દીકરો જ્યારે પણ ગામડે જતો ત્યારે પિતા એસી ચાલુ કરવાની ના પાડતા, એક દિવસ અચાનક ઘરે આવીને ડાયરી ખોલી તો...

આજકાલની ભાગદોડ વાળી જિંદગીમાં સંબંધો પાછળ છુપાયેલી લાગણીઓને સમજવામાં આપણે ઘણીવાર થાપ ખાઈ જતા હોઈએ છીએ. આવું જ કંઈક અમદાવાદમાં પોતાની નવી કંપની શરૂ કરનાર આલોક સાથે બની રહ્યું હતું. આલોક એક હોંશિયાર અને મહત્વાકાંક્ષી યુવાન હતો. તેને ભણી-ગણીને સખત મહેનત કરીને શહેરમાં પોતાનો એક અલગ બિઝનેસ સેટ કર્યો હતો. શરૂઆતના દિવસોમાં કોઈપણ ધંધામાં તકલીફ પડે, તેમ આલોકને પણ પૈસાની ભારે તંગી વર્તાઈ રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેની કંપનીના ખાતામાં દર મહિને એક મોટી રકમ અનામી મદદ તરીકે જમા થતી હતી, જેના કારણે તેનો ધંધો બંધ થતા બચી ગયો હતો. આલોક આ અજ્ઞાત મદદગાર વિશે ઘણું જાણવા માંગતો હતો, પણ કોઈ પતો નહોતો મળતો.

આલોકના પિતા, રમણભાઈ, ગામડે એકલા જ રહેતા હતા. આલોકની માતાનું અવસાન વર્ષો પહેલાં થઈ ચૂક્યું હતું. રમણભાઈએ ખૂબ જ મુશ્કેલીઓ વેઠીને આલોકને ભણાવ્યો હતો. હવે જ્યારે આલોક શહેરમાં સ્થાયી થઈ ગયો હતો, ત્યારે તે મહિના-બે મહિનામાં એકાદ વાર પિતાને મળવા ગામડે જતો હતો. ગામડાનું ઘર ઘણું મોટું હતું અને આલોકે પિતાની સગવડ માટે ઘરમાં એક મોંઘું એસી પણ નખાવી દીધું હતું, જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં તેના વૃદ્ધ પિતાને કોઈ તકલીફ ન પડે.

પરંતુ આલોક જ્યારે પણ ગામડે જતો, ત્યારે એક જ સરખી ઘટના બનતી. મે કે જૂન મહિનાની ધોમધખતી ગરમી હોય, બપોરે બહાર લૂ વાતી હોય, છતાં રમણભાઈ ઘરમાં એસી ચાલુ કરવાની ચોખ્ખી ના પાડી દેતા. આલોક રૂમમાં જઈને એસીનું રિમોટ હાથમાં લે કે તરત જ રમણભાઈ પાછળથી બોલતા, "બેટા, એસી ચાલુ ના કરતો. મારી ઉંમર થઈ ગઈ છે ને, એટલે એસીની હવા વહેલી સવારે કે બપોરે વાગે તો મારા સાંધાનો દુખાવો વધી જાય છે. મને આ પંખાની હવા જ અનુકૂળ આવે છે."

શરૂઆતમાં આલોકે આ વાત સહજતાથી લીધી. પણ દર વખતે આવું જ બનતું. આલોકને થતું કે આટલી ગરમીમાં પંખાના ગરમ પવનમાં પિતા કેવી રીતે રહી શકતા હશે. ધીમે-ધીમે આલોકના મનમાં એક નકારાત્મક વિચાર ઘર કરવા લાગ્યો. તેને લાગ્યું કે પિતા નકામો સાંધાના દુખાવાનો બહાનુ કાઢે છે, અસલમાં તેઓ લાઈટ બિલ બચાવવા માંગે છે. આલોક મનમાં ને મનમાં વિચારતો કે પિતા ઉંમર વધવાની સાથે સાવ કંજૂસ થઈ ગયા છે. શહેરમાં લોકો એસી વગર રહી શકતા નથી અને અહીં પિતા પાસે બધી સગવડ હોવા છતાં લાઈટ બિલના થોડા રૂપિયા બચાવવા માટે ગરમી સહન કરે છે. એક બે વાર તો આલોકે ગુસ્સામાં કહી પણ દીધું, "પપ્પા, એસીનું બિલ હું ચૂકવી દઈશ, તમે શું કામ આટલી ચિંતા કરો છો?" છતાં રમણભાઈ હસીને વાત ટાળી દેતા અને કહેતા કે ના બેટા, પૈસાની વાત નથી પણ મને સાચે જ સાંધા દુખે છે.

