ્યો હતો. પોતાના સસરા એ સવાલ પૂછ્યો હતો તેનો જવાબ આપતાં કહ્યું મારા માતા-પિતાએ પોતાના સપના ને મારી ને અમને બધી બહેનોને ભણાવી-ગણાવી અને કાબીલ બનાવી છે. શું તમે જાણો છો કે એક બાપ માટે તેની દીકરી કેટલું મહત્વ ધરાવે છે? કદાચ તમે અથવા તમારો દીકરો નહીં જાણી શકે કારણ કે તમારે કોઈ દીકરી નથી! આટલું બોલતા બોલતા શીતલના આંખમાંથી આંસુ દડદડ વહી રહ્યા હતા. શું તમે જાણો છો કે મારા લગ્નની જાનમાં કોઈ પણ જાતની ખામી ન રહી જાય તે માટે પાછલા 6 મહીનાથી દરરોજ મોડી રાત્રી સુધી જાગીને માતા-પિતા એ યોજના બનાવતા હતા કે જમવામાં શું હશે, કોણ બનાવશે કઈ વસ્તુ સારી લાગશે વગેરે વગેરે…પાછલા છ મહિનામાં મારી માતાએ એક પણ નવી સાડી ખરીદી નથી કારણકે જેના કારણે મારા લગ્નમાં કોઈ ખામી ન રહી જાય. અને આજે પણ દુનિયાને દેખાડવા માટે મારી બહેન ની સાડી પહેરીને તે અહીં ઉભી છે. મારા પિતા નું આ શર્ટ ભલે ગમે તેટલું નવું હોય પરંતુ તેની અંદર પહેરેલી છેદ વાળી બંડી તો જૂની જ છે. મારા માતા-પિતાએ ન જાણે તેના કેટલાય સપનાઓને મારીને દિવસ રાત એક કરીને મારા લગ્નની તૈયારીઓ કરી હતી.
મારા માતા-પિતાનું એક જ સપનું હતું કે મારા લગ્નમાં કોઈ પણ જાતની ખામી ન રહી જાય, પરંતુ તમારા દીકરાને રોટલી ઠંડી લાગી. તેના મિત્રોને પણ જમવામાં મજા આવી નહીં. અને તેઓ જે મજાક બનાવી રહ્યા હતા તે મારા પિતાના અભિમાનને ઠેસ પહોંચાડવા સમાન હતી. હજુ પણ શીતલ ની વાત પૂરી થઇ ન હતી અને તે પોતાના સસરા ને રડતા રડતા બધું કહી રહી હતી.
એટલામાં શીતલના પિતાએ ભાવુક થઈને શીતલને રોકતા કહ્યું કે દીકરા માત્ર આટલી નાનકડી એવી વાત છે અને… હજુ તો તેના પિતા એની વાત પૂરી કરે કે શીતલ અધુરી વાત આપતા કહ્યું કે આ નાની વાત નથી પિતાજી…મારા પતિને મારા પિતાની ઈજ્જત નથી! શું રોટલી તમે બનાવી હતી, કે પછી બીજી કોઈપણ વસ્તુ તમે પોતે તો બનાવી ન હતી. આ બધું કેટર્સ નું કામ છે, અને તમે તમારું દિલ ખોલીને ભરપૂર ખર્ચ કર્યો છે, જો થોડી કાંઈ ખામી રહી ગઈ તો તે માત્ર કેટર્સ ના કારણે… તમે તો તમારા દિલ ના ટુકડા સમાન તમારી આ દીકરીને વિદાય કરી જ રહ્યા છો ને? તમે કેટલી રાત મને યાદ કરીને રડશો એ મને ખબર નથી, ક્યારે પણ મારા સિવાય બહાર ન નીકળતી મમ્મી કાલે માર્કેટમાં એકલી જશે… શું તે જઈ શકશે?
જે લોકો પત્ની અથવા કહો કે વહુ લેવા આવ્યા છે તે લોકો જમવામાં ખામીઓ શોધી રહ્યા છે. પરંતુ એ વાત કેમ એ લોકોના સમજમાં નથી આવતી કે તમે મારામાં કોઇ ખામી રાખી નથી… શીતલના પિતાએ તેના માથે હાથ ફેરવીને કહ્યું કે અરે દીકરા… તું નાની વાતને મોટું સ્વરૃપ આપી રહી છે, મને તારી ઉપર ગર્વ છે કે તું મારી દીકરી છે પરંતુ બેટા અને માફ કરી દે… તને મારા સમ, શાંત થઈ જા.
એટલામાં જ અભિષેકે પણ આવીને શીતલના પિતાના હાથ પકડીને કહ્યું કે મને માફ કરી દો… મારાથી ભૂલ થઈ ગઈ… હું… હું માત્ર… તે એનાથી આગળ કશું બોલી શક્યો નહીં. એટલામાં જ શીતલ ના સસરા પણ ત્યાં આવીને શીતલ ના માથા ઉપર હાથ રાખીને કહ્યું કે હું તો અહીં વહુ લેવા આવ્યો હતો પરંતુ ભગવાન ખૂબ જ કૃપાળુ છે તેને મને દીકરી આપી દીધી, અને સાથે સાથે દીકરીનું મહત્વ પણ સમજાવી દીધું. મને ભગવાને કદાચ એટલા માટે જ દીકરી ન આપી કે તારા જેવી દીકરી મારા નસીબમાં હતી. અને આટલું બોલીને તેઓ બંને હાથ જોડવા જઈ રહ્યા હતા કે શીતલ એ પોતાના સસરાના હાથ પકડીને કહ્યું બાપુજી! એટલે તેના સસરાએ કહ્યું કે બાપુજી નહીં પણ પિતા! શીતલ પણ ભાવુક થઈને તેના સસરા ને ભેટી પડી. શીતલ ના પિતા પણ આવી દીકરી પામીને ગૌરવની અનુભૂતિ કરી રહ્યા હતા.
શીતલ હવે રાજીખુશી પોતાના સાસરે જવા રવાના થઈ ગઈ, અને પાછળ તે આંસુઓથી ભરચક ભરાયેલી પોતાના માતા-પિતાની આંખો ને છોડી ગઈ.
મૂરખ છે એ લોકો જે દીકરીને પરાયું ધન માને છે, દીકરીએ માબાપ નું અભિમાન અને કદી માપી ન શકાય તેવું અમૂલ્ય ધન હોય છે. લગ્નમાં જઈએ તો ધ્યાન રાખવું કે લગ્નમાં સારું જમાડવા માટે એક પિતાએ કેટલુ કયું હશે અથવા કેટલું ખોઈ બેસશે તેની કિંમત આંકી શકાય નહિ… પોતાનો ફળિયુ ઉજાળીને બીજાના ફળિયાને મહેક આપવાનું કામ કંઈ નાની વાત નથી. કદાચ એટલે જ કહેવાતું હશે કે ક્યારે પણ લગ્નના જમણવારમાં ખામીઓ ન કાઢવી. દીકરીના લગ્ન ના જમણવારમાં તૈયાર થનારી વસ્તુઓ ને એટલો જ સમય પાકતા લાગે છે જેટલી દીકરીની ઉમર હોય છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો આ સ્ટોરી ને દરેક લોકો સુધી શેર કરજો, અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર રાખજો તેમજ આ સ્ટોરી ને 1 થી 10 ની વચ્ચે રેટિંગ જરૂર આપજો.