યોગેશભાઈ રૂમમાં પાછા ફર્યા. ડાક્ટર શાહે હમણાં જ તેમના વૃદ્ધ પિતાજી, હરિભાઈને તપાસ્યા હતા. બહાર નીકળતા ડાક્ટર શાહે નિસાસો નાખતાં કહ્યું હતું, “યોગેશભાઈ, બુઢાપાનો કોઈ ઈલાજ નથી હોતો. 80 વટાવી ચૂક્યા છે. હવે તો બસ એમની સેવા કરો.”
યોગેશભાઈનો ચહેરો ઉતરી ગયો હતો. “ડાક્ટર સાહેબ, કોઈ તો ઉપાય હશે ને! સાયન્સે આટલી પ્રગતિ કરી છે…” તેમની અવાજમાં આશા અને નિરાશાનો મિશ્ર ભાવ હતો.
ડાક્ટર શાહે ખભો થાબડ્યો. “હું તો ફક્ત પ્રાર્થના જ કરી શકું, યોગેશભાઈ. તમે બસ તેમને ખુશ રાખો. તેમના ચહેરા પર સ્મિત લાવો, એનાથી મોટી કોઈ દવા નથી. અને તેમને ભાવે એ પ્રવાહી વસ્તુઓ આપતા રહો.” ડાક્ટર શાહ હળવું સ્મિત આપીને વિદાય થયા.
યોગેશભાઈ પિતાજીને લઈને ખૂબ ચિંતિત હતા. તેમને કલ્પના પણ નહોતી આવતી કે પિતા વગર જીવન કેવું હશે. માતા ના ગયા પછી તો બાપુજી જ તેમનો એકમાત્ર આશીર્વાદ હતા. તેમને પોતાનું બાળપણ અને યુવાનીના દિવસો આંખો સામે તરવરી રહ્યા હતા. કેવી રીતે બાપુજી રોજ સાંજે કંઈક ને કંઈક લઈ આવતા, ક્યારેક રમકડું, ક્યારેક મીઠાઈ, ક્યારેક બજારનું ફરસાણ! તેમનો ચહેરો યાદ આવતા જ યોગેશભાઈની આંખો ભીની થઈ ગઈ.
બહાર ઝરમર વરસાદ શરૂ થયો હતો. બારીના કાચ પર પાણીના ટીપાં જાણે કોઈ અજાણી વેદનાની કથા કહી રહ્યા હતા. વાતાવરણમાં ભીનાશ ભળી હતી, જાણે આકાશ પણ યોગેશભાઈના મનની ઉદાસીમાં ભાગ લઈ રહ્યું હોય. યોગેશભાઈએ મનને મક્કમ કરીને જાતને સંભાળી. તેમણે પત્ની નીતાને અવાજ આપ્યો.
“નીતા! આજે બધા માટે મગની દાળના ગરમાગરમ ભજીયાં અને લીલી ચટણી બનાવ. હું બહારથી તાજી જલેબી લઈ આવું છું.”
નીતાએ દાળ સવારથી જ પલાળી રાખી હતી. તે સમજી ગઈ કે બાપુજી માટે ખાસ થઈ રહ્યું છે. તે પણ તરત જ રસોડાના કામે લાગી ગઈ. થોડી જ વારમાં રસોડામાંથી ભજીયાં તળવાની સોડમ આખા ઘરમાં ફેલાઈ ગઈ. યોગેશભાઈ પણ ગરમ જલેબી લઈને આવી પહોંચ્યા. જલેબી રસોડામાં મૂકીને તેઓ સીધા પિતાજીના રૂમમાં ગયા.
તેઓ પિતાજીના પલંગ પાસે બેઠા. ધીમેથી તેમનો હાથ પોતાના હાથમાં લીધો. તે નિર્જીવ જેવો લાગતો હાથ પકડતાં યોગેશભાઈના શરીરમાં કંપારી વછૂટી ગઈ. તેમણે પિતાજીના શાંત ચહેરાને નિહાળતા કહ્યું –
“બાપુજી, જુઓ આજે તમારા માટે શું લાવ્યો છું! તમારી સૌથી પ્રિય વસ્તુ… થોડી જલેબી ખાશો?”
પિતાજીએ ધીમેથી આંખો પટપટાવી. તેમના ચહેરા પર એક ઝાંખું પણ પ્રેમળ સ્મિત ફરક્યું. ખૂબ જ ધીમા અને અસ્ફુટ અવાજે તેઓ બોલ્યા –
“ભજીયાં બને છે શું?”