બીજાની ભૂલો શોધનારા લોકો માટે આંખ ઉઘાડતી વાર્તા, જ્યારે કલાકારે કાગળ પર એક લાઇન લખી...
ગામના પાદરેથી પસાર થતી નદી અને આજુબાજુના પહાડો કોઈપણ માણસનું મન મોહી લે તેવા હતા. આ જ ગામના એક નાના ખૂણામાં આવેલા ઘરમાં સમર રહેતો હતો. સમર વ્યવસાયે એક ચિત્રકાર હતો. એની કૂંચીમાં એવો જાદુ હતો કે જ્યારે એ કેનવાસ પર રંગો પૂરતો ત્યારે એવું લાગતું જાણે નિર્જીવ ચિત્ર હમણાં જ બોલી ઉઠશે. સમર માટે ચિત્રકામ એ માત્ર એનો વ્યવસાય નહોતો, પણ એના આત્માનો અવાજ હતો. તે કલાકો સુધી પોતાની ઓરડીમાં બેસીને અવનવા ચિત્રો બનાવતો અને એમાં પોતાના ભાવો રેડતો હતો.
ગામના લોકો સમરની કલાના વખાણ તો કરતા, પણ એની કદર કરનારા બહુ ઓછા હતા. મોટાભાગના લોકો એના ચિત્રોમાં કોઈને કોઈ નાની ખામી શોધી કાઢવામાં જ પોતાની હોશિયારી સમજતા હતા. કોઈ કહેતું કે આમાં રંગ બરાબર નથી, તો કોઈ કહેતું કે આ ચહેરો થોડો ત્રાસો છે. સમર આ બધી વાતો બહુ ધ્યાનથી સાંભળતો અને મનોમન વિચારતો કે માણસની નજર હંમેશા ભૂલો તરફ જ કેમ વહેલી જાય છે. એક દિવસ સમરના મનમાં એક અનોખો વિચાર આવ્યો. એણે નક્કી કર્યું કે આ વખતે તે પોતાની જિંદગીનું સર્વશ્રેષ્ઠ ચિત્ર બનાવશે અને લોકોની માનસિકતાની પરીક્ષા લેશે.
એણે સલંગ એક મહિના સુધી દિવસ-રાત જોયા વગર મહેનત કરી. મોડી રાત સુધી એના રૂમનો દીવો બળતો રહેતો. તે ભૂખ અને તરસ ભૂલીને બસ એ ચિત્રને પૂર્ણ કરવામાં ડૂબેલો રહ્યો. એ ચિત્ર એક કુદરતી દ્રશ્યનું હતું, જેમાં વહેલી સવારનો સૂર્ય પહાડોની પાછળથી ડોકિયું કરી રહ્યો હતો. નદીના પાણીમાં સૂર્યના કિરણો સોનાની જેમ ચમકી રહ્યા હતા અને કિનારે ઉભેલા વૃક્ષો પર પક્ષીઓ કલરવ કરી રહ્યા હોય તેવો આભાસ થતો હતો. જેણે પણ આ ચિત્ર જોયું હોત, તે મંત્રમુગ્ધ થઈ ગયું હોત. સમરે પોતે જ્યારે ચિત્ર પૂરું કર્યું ત્યારે એની આંખોમાં સંતોષના આસુ હતા.
બીજા દિવસે વહેલી સવારે સમર એ અદ્ભુત ચિત્ર લઈને ગામના સૌથી વ્યસ્ત એવા ચાર રસ્તા પર પહોંચ્યો. ત્યાં બજારની અધવચ્ચે એણે એક મોટું સ્ટેન્ડ મૂક્યું અને તેના પર એ ચિત્ર ગોઠવી દીધું. ચિત્રની બાજુમાં એણે લાલ રંગના સ્કેચપેન લટકાવ્યા અને નીચે મોટા અક્ષરે એક બોર્ડ મારી દીધું. એ બોર્ડ પર લખ્યું હતું કે, "મેં આ ચિત્ર મારી પૂરી મહેનતથી બનાવ્યું છે, પણ હું હજુ શીખી રહ્યો છું. જે કોઈ વટેમાર્ગુ કે નગરજનને આ ચિત્રમાં જ્યાં પણ કોઈ નાની કે મોટી ભૂલ દેખાય, ત્યાં કૃપા કરીને આ લાલ પેનથી નિશાની એટલે કે લીટો કરી દેજો, જેથી હું મારી ભૂલ સુધારી શકું."
ચિત્ર મૂકીને સમર ત્યાંથી થોડે દૂર એક દુકાનના ઓટલા પર જઈને બેસી ગયો અને લોકોની અવરજવર જોવા લાગ્યો. વહેલી સવારે જ્યારે બજાર ખૂલી ત્યારે લોકો ચાર રસ્તે એકઠા થવા લાગ્યા. શરૂઆતમાં બે-ચાર જણાએ ચિત્ર જોયું અને લખાણ વાંચ્યું. પેલા લોકોએ તરત જ પેન ઉપાડી અને ચિત્રના એક ખૂણામાં લીટો કરી દીધો. બસ, ત્યાર પછી તો જાણે સિલસિલો શરૂ થઈ ગયો. જે પણ માણસ ત્યાંથી પસાર થતો, તે ચિત્રને આખું જોવાની તકલીફ લીધા વગર સીધો જ પેન હાથમાં પકડતો અને પોતાની હોશિયારી બતાવવા ચિત્ર પર લાલ લીટા તાણી દેતો.
