બે દીકરી પછી ત્રીજી દીકરી આવી એટલે પિતાએ પાર્ટી રાખી તેમાં તેના જ ભાભીએ કહ્યું અરે દિયરજી ત્રીજી દીકરીના જન્મને પણ ઉત્સવ ગણવાનો? હવે તો બસ...

ત્રીજી દીકરીના જન્મની ખુશીમાં ઘરે નાનકડો મેળાવડો હતો. રસોડામાં ગરમાગરમ ભજીયાની સુગંધ પ્રસરી રહી હતી અને મહેમાનોની હળવી વાતોનો ગુંજારવ વાતાવરણમાં ભળતો હતો. પોતાના બે દીકરાઓ પર ફૂલાતી સવિતાબેન, ચાનો કપ રકાબીમાં રેડતાં, જરા તિરસ્કાર ભળેલા અવાજે પોતાના દિયર વિરેનભાઈ તરફ ફરીને બોલ્યા, "કેમ દિયરજી, આ ત્રીજી કન્યાના જન્મને વળી કયો ઉત્સવ ગણવાનો? હવે તો બસ, કરિયાવર ભેગો કરવા માંડો તો સારું, નહીંતર પાછળથી દોડાદોડી થશે."

વિરેનભાઈના ચહેરા પર સૌમ્ય સ્મિત ફરક્યું. એમણે ભાભીની થાળીમાં પીરસાતા ગરમાગરમ ગોટા તરફ નજર રાખીને જ કહ્યું, "અરે ભાભી! તમે શા માટે ચિંતા કરો છો? ઘરમાં લક્ષ્મી પધાર્યા છે, એ ખુશી સૌ સાથે વહેંચવી તો પડે ને! અને દીકરીઓ તો પોતાનું ભાગ્ય લઈને જ જન્મે છે, એ તો ઘરને ઉજાળે."

સવિતાબેન હોઠ મચકોડીને મૌન રહ્યા, પણ એમનું મન તો હરખાતું હતું કે દિયરને ત્યાં સતત ત્રીજી વાર પણ દીકરી જ અવતરી. પોતાને બે દીકરા હોવાનો ગર્વ એમના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.

થોડા દિવસોમાં મહેમાનો પોતપોતાના ઘરે ગયા. હવે ઘરમાં વિરેનભાઈ, એમના પત્ની રાધિકાબેન અને એમની ત્રણ લાડકવાઈ દીકરીઓ – મોટી મીરા, વચલી અંજલિ અને સૌથી નાની, જેનું નામ સૌએ મળીને પ્રિયા પાડ્યું હતું – જ હતાં.

સમયનું ચક્ર પોતાની ગતિએ ફરતું રહ્યું. વિરેનભાઈ અને રાધિકાબેનની ત્રણેય દીકરીઓ એકથી એક ચડિયાતી નીવડી. ભણવામાં તેજસ્વી, ઘરકામમાં માતાને મદદ કરવામાં હંમેશા તત્પર. એમની બનાવેલી સુંદર કલાકૃતિઓથી ઘરની દીવાલો શોભતી અને અભ્યાસ તથા અન્ય પ્રવૃત્તિઓમાં જીતેલા અસંખ્ય મેડલ અને ટ્રોફીઓથી કબાટ છલકાતા. દીકરીઓની મીઠી કિલકારીઓ અને નિર્દોષ હાસ્યથી વિરેનભાઈ અને રાધિકાબેનનું નાનકડું ઘર સ્વર્ગ સમાન લાગતું.

પણ સવિતાબેન તક મળે ત્યારે રાધિકાબેનને ટોણો મારવાનું ચૂકતા નહીં, "જો રાધિકા, તારી છોકરીઓ ભલે આકાશના તારા તોડી લાવે, પણ યાદ રાખજે, પરણાવતી વખતે કરિયાવર તો ગણી જ દેવો પડશે. કંઇ ભેગું કરવાનું શરૂ કર્યું કે હજી હવામા જ છો?"

રાધિકાબેન જેઠાણીની આવી વાતોથી ક્યારેક ચિંતિત થઈ જતાં, ત્યારે વિરેનભાઈ એમને હિંમત આપતા, "રાધિકા, તું ચિંતા ન કર. દીકરીઓ પોતાનું નસીબ લઈને જ આવી છે. આપણું કામ તો એમને યોગ્ય સંસ્કાર અને શિક્ષણ આપી સાચો રસ્તો બતાવવાનું છે. પછી જોજે, કોઈ દીકરાવાળા કરતાં આપણને જરાય ઓછું સુખ નહીં આપે આપણી આ ત્રણ દેવીઓ."

