વર્ષો પહેલાંની આ વાત છે, એક ગામડામાં બે માણસ બેઠા બેઠા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. ચોમાસાની ઋતુ હતી. વરસાદ પણ હમણાં જ આવશે એવું આકાશને જોતા લાગી રહ્યું હતું. બંને માણસો ત્યાં બેઠા બેઠા વાત કરી રહ્યા હતા એવામાં જ કોઈ એક ભાઈ ત્યાં આવ્યા, ત્યાં આવીને તેને જે ગામ જવું હતું તેનો રસ્તો પૂછવા લાગ્યા.
બંને માણસ માંથી એક માણસે તે બહારગામથી આવેલા ભાઈને રસ્તો જણાવ્યો પરંતુ સાથે સાથે સલાહ પણ આપી કે થોડા સમય સુધી અહીં આરામ કરીને જાઓ કારણકે રસ્તામાં વરસાદ તમને અડચણ ઉભી કરી શકે છે.
તે ભાઈ ની સલાહ માની ને તે માણસ ત્યાં જ બેસી ગયો અને બંને માણસો સાથે વાતો કરવા લાગ્યો. જોતજોતામાં સમય વીતતો ગયો અને જમવાનો સમય થઈ ગયો એટલે પેલા બંને માણસોને બહારગામથી આવેલા માણસે પૂછ્યું કે અહીં આસપાસમાં કશે જમવાનું મળશે કારણ કે મને ખૂબ જ ભૂખ લાગી છે.
તો એ બંને માણસે જવાબ આપ્યો કે અહીં આજુબાજુ માં જમવાનું નહીં મળે પરંતુ એનો મતલબ એવો નથી કે તમે ભૂખ્યા રહેશો કારણ કે અમારી બંને પાસે ટિફિન છે જેમાંથી આપણે જમી લઈશું.
બંને માણસ ને ટીફિન ખોલ્યા પછી એક બીજો સવાલ ઊભો થયો કારણકે ટિફિનમાં માત્ર આઠ રોટલી હતી અને જમવા વાળા ત્રણ જણા હતા એટલે હવે એ લોકો એવું વિચારી રહ્યા હતા કે આઠ રોટલી ત્રણ માણસ માં કઈ રીતે વહેચીશું?
જેમાંથી એક માણસ પાસે ત્રણ રોટલી હતી અને બીજા માણસ પાસે પાંચ રોટલી હતી. પેલા માણસે સલાહ આપી કે આપણે દરેક રોટલીના ત્રણ ટુકડા કરી નાખ્યા એટલા માટે કુલ ૨૪ જેટલા રોટલીના ટુકડા થઈ જશે અને ત્રણ માણસમાં આઠ-આઠ ટુકડા બરાબર થી ભાગ પડી શકાશે.
બધા લોકો ને તેની સલાહ સારી લાગી એટલે આઠ રોટલીમાં થી તેના ૨૪ ટુકડા કરીને બધા એ જમી લીધું. એવામાં જ વરસાદ પડવો શરૂ થયો એટલે ત્રણે માણસ ને ત્યાં જ રોકાવું પડ્યું જમ્યા પછી આરામ કરવાનું મન થયું એટલે ત્રણે લોકો બાજુમાં જ એક જગ્યા હતી ત્યાં આરામ કરવા સુઈ ગયા.
જોતજોતામાં બધાને ઊંઘ આવી ગઈ અને લગભગ ત્રણથી ચાર કલાક સૂઈ અને પછી જ્યારે જાગ્યા ત્યારે ત્રણમાંથી માત્ર બે માણસ હતા, ત્રીજો માણસ કે જે બહારગામથી આવ્યો હતો તે માણસ ત્યાંથી ચાલ્યો ગયો હતો.
પરંતુ જ્યારે તે બંને માણસ પાસે એક થેલી પડી હતી એ થેલી ખોલીને જોયું તો એ થેલી માંથી આઠ સોનાની ગિની નીકળી. એ માણસ કોણ હતો ક્યાંથી આવ્યો હતો એ કોઈને ખબર નહોતી, અને આમ અચાનક જ આઠ સોનાની ગિની મૂકીને જતો રહ્યો.
એ બંને માણસ વિચારવા લાગ્યા કે આપણે આના ભાગ કઈ રીતે પડ્યા પહેલા માણસે કહ્યું કે આપણે બંને આમાંથી ચાર ચાર સોનાની લઈ લઈએ. તો બીજા માણસને તરત જ જવાબ આપ્યો કે ના મારી પાસે માત્ર ત્રણ રોટલી હતી અને તારી પાસે પાંચ રોટલી હતી એટલા માટે હું ત્રણ સોનાની ગીની લઈશ અને તું તારી પાસે પાંચ ગીની રાખે.
