તમારા વિરોધીઓથી અલગ કેવી રીતે બનવું? 40 સેકન્ડની આ વાત વાંચજો
અમેરિકા ખંડ શોધનાર કોલંબસની આ વાત છે. લાંબી યાત્રાએથી પાછા ફર્યા પછી તેનું દરેક જગ્યાએ ખૂબ જ બહુમાન થતું હતું. સ્પેન તેમ જ પોર્ટુગલના રાજવી ખાનદાનો તરફથી પણ એને ખાસ માન મળવા લાગ્યું. આ બધું તેના વિરોધીઓ થી જોવાતું નહોતું અને ઈર્ષાના માર્યા તેઓ કહેતા હતા કે કોલમ્બસે થોડી નવી જમીન શોધી લીધી, એમાં ક્યાં મોટું તીર માર્યું છે? જમીન તો ત્યાં પહેલેથી જ હતી, ખાલી વહાણ લઇને તે ત્યાં ગયો, જમીન જોઈને પાછો ફર્યો! એમાં એણે કેવું ગયું મોટું સાહસ કર્યું કે પરાક્રમ કર્યું?
અને કોલંબસના વિરોધીઓનો આ ચણભણાટ રાજવી ખાનદાન સુધી પહોંચ્યો. આથી એક વાર આ ખાનદાને કોલંબસના માનમાં પાર્ટી ગોઠવી. ત્યારે જમતા જમતા અચાનક રાજાએ બધાને સંબોધીને કહ્યું કે તમારામાંથી કોઈ ઇંડાને ટેબલ ઉપર સીધું ઉભુ રાખી શકે એમ છે?
એ પાર્ટીમાં કોલંબસના વિરોધીઓ એવા અમીર-ઉમરાવો અને સેનાપતિઓ પણ હાજર હતા એ બધાએ ઇંડાને ટેબલ ઉપર સીધું રાખવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ એમાં કોઈને સફળતા મળી નહીં અને કોઈ ઈંડુ સીધું ઊભું રાખી શક્યુ નહિ.
આ દરમિયાન રાજાએ કોલંબસ સામે જોયું. કોલંબસે ઈંડુ હાથમાં લીધું અને એના એક છેડાને હળવેથી ટેબલ સાથે અથડાવ્યું. જેના પરિણામે ઈંડાના એ ભાગ ઉપર સહેજ ખાડો પડી ગયો અને ત્યાં રહેલી ગોળ સપાટી સીધી થઇ ગઈ. આથી પછી એ ભાગ ઉપર ઇંડુ ઊભું રાખી દીધું.
આ જોઈને પાર્ટીમાં ગણગણાટ વ્યાપી ગયો. અને કોઈએ તો એમ પણ કહી દીધું કે આ રીતે તો કોઈ માણસ, અરે માણસ નહિ કોઈ પણ નાનું બાળક પણ ઈંડા ને ટેબલ ઉપર ઊભું રાખી શકે!