જ્યારે કોઈ પરિચિત પૂછતું, "વિરેનભાઈ, ક્યાં સુધી આમ ભાડાના મકાનમાં રહેશો? પોતાનું ઘર બનાવવાનો વિચાર નથી?" ત્યારે વિરેનભાઈ ગર્વથી હસીને કહેતા, "ભાઈ, જ્યારે મારી દીકરીઓ પોતાના પગ પર ઊભી રહી જશે, ત્યારે સમજો મારું મકાન પણ બની ગયું. હાલ તો મારે ઈંટોના મકાન કરતાં મારી દીકરીઓનું ભવિષ્ય વધુ મજબૂત બનાવવું છે."

સમય વહેતો ગયો અને વિરેનભાઈ-રાધિકાબેનની નિષ્ઠા અને દીકરીઓની મહેનત રંગ લાવી. મોટી દીકરી મીરા ભણીગણીને એક પ્રતિષ્ઠિત બેંકમાં અધિકારી બની ગઈ, વચલી અંજલિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનીને એક મોટી ફર્મમાં જોડાઈ ગઈ, અને સૌથી નાની પ્રિયા એન્જિનિયરિંગ પૂરું કરીને દિલ્હીમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા પદ પર નોકરી કરવા લાગી.

એક દિવસ મીરાએ ફોન કરીને પોતાની મોટી મમ્મી સવિતાબેનને આમંત્રણ આપ્યું, "મોટી મમ્મી, કાલે મમ્મી-પપ્પાની લગ્નની વર્ષગાંઠ છે, એટલે અમે ત્રણેય બહેનોએ એક નાનકડી પાર્ટી ગોઠવી છે. તમે બધા કાકા-કાકી અને ભાઈઓ સાથે સમયસર જરૂરથી આવી જજો."

ત્રણેય બહેનોએ ખૂબ જ ઉત્સાહ અને પ્રેમથી બધી તૈયારીઓ કરી હતી. શહેરના એક શ્રેષ્ઠ બેન્ક્વેટ હોલ બુક કરાવ્યો હતો. જમવાના મેનુમાં પણ મમ્મી-પપ્પાની પસંદગીની વાનગીઓ ચીવટપૂર્વક પસંદ કરી હતી. અને મમ્મી-પપ્પા માટેની ભેટ – એ તો બધા માટે એક મોટું આશ્ચર્ય હતું!

પાર્ટીના દિવસે સવારે પ્રિયા પણ ખાસ દિલ્હીથી આવી પહોંચી. પ્રિયાના આવવાથી ઘરમાં જાણે નવી રોનક આવી ગઈ. આવતાં વેંત જ એણે માને વહાલથી કહ્યું, "અરે મમ્મી! આ શું? વાળમાં થોડી સફેદી દેખાવા લાગી છે. આમ જ આવીશ પાર્ટીમાં?" રાધિકાબેન થોડા શરમાઈને હસી પડ્યા, "બેટા, મને ત્યાં કોણ જોવાનું છે? હવે તો તમારા લોકોના દિવસો છે." "ના મમ્મી, એમ થોડું ચાલે! ચાલો મારી સાથે, હમણાં જ પાર્લરમાં જઈએ." અને પ્રિયા લગભગ ખેંચીને જ પોતાની માને શહેરના સારા પાર્લરમાં લઈ ગઈ. હળવો મેકઅપ, વાળની સુંદર સજાવટ અને એક સુંદર સાડીમાં રાધિકાબેન જાણે દસ વર્ષ નાના લાગી રહ્યા હતા. વિરેનભાઈ માટે પણ એક શાનદાર નવો સૂટ તૈયાર હતો. સૂટ જોઈને વિરેનભાઈની આંખો લાગણીથી ભીની થઈ ગઈ. સાંજ પડતાં જ સૌ તૈયાર થઈને હોલ તરફ જવા નીકળ્યા.

હોલ મહેમાનોથી ભરાઈ ગયો હતો. વાતાવરણ ખુશનુમા હતું. સૌની શુભેચ્છાઓ અને આશીર્વાદ સ્વીકારીને વિરેનભાઈ અને રાધિકાબેને એકબીજાને પ્રેમથી હાર પહેરાવ્યા અને કેક કાપીને એકબીજાને ખવડાવી. દરેક જણ વિરેનભાઈ અને રાધિકાબેનના નસીબની અને એમની દીકરીઓની સફળતાની પ્રશંસા કરી રહ્યા હતા.