આ નાની બાબત પર બંને એકબીજા સાથે બોલાચાલી કરવા લાગ્યા. એક કહે કે ના હું ઓછી ગીની રાખીશ તું વધારે રાખે બીજાએ કહ્યું કે ના આપણે બંને સરખી રાખીએ. અંતે એ બંને લોકો સમાધાન માટે ગામના સરપંચ પાસે ગયા તો સરપંચે તેની બધી વાત સાંભળી.
થોડા સમય સુધી વિચાર્યા પછી સરપંચે કહ્યું હું તમને આ સમસ્યાનું નિવારણ કાલે જણાવીશ. તમે અત્યારે આ ગીની મારી પાસે રાખીને ઘરે ચાલ્યા જાઓ.
બંને માણસ ગીની ત્યાં મૂકીને ઘરે જતા રહ્યા. સરપંચ પાછળથી ખૂબ જ અસમંજસ માં પડી ગયા કે એ બંને માણસ એકબીજાને વધારે આપવા માટે ઝઘડી રહ્યા છે. આવું તો ખૂબ જ ઓછું બને. બંને માણસ એ વાત કરી હતી તેમાંથી ત્રણ અને પાંચ રોટલી હતી એટલે સરપંચ એવું પણ વિચારી રહ્યા હતા કે બંનેને ૩ અને ૫ ગિની આપવામાં આવે પરંતુ બીજી બાજુ તે જુદી રીતે પણ વિચારી રહ્યા હતા.
સરપંચ જ્યારે પણ ઊંડા વિચારમાં હોય અને અસમંજસ માં હોય ત્યારે ગામના જ એક ખૂબ જ બુદ્ધિમાન વ્યક્તિ ની સલાહ લેતા, આ વખતે પણ એવું જ થયું તે માણસને સરપંચના ઘરે બોલાવવામાં આવ્યા અને એ બુદ્ધિમાન વ્યક્તિ ને સરપંચે બધી વાત કરી ત્યાર પછી સરપંચે તેને પૂછ્યું કે આ નો ભાગ કઈ રીતે કરવો જોઈએ?
સરપંચે તે માણસને એવું પણ જણાવ્યું કે મને એવું જ લાગી રહ્યું છે કે એક માણસને ત્રણ અને બીજા માણસને પાંચ ગીની આપવી જોઈએ.
એટલે તરત જ પેલા બુદ્ધિમાન માણસે જવાબ આપ્યો કે આ બિલકુલ ખોટો નિર્ણય હોઈ શકે મારા મત પ્રમાણે પહેલા માણસને એક અને બીજા માણસને સાત ગીની મળવી જોઈએ.
સરપંચ કાયમ બુદ્ધિમાન વ્યક્તિના વિચારથી પહેલી જ વાતમાં સહમત થઈ જતા પરંતુ આજે તેઓએ કહ્યું કે અરે આ વળી કઈ રીતે? હું જરા પણ કંઈ સમજ્યો નહીં?
તે વ્યક્તિએ જવાબ આપતા કહ્યું કે તમે જે રીતે વાત કરી એ પ્રમાણે જોતાં બંને માણસોમાંથી એક માણસે પોતાની ત્રણ રોટલી ના નવ ટુકડા કર્યા હતા એમાંથી તેને એક જ રોટલીનો ટુકડો બીજાને આપ્યો અને બાકીના આઠ ટુકડા એ પોતે જ ખાઈ ગયો, એટલા માટે મારા મત પ્રમાણે તેનો ત્યાગ જોવા જઈએ તો માત્ર રોટલીના ટુકડા જેટલો જ છે એટલે તેને એક ગીની જ મળવી જોઈએ.
જ્યારે બીજા માણસે પોતાની પાંચ રોટલીના 15 ટુકડામાંથી આઠ ટુકડા પોતે ગ્રહણ કર્યા અને બીજા સાત ટુકડા પેલા માણસને આપ્યા, એટલે મારા મત પ્રમાણે તે માણસ સાત ગીરી નો હકદાર છે.
આમ તેને આ વાત સરપંચ પાસે રજૂ કરી ત્યારે માત્ર ૧૦ સેકન્ડમાં સરપંચ બધું સમજી ગયા કે તે માણસ નો નિર્ણય કેટલો યોગ્ય છે.
સરપંચ ને એ સમજતાં જરા પણ વાર ન લાગી કે આપણી કોઇપણ પરિસ્થિતિને જોવાની સમજવાની નજર ક્યારેક બીજા લોકો કરતા અલગ પણ હોઈ શકે છે.
આપણે હંમેશા આપણા કરેલા ત્યાગની વાતો કરતા રહીએ છીએ પરંતુ હકીકતમાં પરિસ્થિતિ કંઈક જુદી પણ હોઇ શકે છે.
એ મહત્વનું નથી કે આપણે પૈસા થી કેટલા સમૃદ્ધ છીએ પરંતુ સાથે સાથે એ પણ મહત્ત્વનું છે કે આપણે ત્યાગ કેટલો કરીએ છીએ સેવાકાર્ય કેટલું કરીએ છીએ.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ ખાસ કરીને કમેન્ટ માં રેટીંગ પણ આપજો.