એક વખત એક ભાઈને ભગવાનની મૂર્તિ ની આવશ્યકતા હોવાથી તેઓ શહેરના એક વિખ્યાત મૂર્તિકાર પાસે ગયા. કારણ કે તેઓએ મૂર્તિકાર ના વખાણ દરેક જગ્યાએ સાંભળ્યા હતા. અને લોકો કહેતા હતા કે તે પોતાના દિલથી ભગવાનની મૂર્તિ બનાવે છે. આથી આટલું સાંભળીને તે માણસ એ ત્યાં જવાનું નક્કી કર્યું.
ત્યાં ગયો એટલે જોયું તો મૂર્તિકાર એક મૂર્તિને બનાવી રહ્યો હતો. આથી પેલો માણસ બધું જોઈ રહ્યો હતો, એટલામાં એનું ધ્યાન ગયું કે બાજુમાં બીજી મૂર્તિ પડી હતી. તે મૂર્તિ પણ અસલ જે બનાવી રહ્યો હતો તેવી જ મૂર્તિ હતી.
આથી પેલા માણસે વિચાર્યું કે આ મૂર્તિકારને લગભગ એક સરખી ૨ મુર્તિ બનાવવાનો ઓર્ડર મળ્યો હશે. છતાં કુતૂહલ સાથે પૂછ્યું કે તમે આ બે મૂર્તિ કેમ એક સરખી જ બનાવી છે. બે મૂર્તિ નો ઓર્ડર મળ્યો છે કે શું?
ત્યારે મૂર્તિકાર એ કહ્યું કે ના. ઓર્ડર તો એક મૂર્તિ નો જ છે. પરંતુ આ બનેલી તૈયાર મૂર્તિમાં એક ખામી હોવાથી હું નવી મૂર્તિ તૈયાર કરી રહ્યો છું. પેલા માણસે જે તૈયાર મૂર્તિ બાજુમાં પડી હતી તેને થોડી વાર માટે તાકી તાકીને જોઈ પરંતુ તેને કોઈપણ ખામી દેખાય નહીં.
આથી મૂર્તિકાર ને પૂછ્યું કે આમાં તો કશી ખામી છે જ નહીં. વાંધો શું છે? ત્યારે મૂર્તિકાર એ કહ્યું કે એ મૂર્તિમાં રહેલા ભગવાનના નાક પાસે એક નાનકડો ચીરો પડી ગયો છે. આથી પેલા માણસે મૂર્તિકાર ને કહ્યું કે હવે મને દેખાય છે. તો આ મૂર્તિમાં આટલી નાનકડી ખામી છે કે જે કોઈપણ માણસને પહેલી નજરમાં દેખાય જ નહીં.
તો પણ તમે કેમ બીજી મૂર્તિ બનાવી રહ્યા છો? અને આ સવાલ પૂછતા ની સાથે તેને અંદર પણ આશ્ચર્ય થયું કે આટલી નાનકડી ખામી માટે આ બીજી મૂર્તિ કેમ બનાવી રહ્યો છે, જ્યારે આ ખામીને લગભગ કોઈ માણસ ઓળખી પણ ન શકે.
ત્યારે મૂર્તિકાર જવાબ આપ્યો કે ભલે તમને ખામી ન દેખાતી હોય, ભલે લોકોને પણ ખામી ના દેખાતી હોય. ભલે આખી દુનિયાને ખામી ન દેખાય. પરંતુ હું અને ભગવાન એ બંને જાણે છે કે મારાથી આ જગ્યા પર ભૂલ થઈ છે, જેથી એ મૂર્તિમાં એક ખામી રહી ગઈ છે. એટલે હું એ મૂર્તિને નવી બનાવી રહ્યો છું.
આટલું સાંભળીને પેલા માણસ ને મગજમાં આવી ગયું કે લોકો એના વખાણ અમથા જ નથી કરતા. તે ખરેખર દિલથી મૂર્તિ બનાવે છે.
પરંતુ આ વાતમાંથી આપણે સમજવાનું એ છે કે ઘણી વખત આપણે એમ સમજીને બધુ જતુ કરીએ છીએ કે આમાં કોઈને શું ખબર પડવાની? અથવા તો એમ વિચારીને છોડી દઈએ છીએ કે આ કોને ખબર પડવાની? પરંતુ હકીકતમાં આપણો દરેક હિસાબ ભગવાન પાસે તો હોય જ છે, આથી દરેક લોકોએ પોતાની ભૂલ ને સુધારવાની કોશિશ તો કરવી જ જોઈએ.
તમને આ વાર્તા સારી લાગી હોય તો આને લાખો લોકો સુધી પહોંચાડવા માટે દરેક ગ્રુપ માં શેર કરજો. અને કમેન્ટમાં અભિપ્રાય જરૂરથી આપજો કે આ વાર્તા કેવી લાગી.