સમય પસાર થતો ગયો. એક દિવસ આલોકને અમદાવાદમાં ઓફિસના કામથી અચાનક જ બાજુના ગામમાં આવવાનું થયું. કામ પતાવીને તેને વિચાર્યું કે નજીક જ ગામ છે તો પિતાને મળતો જાઉં. તેને પિતાને ફોન કરીને જાણ નહોતી કરી, કારણ કે તે તેમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. બપોરના બરાબર બે વાગ્યા હતા. આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હતા. આલોક પોતાની ગાડી લઈને ગામના ઘર આગળ આવીને ઊભો રહ્યો.

ઘરનો મુખ્ય દરવાજો સહેજ ખુલ્લો હતો. આલોક હળવેકથી ઘરમાં પ્રવેશ્યો. તેને વિચાર્યું કે પિતા પોતાના રૂમમાં આરામ કરતા હશે. તે શાંત પગલે રમણભાઈના રૂમ તરફ ગયો. રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. આલોકે અંદર નજર કરી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

રૂમમાં એસી તો બંધ હતું જ, પણ આ ધોમધખતા તાપમાં છત પરનો પંખો પણ સાવ બંધ હતો. રમણભાઈ પલંગ પર સૂતા હતા. તેમનું આખું શરીર પરસેવાથી રેબઝેબ હતું. ગરમીના કારણે તેમનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો. તેઓ પલંગ પર પડખા ફેરવી રહ્યા હતા અને બાજુમાં પડેલા હાથ પંખાથી પોતાની જાતને હવા નાખવાનો નકામો પ્રયત્ન કરી રહ્યા હતા.

આ દ્રશ્ય જોઈને આલોક સ્તબ્ધ થઈ ગયો. તેના મગજમાં એક જ સવાલ ઘૂમવા લાગ્યો કે જો પિતાને સાચે જ સાંધાનો દુખાવો થતો હોય અને એસી નડતું હોય, તો પંખો કેમ બંધ રાખ્યો છે? પંખાની હવાથી તો કોઈને સાંધાનો દુખાવો ન થાય. આલોકને સમજાઈ ગયું કે પિતા તેની સામે કોઈ મોટું જૂઠું બોલી રહ્યા હતા. તે રૂમમાં ગયો અને મોટેથી બોલ્યો, "પપ્પા! આ શું છે? આટલી ગરમીમાં પંખો પણ બંધ રાખીને કેમ સૂતા છો?"

પિતા અચાનક દીકરાનો અવાજ સાંભળીને ઝબકીને જાગી ગયા. દીકરાને અચાનક સામે જોઈને તેઓ થોડા ગભરાઈ ગયા અને પરસેવો લૂછતા લૂછતા બોલ્યા, "અરે આલોક તું? વગર કહ્યે અચાનક આવી ગયો? ના બેટા, એ તો બપોરે પંખાનો અવાજ બહુ આવતો હતો ને, એટલે મેં બંધ કરી દીધો. મને કાંઈ ગરમી નથી લાગતી."

આલોક હવે પિતાની કોઈ વાત માનવા તૈયાર નહોતો. તેને લાગ્યું કે પિતા પોતાની કંજૂસાઈની હદ વટાવી રહ્યા છે. તે ગુસ્સામાં બાજુના ટેબલ પર હાથ પછાડવા ગયો ત્યાં તેનું ધ્યાન ટેબલના ખાનામાં રહેલી એક નાની, જૂની ડાયરી પર ગયું. આ ડાયરી રમણભાઈ હંમેશા પોતાની પાસે રાખતા હતા. આલોકે તરત જ એ ડાયરી હાથમાં લઈ લીધી. રમણભાઈએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, "બેટા, એ ડાયરીમાં કાંઈ નથી, તું એને રહેવા દે." પણ આલોકે સાંભળ્યું નહીં. તેને ડાયરીના પાના ફેરવવાનું શરૂ કર્યું.

ડાયરીના પાનાઓ પર જે લખેલું હતું તે વાંચીને આલોકના હોશ ઊડી ગયા. તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ડાયરીમાં છેલ્લા આઠ મહિનાનો હિસાબ લખેલો હતો. રમણભાઈએ એક જગ્યાએ લખ્યું હતું:

"આ મહિને એસી અને પંખો સાવ બંધ રાખ્યા, એટલે લાઈટ બિલ માત્ર ૨૦૦ રૂપિયા આવ્યું. પેન્શનના પૈસા અને આ બચત મળીને કુલ ૧૫,૦૦૦ રૂપિયા ભેગા થયા છે. આલોકની નવી કંપની હજી બરાબર ચાલતી નથી, તેને પૈસાની બહુ જરૂર હશે. જો હું તેને સીધા પૈસા આપીશ તો તેનો અહંકાર ઘવાશે અથવા તે લેવાની ના પાડશે. એટલે આ પૈસા દર મહિનાની જેમ કોઈ અનામી માણસના નામે તેની કંપનીના બેંક ખાતામાં જમા કરાવી દીધા છે. મારો દીકરો શહેરમાં એકલો લડી રહ્યો છે, તેને ક્યારેય એવું ન લાગવું જોઈએ કે તેની પાછળ કોઈ નથી. ભલે મને થોડી ગરમી સહન કરવી પડે, પણ મારો આલોક ક્યારેય નિરાશ ન થવો જોઈએ."

આલોક આગળ વાંચી ન શક્યો. ડાયરી તેના હાથમાંથી છૂટી ગઈ. જે પિતાને તે દિવસ-રાત કંજૂસ સમજતો હતો, જે પિતાના સાંધાના દુખાવાના બહાનાને તે લાઈટ બિલ બચાવવાની રમત ગણતો હતો, તે પિતા પોતાની આખી જિંદગીની બચત અને પોતાના શરીરને કષ્ટ આપીને દર મહિને તેને અનામી મદદ મોકલતા હતા. શહેરમાં બેસીને આલોક જે અજ્ઞાત મદદગારને શોધી રહ્યો હતો, તે બીજું કોઈ નહીં પણ ધોમધખતા તાપમાં પંખા વગર સૂતેલા તેના પોતાના વૃદ્ધ પિતા હતા.

આલોકની સંકુચિત માનસિકતા પર તેને આજે સખત શરમ આવી રહી હતી. તે ધ્રુજતા પગે પિતા પાસે ગયો અને સીધો તેમના પગમાં પડી ગયો. પિતાના પગ પકડીને તે નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

રમણભાઈએ તરત જ દીકરાને ઊભો કર્યો અને પોતાના ગળે લગાવી દીધો. આલોકે રડતા રડતા કહ્યું, "પપ્પા, મને માફ કરી દો. હું તમને ઓળખવામાં ભૂલ કરી બેઠો. હું તમને કંજૂસ સમજતો રહ્યો, પણ તમે તો મારા માટે ભગવાનથી પણ ઉપર નીકળ્યા. મને આવા પૈસા નથી જોઈતા પપ્પા, તમે પંખો અને એસી ચાલુ કરો, પ્લીઝ."

રમણભાઈએ આલોકના આંસુ લૂછ્યા અને હસતા હસતા કહ્યું, "બેટા, માતા-પિતા માટે સંતાનની સફળતાથી મોટું કોઈ સુખ નથી હોતું. તારી કંપની ચાલુ રહે અને તું ખુશ રહે, એની સામે આ ગરમી તો કાંઈ જ નથી."

આજે આલોકને સમજાઈ ગયું હતું કે માતાપિતાની કરકસર કે કંજૂસાઈ પાછળ પણ માત્ર ને માત્ર સંતાનનું જ હિત અને તેનો જ વિચાર છુપાયેલો હોય છે. તેઓ પોતે કષ્ટ વેઠીને પણ સંતાનોના જીવનને સુખમય બનાવવાનો પ્રયત્ન કરે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.