બે દીકરી પછી ત્રીજી દીકરી આવી એટલે પિતાએ પાર્ટી રાખી તેમાં તેના જ ભાભીએ કહ્યું અરે દિયરજી ત્રીજી દીકરીના જન્મને પણ ઉત્સવ ગણવાનો? હવે તો બસ…

પાર્ટીના દિવસે સવારે પ્રિયા પણ ખાસ દિલ્હીથી આવી પહોંચી. પ્રિયાના આવવાથી ઘરમાં જાણે નવી રોનક આવી ગઈ. આવતાં વેંત જ એણે માને વહાલથી કહ્યું, “અરે મમ્મી! આ શું? વાળમાં થોડી સફેદી દેખાવા લાગી છે. આમ જ આવીશ પાર્ટીમાં?” રાધિકાબેન થોડા શરમાઈને હસી પડ્યા, “બેટા, મને ત્યાં કોણ જોવાનું છે? હવે તો તમારા લોકોના દિવસો છે.” “ના મમ્મી, એમ થોડું ચાલે! ચાલો મારી સાથે, હમણાં જ પાર્લરમાં જઈએ.” અને પ્રિયા લગભગ ખેંચીને જ પોતાની માને શહેરના સારા પાર્લરમાં લઈ ગઈ. હળવો મેકઅપ, વાળની સુંદર સજાવટ અને એક સુંદર સાડીમાં રાધિકાબેન જાણે દસ વર્ષ નાના લાગી રહ્યા હતા. વિરેનભાઈ માટે પણ એક શાનદાર નવો સૂટ તૈયાર હતો. સૂટ જોઈને વિરેનભાઈની આંખો લાગણીથી ભીની થઈ ગઈ. સાંજ પડતાં જ સૌ તૈયાર થઈને હોલ તરફ જવા નીકળ્યા.

હોલ મહેમાનોથી ભરાઈ ગયો હતો. વાતાવરણ ખુશનુમા હતું. સૌની શુભેચ્છાઓ અને આશીર્વાદ સ્વીકારીને વિરેનભાઈ અને રાધિકાબેને એકબીજાને પ્રેમથી હાર પહેરાવ્યા અને કેક કાપીને એકબીજાને ખવડાવી. દરેક જણ વિરેનભાઈ અને રાધિકાબેનના નસીબની અને એમની દીકરીઓની સફળતાની પ્રશંસા કરી રહ્યા હતા.

સવિતાબેન પણ પોતાના પતિ અને બંને દીકરાઓ સાથે આવ્યા હતા. પાર્ટીની ભવ્યતા, દિયર-દેરાણીના ચહેરા પરનો સંતોષ અને દીકરીઓની સિદ્ધિ જોઈને સવિતાબેનનું હૃદય ઈર્ષ્યાની આગમાં બળી રહ્યું હતું. આજે એમને પહેલીવાર તીવ્રપણે અહેસાસ થઈ રહ્યો હતો કે દિયરની દીકરીઓ હોવા છતાં જે સુખ, સંતોષ અને ગૌરવ આ છોકરીઓ એમના મા-બાપને આપી રહી હતી, તે સુખ એમના બંને ‘લાડકા’ દીકરાઓએ ન તો ક્યારેય આપ્યું હતું, ન ભવિષ્યમાં આપી શકશે તેવી કોઈ નિશાની દેખાતી હતી.

ત્યાં જ પ્રિયાએ માઈક હાથમાં લીધું અને મધુર સ્વરે કહ્યું, “અહીં ઉપસ્થિત અમારા સૌ વડીલો અને મિત્રો, અમારા આમંત્રણને માન આપીને આપ સૌ પધાર્યા એ બદલ અમે ત્રણેય બહેનો આપ સૌના ખૂબ ખૂબ આભારી છીએ. હવે સમય છે, અમારા મમ્મી-પપ્પા માટે અમે ત્રણેય બહેનો તરફથી એક નાનકડી ભેટનો. પણ એ માટે મારે આપ સૌને બહાર લોનમાં આવવાની વિનંતી કરવી પડશે.”

“આ વળી શું નવું છે પ્રિયા?” વિરેનભાઈએ ધીમેથી દીકરીના કાનમાં પૂછ્યું. જવાબમાં મીરાએ હસીને કહ્યું, “તમે ચાલો તો ખરા પપ્પા, તમારી આંખોથી જ જોઈ લો.” ત્રણેય બહેનો એકબીજાને આંખોથી ઈશારા કરીને રહસ્યમય રીતે હસી રહી હતી.

સૌ મહેમાનો કુતૂહલવશ હોલની બહાર લોનમાં આવ્યા. અને ત્યાં જ બધાની નજર સામે, લાલ રિબનથી શણગારેલી, ચાંદની જેવી ચમકતી એક નવી નક્કોર, મોટી કાર ઊભી હતી! બધા મહેમાનો આશ્ચર્ય અને આનંદ સાથે તાળીઓથી વધાવવા લાગ્યા, “વાહ ભાઈ વાહ! દીકરીઓ હોય તો આવી! કમાલ કરી દીધી!”

અંજલિએ માઈક લઈને હસીને કહ્યું, “પપ્પા, માનીએ છીએ કે તમારા જૂના સ્કૂટર જેવી મજા તો આ નહીં આપે, પણ હવે આપણે બધા એ સ્કૂટર પર એકસાથે બેસી પણ ન શકીએ ને! એટલે આજથી આપણી સવારી આમાં.” અંજલિની વાત સાંભળી સૌ મહેમાનો ફરી હસી પડ્યા.

રાધિકાબેન અને વિરેનભાઈની આંખોમાં હર્ષના આંસુ હતા. એમનું માથું આજે ગર્વથી ઊંચું હતું. સૌએ ફરી ફરીને એમને અભિનંદન આપ્યા અને દીકરીઓની પ્રશંસા કરી.

સવિતાબેન પણ છેવટે અભિનંદન આપવા નજીક ગયા, થોડા સંકોચ સાથે બોલ્યા, “ખૂબ ખૂબ અભિનંદન હો દિયરજી! દીકરીઓએ તો કમાલ કરી, નવી ગાડી ભેટ આપી દીધી! હવે બીજું શું જોઈએ?”

વિરેનભાઈએ એ જ સૌમ્ય સ્મિત સાથે, પણ આજે અવાજમાં એક નવી ખુમારી સાથે કહ્યું, “સાચું કહ્યું ભાભી, હવે બીજું શું જોઈએ? જ્યારે ભગવાને આવી દીકરીઓ આપી હોય! મેં કહ્યું હતું ને ભાભી, દીકરીઓ પોતાનું ભાગ્ય જાતે લખીને આવે છે. અહીં તો જુઓ, આ ત્રણેયે તો મારું ભાગ્ય પણ સોનાના અક્ષરે લખી દીધું! મને સ્કૂટરમાંથી ઉઠાડીને સીધો કારમાં બેસાડી દીધો!”

પોતાના દિયરના આત્મવિશ્વાસથી ભરેલા શબ્દો સાંભળી સવિતાબેનની નજર બાજુમાં જ ઉભા રહીને આઈસ્ક્રીમની મજા લેવામાં અને મોબાઈલમાં વ્યસ્ત પોતાના જુવાનજોધ, પણ બેફિકર દીકરાઓ તરફ ગઈ. એક ક્ષણ માટે એમને પોતાના દીકરાઓ સાવ નમાલા લાગ્યા. આજે ‘દીકરાની મા’ હોવાનો એમનો વર્ષો જૂનો અહંકાર અને ગર્વ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.