શું તમને તમારી જિંદગી થી સંતોષ નથી? તમારે સુખી થવું છે? તમારા બધા દુઃખને દૂર કરવા છે? હાલની પરિસ્થિતિને બદલવી છે? તો આ લેખ તમારા માટે જ છે…
એક વાર એક કાફલા વાળા ઊંટ લઈને જતા હતા. ત્યારે રાત્રી રોકાણનો સમય આવ્યો.
પણ છેલ્લે તેમને ખ્યાલ આવ્યો કે રણમાં ઊંટ ને બાંધવા માટેના દોરડા અને ખીલાં તેઓએ અગાઉ જ્યાં વિશ્રામ કર્યો હતો ત્યાં ભૂલી ગયા છે. હવે શું કરવું?
થાકેલા હતા એટલે રાત્રિ વિશ્રામ કરવો પણ જરૂરી હતો. અને જો ઊંટ ને બાંધ્યા વગર રાખે તો રાત્રે રણમાં પણ જતા રહે.
સૌ કોઈને બેસાડવા પ્રયત્ન કરવા લાગ્યા પણ બેસે જ નહીં એક વડીલ અનુભવી આ તમાશો જોઈ રહ્યા હતા તેમણે એક સલાહ આપી કે તમે દરરોજ જેમ કરો છો તેમ દોરડા લાવવાની ઊંટને પગે બાંધવાની, ખીલા ખોળી ગાંઠ વાળવાની આવી બધી જ ક્રિયાઓ કરો, એવો અભિનય કરવાનો છે કે તમે ઊંટને બાંધી રહ્યા છો.
વડીલનું માનીને આવો અભિનય કર્યો ને ઈશારો કરી ને બેસવા કહ્યું તો રોજની માફક બધા જ ઊંટ બેસી ગયા! બધાને નવાઈ લાગી!
ધીમે ધીમે આખી રાત પસાર થઈ ગઈ અને સવારે બધા જ ઊંટ ત્યાં હાજર હતા હવે કાફલાને આગળ વધવું હતું તેથી તેઓ ઊંટ ને ઉભા કરવા લાગ્યા. પણ આ શું, એક પણ ઊંટ ઉભુ ન થયું, બધાએ બહુ જ પ્રયત્નો કર્યા.
ત્યાં પહેલા વડીલ આવ્યા તેમણે સમજાવ્યું કે તમે રાત્રે અભિનયથી બાંધી દીધા છે, તેઓ માને છે કે તેઓ બંધાયેલા છે હવે જો તમારે ઊંટને ઊભા કરવા હોય તો રોજની માફક દોરડા છોડવાની પ્રક્રિયા કરો એટલે ઉભા થશે.
વડીલ ની સૂચના પ્રમાણે કર્યું તો ઊંટ ઉભા થઈ ગયા! અને કાફલો આગળ વધવા લાગ્યો.
આ વાતનો મર્મ શું છે? આપણા મનમાં એક ચોક્કસ પ્રકારની રચના થઈ જાય પછી આપણે તે પ્રમાણે જ વર્તીએ છીએ.
આપણી જિંદગી આપણી વર્તન મુજબ જ છે. શું તે બદલી શકાય છે? તેનો જવાબ છે હા! વ્યક્તિ જાગૃતિપૂર્વક સતત પ્રયત્ન કરીને પોતાની વિચારધારા અને વર્તન બદલી શકે છે આપણે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઈએ? કઈ ક્રિયાથી લાભ થાય અને કઈ ક્રિયા થી ગેરલાભ થાય? એ બધી સમજ આપણી પાસે જ છે જ! પણ આપણે ટેવ અને વર્તનથી બંધાઈ ગયા પછી તેમાંથી છુટવા માંગતા નથી. અને અપેક્ષાઓ ખુબ ઉંચી રાખીએ છીએ.
હવે માત્ર તમારે પ્રયત્ન જ કરવાનો છે કે અત્યાર સુધી તમે શું કરતા આવ્યા છો, તમારે ક્યાં પરિવર્તન લાવવાની જરૂર છે, અને તેના વિશે વિચારીને પછી તેનો અમલ કરવાની જરૂર છે.