બપોર થતા સુધીમાં તો ચાર રસ્તે ભારે ભીડ જામી ગઈ હતી. લોકો એકબીજાને ધક્કા મારીને પણ ભૂલો શોધવામાં મશગૂલ હતા. કોઈ કહેતું કે સૂર્યનો આકાર ગોળ નથી એટલે ત્યાં લીટો કરો, તો કોઈ કહેતું કે ઝાડના પાંદડા આવા ન હોય એટલે ત્યાં આખી લાઇન દોરી દીધી. સરકારી ઓફિસે જતા ક્લાર્કથી માંડીને શાકભાજી વેચનારા સુધીના દરેક માણસે પોતાની જાતને કલાના બહુ મોટા પારખુ સમજીને ચિત્રની દુર્દશા કરવામાં કશું બાકી ન રાખ્યું. સમર દૂર બેઠો બેઠો આ બધું જોઈ રહ્યો હતો. એનું હૃદય અંદરથી રડી રહ્યું હતું, પણ એણે પોતાના ચહેરા પરના ભાવો કાબૂમાં રાખ્યા હતા.
સાંજ પડી અને અંધારું થવા આવ્યું એટલે બજાર સકેલાવા લાગી. સમર ધીમા પગલે પોતાના ચિત્ર પાસે ગયો. જ્યારે એણે ચિત્રની સ્થિતિ જોઈ ત્યારે એ સ્તબ્ધ થઈ ગયો. જે ચિત્રને એણે એક મહિનાની તપસ્યાથી તૈયાર કર્યું હતું, તે અત્યારે માત્ર કાગળનો એક ચિથરેહાલ ટુકડો લાગતું હતું. આખા ચિત્ર પર હજારો લાલ લીટા તાણી દેવામાં આવ્યા હતા. ચિત્રની અસલી સુંદરતા ક્યાંય ગાયબ થઈ ગઈ હતી અને માત્ર લાલ રંગના ઘસરકા જ દેખાતા હતા. એક પણ જગ્યા એવી ખાલી નહોતી બચી જ્યાં લોકોએ ખામી ન કાઢી હોય. સમર ભારે હૈયે એ ચિત્ર લઈને પોતાના ઘરે પાછો ફર્યો.
તે આખી રાત સમર ઊંઘી ન શક્યો. એના મનમાં એક જ પ્રશ્ન ઘૂમરાતો હતો કે શું ખરેખર મારું આટલું સુંદર ચિત્ર આટલું બધું ખામીઓથી ભરેલું હતું? શું સમાજના બધા લોકો આટલા મોટા કલાકાર છે કે જેમને મારી દરેક કૂંચીમાં ભૂલ દેખાઈ? સમર ખૂબ જ નિરાશ થઈ ગયો હતો અને એણે વિચાર્યું કે હવે ક્યારેય ચિત્રકામ નહીં કરે. બીજા દિવસે સવારે એના ગુરુ અને ગામના વડીલ એવા રામદાસજી એના ઘરે આવ્યા. સમરને ઉદાસ જોઈને તેમણે કારણ પૂછ્યું. સમરે ખૂણામાં પડેલું લાલ લીટાવાળું ચિત્ર બતાવ્યું અને આખી આપવીતી કહી સંભળાવી.
રામદાસજી ચિત્ર જોઈને મરક મરક હસવા લાગ્યા. તેમણે સમરના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે, "બેટા, તું જરાય નિરાશ ન થા. તેં હજુ દુનિયાને અને માણસના સ્વભાવને પૂરો ઓળખ્યો નથી. આ લોકો ચિત્રના કે કલાના પારખુ નથી, આ તો બસ દુનિયાની એ જ જૂની માનસિકતા છે જે હંમેશા બીજામાં ખામીઓ શોધવા તૈયાર બેઠી હોય છે. તું હિંમત ન હાર, મારી વાત માન અને આ જ પ્રકારનું બિલકુલ નવું ચિત્ર ફરીથી બનાવ. પણ આ વખતે આપણે રમત થોડી બદલી નાખીશું." સમરને ગુરુની વાતમાં શ્રદ્ધા હતી, એટલે એણે ફરીથી કૂંચી હાથમાં લીધી.
સમરે ફરી એકવાર એટલી જ મહેનત અને લગનથી એવું જ બીજું અદ્ભુત કુદરતી દ્રશ્ય વાળું ચિત્ર તૈયાર કર્યું. રંગોની એ જ સુંદરતા, પ્રકાશ અને છાયાનો એ જ અદ્ભુત સમન્વય. ચિત્ર તૈયાર થઈ ગયા પછી સમર અને રામદાસજી બીજા દિવસે વહેલી સવારે ફરીથી એ જ ચાર રસ્તે પહોંચ્યા. તેમણે ચિત્રને બરાબર એ જ જગ્યાએ ગોઠવ્યું જ્યાં અગાઉનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે ચિત્રની બાજુમાં લાલ પેનની જગ્યાએ અવનવા રંગોની આખી પેલેટ, બ્રશ અને પાણીની નાની વાટકી મૂકવામાં આવી.