સવિતાબેન પણ પોતાના પતિ અને બંને દીકરાઓ સાથે આવ્યા હતા. પાર્ટીની ભવ્યતા, દિયર-દેરાણીના ચહેરા પરનો સંતોષ અને દીકરીઓની સિદ્ધિ જોઈને સવિતાબેનનું હૃદય ઈર્ષ્યાની આગમાં બળી રહ્યું હતું. આજે એમને પહેલીવાર તીવ્રપણે અહેસાસ થઈ રહ્યો હતો કે દિયરની દીકરીઓ હોવા છતાં જે સુખ, સંતોષ અને ગૌરવ આ છોકરીઓ એમના મા-બાપને આપી રહી હતી, તે સુખ એમના બંને 'લાડકા' દીકરાઓએ ન તો ક્યારેય આપ્યું હતું, ન ભવિષ્યમાં આપી શકશે તેવી કોઈ નિશાની દેખાતી હતી.

ત્યાં જ પ્રિયાએ માઈક હાથમાં લીધું અને મધુર સ્વરે કહ્યું, "અહીં ઉપસ્થિત અમારા સૌ વડીલો અને મિત્રો, અમારા આમંત્રણને માન આપીને આપ સૌ પધાર્યા એ બદલ અમે ત્રણેય બહેનો આપ સૌના ખૂબ ખૂબ આભારી છીએ. હવે સમય છે, અમારા મમ્મી-પપ્પા માટે અમે ત્રણેય બહેનો તરફથી એક નાનકડી ભેટનો. પણ એ માટે મારે આપ સૌને બહાર લોનમાં આવવાની વિનંતી કરવી પડશે."

"આ વળી શું નવું છે પ્રિયા?" વિરેનભાઈએ ધીમેથી દીકરીના કાનમાં પૂછ્યું. જવાબમાં મીરાએ હસીને કહ્યું, "તમે ચાલો તો ખરા પપ્પા, તમારી આંખોથી જ જોઈ લો." ત્રણેય બહેનો એકબીજાને આંખોથી ઈશારા કરીને રહસ્યમય રીતે હસી રહી હતી.

સૌ મહેમાનો કુતૂહલવશ હોલની બહાર લોનમાં આવ્યા. અને ત્યાં જ બધાની નજર સામે, લાલ રિબનથી શણગારેલી, ચાંદની જેવી ચમકતી એક નવી નક્કોર, મોટી કાર ઊભી હતી! બધા મહેમાનો આશ્ચર્ય અને આનંદ સાથે તાળીઓથી વધાવવા લાગ્યા, "વાહ ભાઈ વાહ! દીકરીઓ હોય તો આવી! કમાલ કરી દીધી!"

અંજલિએ માઈક લઈને હસીને કહ્યું, "પપ્પા, માનીએ છીએ કે તમારા જૂના સ્કૂટર જેવી મજા તો આ નહીં આપે, પણ હવે આપણે બધા એ સ્કૂટર પર એકસાથે બેસી પણ ન શકીએ ને! એટલે આજથી આપણી સવારી આમાં." અંજલિની વાત સાંભળી સૌ મહેમાનો ફરી હસી પડ્યા.

રાધિકાબેન અને વિરેનભાઈની આંખોમાં હર્ષના આંસુ હતા. એમનું માથું આજે ગર્વથી ઊંચું હતું. સૌએ ફરી ફરીને એમને અભિનંદન આપ્યા અને દીકરીઓની પ્રશંસા કરી.

સવિતાબેન પણ છેવટે અભિનંદન આપવા નજીક ગયા, થોડા સંકોચ સાથે બોલ્યા, "ખૂબ ખૂબ અભિનંદન હો દિયરજી! દીકરીઓએ તો કમાલ કરી, નવી ગાડી ભેટ આપી દીધી! હવે બીજું શું જોઈએ?"

વિરેનભાઈએ એ જ સૌમ્ય સ્મિત સાથે, પણ આજે અવાજમાં એક નવી ખુમારી સાથે કહ્યું, "સાચું કહ્યું ભાભી, હવે બીજું શું જોઈએ? જ્યારે ભગવાને આવી દીકરીઓ આપી હોય! મેં કહ્યું હતું ને ભાભી, દીકરીઓ પોતાનું ભાગ્ય જાતે લખીને આવે છે. અહીં તો જુઓ, આ ત્રણેયે તો મારું ભાગ્ય પણ સોનાના અક્ષરે લખી દીધું! મને સ્કૂટરમાંથી ઉઠાડીને સીધો કારમાં બેસાડી દીધો!"

પોતાના દિયરના આત્મવિશ્વાસથી ભરેલા શબ્દો સાંભળી સવિતાબેનની નજર બાજુમાં જ ઉભા રહીને આઈસ્ક્રીમની મજા લેવામાં અને મોબાઈલમાં વ્યસ્ત પોતાના જુવાનજોધ, પણ બેફિકર દીકરાઓ તરફ ગઈ. એક ક્ષણ માટે એમને પોતાના દીકરાઓ સાવ નમાલા લાગ્યા. આજે 'દીકરાની મા' હોવાનો એમનો વર્ષો જૂનો અહંકાર અને ગર્વ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team