યોગેશભાઈની આંખો ફરી ભીની થઈ ગઈ. “હા, બાપુજી! તમારી પસંદની દરેક વસ્તુ હવે મારી પણ પસંદ છે. અરે! નીતા… જરા ભજીયાં અને જલેબી તો લઈ આવ!” યોગેશભાઈએ રસોડા તરફ અવાજ કર્યો.
નીતા તરત જ એક ટ્રેમાં ભજીયાં અને જલેબી લઈને આવી. તેણે પ્રેમથી બાપુજીને ભજીયું આપતાં કહ્યું, “લ્યો, બાપુજી એક બીજું.”
પિતાજીએ એક ભજીયું લીધું, પણ બીજું લેવા માટે હાથ ન લંબાવ્યો. ધીમા અવાજે બોલ્યા – “બસ… હવે પેટ ભરાઈ ગયું. જરાક જલેબી આપ.”
યોગેશભાઈએ જલેબીનો એક નાનકડો ટુકડો પોતાના હાથમાં લીધો અને ખૂબ જ નરમાશથી પિતાજીના મોઢામાં મૂક્યો. પિતાજી એકીટશે તેમને પ્રેમથી જોતા રહ્યા. તેમની આંખોમાં અસીમ વાત્સલ્ય છલકાતું હતું.
“યોગેશ… સદા ખુશ રહેજે બેટા,” પિતાજીનો અવાજ ધીમો પણ સ્પષ્ટ હતો. “મારા દાણા પાણી હવે પૂરા થયા લાગ્યા છે.”
યોગેશભાઈના ગળે ડૂમો ભરાઈ ગયો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે પિતાજીનો હાથ વધુ જોરથી પકડ્યો. “બાપુજી! તમારે તો હજુ સેન્ચુરી મારવાની છે! તમે મારા સચિન તેન્ડુલકર છો!”
પિતાજી હળવું હસ્યા. એ હાસ્યમાં જાણે આખા જીવનનો સંતોષ અને આવનારી ક્ષણની સ્વીકૃતિ હતી. “તારી મા પેવેલિયનમાં રાહ જોઈ રહી છે… આગલો મેચ રમવા જવાનો છે.” પિતાજીએ ક્ષણભર માટે શ્વાસ લીધો અને ઉમેર્યું, “તારો નંદન બનીને આવીશ, ત્યારે પેટ ભરીને ખાઈશ બેટા…”
પિતાજી તેને જોતા રહ્યા. યોગેશભાઈએ થાળી એક તરફ મૂકી દીધી. પણ પિતાજીની આંખો તેમના પર જ સ્થિર હતી. પલકારો પણ નહોતા મારતા. યોગેશભાઈ સમજી ગયા. યાત્રા પૂર્ણ થઈ હતી. તેમના વહાલા પિતાજીનો આત્મા મુક્ત થઈ રહ્યો હતો.
એ જ ક્ષણે તેમને પિતાજીના વર્ષો પહેલા કહેલા શબ્દો યાદ આવ્યા – “શ્રાદ્ધ કરવા આવીશ ત્યારે કાગડો બનીને ખાવા નહીં આવું. જે કંઈ ખવડાવવું હોય, એ અત્યારે જ ખવડાવી દેજે.”
આંખોમાંથી વહેતા આંસુ સાથે યોગેશભાઈએ પિતાજીના ચરણોમાં માથું ટેકવ્યું. તેમને સમજાઈ ગયું હતું કે મા-બાપનો સાચો સન્માન અને સેવા એ છે કે તેમને જીવતેજીવ પ્રેમ અને ખુશી આપીએ. તેમનો આશીર્વાદ એ જ જીવનનો સાચો વારસો છે.