આ વખતે ચિત્રની નીચે મારેલા બોર્ડ પર લખાણ જુદું હતું. રામદાસજીના કહેવા પ્રમાણે બોર્ડ પર લખવામાં આવ્યું હતું કે, "આ ચિત્રમાં જો તમને ક્યાંય પણ કોઈ ભૂલ કે ખામી દેખાય, તો કૃપા કરીને બાજુમાં મૂકેલા બ્રશ અને રંગોનો ઉપયોગ કરીને તે ભૂલને તમારી રીતે સુધારી લેજો, જેથી આ ચિત્ર વધુ સુંદર બની શકે." લખાણ પૂરું કરીને સમર અને તેના ગુરુજી દૂર ઓટલા પર બેસીને લોકોની પ્રતિક્રિયાની રાહ જોવા લાગ્યા.
થોડીવારમાં બજાર ખુલી અને હંમેશાની જેમ લોકોની ભીડ જામવા લાગી. લોકો ચાર રસ્તે ઉભા રહીને ચિત્ર જોવા લાગ્યા. ગઈકાલની જેમ જ લોકોએ ઉત્સાહથી બોર્ડ તરફ નજર કરી, પણ જેવું તેમણે લખાણ વાંચ્યું કે તરત જ તેમના પગ થંભી ગયા. લોકો ચિત્રની નજીક જતા, બોર્ડ વાંચતા, ચિત્ર તરફ જોતા અને પછી ચૂપચાપ આગળ વધી જતા. જે લોકો ગઈકાલે ફટાફટ પેન ઉપાડીને લીટા તાણતા હતા, તેઓ આજે બ્રશ તરફ જોવાની પણ હિંમત નહોતા કરી રહ્યા. કલાકો પસાર થવા લાગ્યા પણ કોઈ ચિત્રની નજીક જઈને બ્રશ ઉપાડવા તૈયાર નહોતું.
બપોર થઈ ગઈ અને બપોર પછી સાંજ નમવા આવી, છતાં આખી બજારમાંથી એક પણ માણસે ચિત્રને અડવાની હિંમત ન કરી. જે લોકો ગઈકાલે કલાના મોટા જ્ઞાની બનીને ભાષણ આપતા હતા, તેઓ આજે મોઢું છુપાવીને ત્યાંથી નીકળી જતા હતા. સાંજ સુધીમાં આખું ગામ ત્યાંથી પસાર થઈ ગયું પણ ચિત્ર પર એક નાનો સરખો લીટો કે રંગનો ડાઘ પણ ન પડ્યો. ચિત્ર બિલકુલ એવું ને એવું જ ચમકતું રહ્યું જેવું સવારે મૂકવામાં આવ્યું હતું. સાંજ પડતાં જ સમર અને રામદાસજી ચિત્રની નજીક ગયા.
રામદાસજીએ સમર સામે જોઈને કહ્યું કે, "જોયું બેટા, આ છે દુનિયાની અસલી હકીકત. આ સંસારમાં બીજા લોકોની ભૂલો કાઢવી, ખામીઓ શોધવી અને આંગળી ચિંધવી બહુ સહેલી છે. એના માટે કોઈ જ્ઞાન કે મહેનતની જરૂર નથી પડતી. પણ જ્યારે એ જ ભૂલને સુધારવાની જવાબદારી પોતાના પર આવે છે, ત્યારે ભલભલા જ્ઞાનીઓના હાથ ધ્રુજવા લાગે છે અને લોકો પાછા હટી જાય છે. ટીકા કરનારાઓથી ક્યારેય ડરવું નહીં, કારણ કે ટીકા કરવી એ નબળા માણસોનું કામ છે, જ્યારે સુધારો કરવો એ સાચા કલાકાર અને સજ્જન માણસનું લક્ષણ છે."
સમરને હવે ગુરુજીની વાત બરાબર સમજાઈ ગઈ હતી. એના મનમાંથી બધી જ નિરાશા દૂર થઈ ગઈ હતી. એને સમજાઈ ગયું હતું કે પોતાની કલાની કદર કરવા માટે દુનિયાના સર્ટિફિકેટની જરૂર નથી. તે હસતા ચહેરે એ સુંદર અને અકબંધ ચિત્ર લઈને પોતાના ઘરે પાછો ફર્યો. ત્યાર પછી એણે ક્યારેય કોઈની નકારાત્મક ટીકા તરફ ધ્યાન ન આપ્યું અને પોતાની કલા સાધનામાં લીન રહ્યો. આ કિસ્સાએ આખા માધવપુર ગામના લોકોને પણ એક મોટો પાઠ ભણાવી દીધો હતો કે કોઈના કામમાં ખામી કાઢતા પહેલા એ વિચારવું જરૂરી છે કે શું આપણે પોતે તેને સુધારવાની તાકાત ધરાવીએ છીએ ખરા?
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો.