છોકરા-છોકરીઓમાં સંસ્કાર ન હોય, તેઓ બગડે તો એમાં વાંક કોનો? વાંચો આ કડવું સત્ય!
જે વ્યક્તિ પોતાના સંતાનને માત્ર સંપત્તિનો જ વારસો આપે છે, અને સંસ્કારનો વારસો નથી આપતા તે સંતાન માટે ઘાતક સાબિત થાય છે. મહેનત વિના મળેલી સંપત્તિ, પરિશ્રમ કર્યા વિના પ્રાપ્ત કરેલો પરિગ્રહ સંતાનોના જીવનને બગાડી નાખે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આપણા શાસ્ત્રોમાં ધન ની ચાર ગતી બતાવવામાં આવી છે. દાન, ભોગ, સંગ્રહ અને વિનાશ. જે વ્યક્તિ સુપાત્રને દાન આપે, ગરીબને ભોજન આપે, ગૌશાળા પાંજરાપોળ વગેરેમાં દાન કરે તે ધનનો સદ્ઉપયોગ થયો કહેવાય, પોતાના માટે જે ધન વાપરે, મોજશોખમાં ઉડાવે તે ભોગ, તિજોરીમાં ભરી રાખે અને વ્યસનમાં વેડફાઈ તે નાશ.
કહેવાનું તાત્પર્ય એ છે કે બાળપણથી બાળકોને સારા ખોરાકની સાથે સારું ચારિત્ર આપવું એ પણ એટલું જ જરૂરી છે. ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે પાણી માગે ત્યાં દૂધ હાજર થતું હોય એવા પરિવાર ના છોકરા ચોરી કરતા ઝડપાય છે.
શ્રીમંત પરિવારના નબીરાઓ કેટલાય ગુનાઓ આચરે છે. આની પાછળ ખોટા લાડકોડ તથા યોગ્ય સંસ્કાર સિંચન નો અભાવ છે. આ માટે બાળકોને યોગ્ય સમય આપો, તેની સંગતિ પર નજર રાખો, જ્યાં તેની ભૂલ જણાય ત્યાં તેને રોકો, જરૂર પડે તો તેના પ્રત્યે કડક વલણ દાખવો. સંતાનોને વારસામાં થઇ શકો તો કાંઈ નહીં પરંતુ એવા સંસ્કાર તો અવશ્ય દેજો કે જેની જીંદગી હકીકતમાં યાદગાર જિંદગી બની જાય.
~ પારુલબેન બી. ગાંધી.